જે મારી આ વિભૂતિ તથા યોગને બરાબર જાણે છે, તે અવિચળ યોગથી યુક્ત થાય છે, એમાં સંશય નથી. (૭)
ભાવાર્થ:
એતામ્ વિભૂતિમ્ એટલે પરમાત્માની ઐશ્વર્યપૂર્ણ વિભૂતિ. જીવનનું પરમ રહસ્ય - પરમ આધાર - તેને આપણે ઈશ્વર કહીએ છીએ. ઈશ્વર શબ્દ ઐશ્વર્યનું જ રૂપ છે. જ્યાં જ્યાં ઐશ્વર્ય પ્રગટ થાય - કોઈ પણ આયામથી (dimension) ત્યાં ઈશ્વરની ઝલક બિલકુલ નિકટ હોય છે. જયારે કોઈ ફૂલ પરમ ઐશ્વર્યથી ખીલે - with full bloom તે પરમ સૌંદર્યનું નામ ઈશ્વરનું પ્રાગટ્ય. જયારે કોઈ સંગીતમાં દિવ્ય ધ્વનિ રેલાય તે ધ્વનિનું નામ ઐશ્વર્ય - ઈશ્વરનું પ્રાગટ્ય. ઐશ્વર્યનો અર્થ છે કોઈ પણ દિશામાં - કોઈ પણ આયામ dimension થી જે પરમ ઉત્કર્ષ અંતિમ સીમા - full bloom થી કોઈ સૌંદર્ય, સત્ય, સંગીત, કળા જ્યાં જીવન પોતાની અત્યંત આત્યંતિક શિખર સુધી પહોંચી જાય ત્યાં ઈશ્વરનું પ્રાગટ્ય એટલે કે ઐશ્વર્ય - ઈશ્વરપણું ઝળકી ઉઠે. આમ ઈશ્વર અપ્રગટરૂપે તો તમામ પ્રાણી, પદાર્થ, વસ્તુ અને વ્યક્તિમાં વ્યાપ્ત છે અને કણેકણમાં ઈશ્વરનું ઐશ્વર્ય પ્રચૂર પ્રમાણમાં રેલાયેલું પડેલું જ છે. પરંતુ જયારે તે ઐશ્વર્ય - ઈશ્વરપણું કોઈ પણ સૌંદર્ય - સંગીત - કળા - રૂપમાં પ્રગટ થાય ત્યારે તમે સહેલાઈથી દ્રષ્ટિ હોય તો ઈશ્વરના સાન્નિધ્યની અનુભૂતિ કરી શકો.
યત્ યત્ વિભૂતિમત્ સત્વં(ગીતા - ૧૦/૪૧) જે જે વસ્તુ ઐશ્વર્યવાળી, શોભાવાળી અથવા બળ કે પ્રાણવાળી હોય, તે તે ઈશ્વરના અંશથી જ ઉત્પન્ન થયેલી જાણવી. જે જે વિભૂતિયુક્ત, ઐશ્વર્યયુક્ત, ક્રાંતિયુક્ત, શક્તિયુક્ત પ્રાણી, પદાર્થ, વસ્તુ, વ્યક્તિ છે તે ઈશ્વરના અસ્તિત્વની અને પ્રાગટ્યની અનુભૂતિ કરાવે છે.
યોગં ચ - પરમાત્માની યોગશક્તિ. માણસની યોગશક્તિ માણસના મનને પરમાત્મા બાજુ પ્રવાહિત કરે ત્યારે પરમાત્માની યોગશક્તિથી પરમાત્માની કરુણા જીવાત્મા તરફ બમણી ઝડપથી વહેવા લાગે છે. જીવાત્માની જેટલી આતુરતા હોય તેનાથી અનેક ઘણી પરમાત્માની તત્પરતા (યોગશક્તિ) હોય છે અને જયારે પણ જીવાત્માનો પરમાત્મા સાથે ભેટો થશે ત્યારે તે જીવાત્માના પુરુષાર્થથી નહીં, પરંતુ પરમાત્માના અનુગ્રહથી (યોગશક્તિથી) થશે. મેળામાં ભૂલા પડેલા બાળકનો તેના બાપ સાથે ભેટો થશે તે બાળકના પુરુષાર્થથી નહીં પરંતુ બાપની કરુણા, વાત્સલ્ય અને યોગ-સંયોગની ઉત્કટ તાલાવેલીથી થશે. ભૂલા પડેલા જીવાત્માને ખોળવા જીવાત્માની પહેલા પરમાત્મા નીકળી પડેલા છે. ધ્રુવ, પ્રહલાદ, દ્રૌપદી, શબરી માટે પરમાત્મા પોતે દોડતા ગયા હતા. આ પરમાત્માની યોગશક્તિ.
અપ્રગટ રૂપે તો પરમાત્માનું ઐશ્વર્ય સમગ્ર વિશ્વમાં કણેકણમાં પ્રચૂર પ્રમાણમાં વ્યાપ્ત છે જ, પરંતુ તે પ્રાણી - પદાર્થ વસ્તુ અગર વ્યક્તિમાં પરમાત્મા વિશેષરૂપે પ્રગટ થાય છે તેને વિભૂતિ કહેવાય અને તેવી જ રીતે પરમાત્માનો યોગ (સાન્નિધ્ય) તો તમામ ચરાચર ભૂતપ્રાણી માત્રને છે જ, પરંતુ તેને સમ્યક રીતે સમજીને તેના સાન્નિધ્યની અનુભૂતિ અનુભવે ત્યારે તેને નિશ્ચલ રૂપે (અવિકંપેન) પરમાત્માની યોગશક્તિ દેખાય. પરમાત્મા જ્ઞાનશક્તિ અને સર્જનશક્તિથી સદા સંપન્ન છે. આવું તત્ત્વે કરીને જે સમજે તે મનુષ્ય નિશ્ચલયોગ એટલે કે યથાર્થ દર્શનયોગથી સંપન્ન થાય છે.
પરાસ્ય શક્તિર્વિવિધૈવ શ્રૂયતે સ્વાભાવિકી જ્ઞાનબલક્રિયા
(શ્વેતાશ્વતરો ઉપનિષદ - ૬/૮)