બુદ્ધિ, જ્ઞાન, મોહરહિતપણું, ક્ષમા, સત્ય, દમ (ઇન્દ્રિયનિગ્રહ), શમ (મનોનિગ્રહ), સુખ, દુઃખ, ઉત્પત્તિ, નાશ, ભય, અભય, અહિંસા, સમભાવ, સંતોષ, તપ, દાન, યશ અને અપયશ - આ પ્રાણીઓના જુદા જુદા પ્રકારના ભાવો મારાથી જ થાય છે. (૪, ૫)
ભાવાર્થ:
જેવી રીતે આકાશ આખા જગતને ઘેરે છે - cover કરે છે અને જગતના તમામ પ્રાણી - પદાર્થ વસ્તુ વ્યક્તિમાં અખંડરૂપે વ્યાપ્ત છે તથા જેવી રીતે જીવનની ઉર્જા તમામમાં પરિવ્યાપ્ત છે તેવી જ રીતે તમામ પ્રાણી પદાર્થ વસ્તુ વ્યક્ત્તિની ચેતનામાં કણેકણમાં પરમાત્માની અખંડ અભિવ્યક્તિ છે. પરંતુ આપણું મન બધા પ્રાણી પદાર્થ વસ્તુ વ્યક્તિને અલગ અલગ ખંડ ખંડમાં જોવા ટેવાયેલું છે તે આપણને આ તમામમાં અખંડ પરમાત્માની અનુભૂતિ થવા દેતું નથી.
જ્યાં સુધી તમામ પ્રાણી - પદાર્થ - વસ્તુ વ્યક્તિ અલગ અલગ ખંડિતમાં એક અખંડ તત્ત્વનો અનુભવ નહીં થાય ત્યાં સુધી આપણને પરમાત્માની પ્રતીતિ નહીં થાય. આપણા મનની ખંડિત દ્રષ્ટિમાં અખંડ પરમાત્મા દેખાતા નથી. તેથી આ બે શ્લોકોમાં પરમાત્મા મનના એક એક જુદા જુદા ભાવોને, ખંડોને એકે એકે ગણાવીને તે તમામમાં પોતે જ અખંડ સ્વરૂપે વ્યાપ્ત છે તે સમજાવવા પ્રયત્ન કરે છે.
પરમાત્મામાંથી જ પેદા થયેલા અને દરેકના અનુભવમાં આવતા મનના ભિન્ન ભિન્ન ભાવો પૈકી ચોથા શ્લોકમાં ૧૩ ભાવો અને પાંચમા શ્લોકમાં ૭ ભાવો મળી કુલ ૨૦ ભાવો ઉદાહરણ રૂપે ગણાવે છે અને કહે છે કે ૨૧ ભૂતો (original becomings) - શ્લોક ૬ માં જણાવેલા ૭ મહર્ષિઓ અને ૧૪ મનુષ્યોના આ વિવિધ પ્રકારના મનના ભાવો મારાથી જ પેદા થયા છે. બુદ્ધિ - જ્ઞાન આદિ જે અનેક ભાવો જે દેખાય છે તે બધા ઈશ્વરથી જ ઉત્પન્ન થયા છે. ઈશ્વરનું જે વિશ્વવ્યાપી સમષ્ટિ મન છે તેનાથી ઉત્પન્ન થયેલા (મદ્દભાવા: માનસાઃ જાતા:) માનસ ભાવો છે. તે વ્યક્તિના ભાવ નથી. આ ઈશ્વરની વિભૂતિ છે અને આ જ ઈશ્વરની વિભૂતિનો અદભુત યોગ છે.
જે આમાં ઈશ્વરની વિભૂતિને જુએ છે અને તેમાં ઈશ્વરની શક્તિનો અદભુત યોગ થયો છે તેવું જાણે છે અને અનુભવ કરે છે તેને ઉત્તમ પ્રકારે સ્થિરયોગ સાધ્ય થાય છે અને એ જ જ્ઞાનનું ફળ છે. આ બે શ્લોકમાં વર્ણવેલા ૨૦ ભાવો માત્ર (illustrative) ઉદાહરણ રૂપે છે, પરંતુ તે ઉપરાંત બીજા અનેક ભાવો જગતના વ્યવહારમાં દેખાય છે તે તમામ પૃથક પૃથક ભાવો ઈશ્વરમાંથી જ પેદા થાય છે. (ભૂતાનામ્ પૃથકવિધા: ભાવા: મત્ત: એવ ભવન્તિ). જન્મ - મૃત્યુ - સત્ય - અસત્ય - કાળ - શાંતિ વગેરે બધા ભાવો ઈશ્વરમાંથી જ થાય છે.
બુદ્ધિ - એટલે નિશ્ચયાત્મિકા - વ્યવસાયાત્મિકા બુદ્ધિ જેમાં મનનું કાંઈ કંપન અસ્થિરતા ના હોય.
જ્ઞાન - એટલે તત્ત્વજ્ઞાન. તત્ત્વજ્ઞાનનો અર્થ ફિલોસોફી નહીં.
ફિલોસોફીનો અર્થ છે ચિંતન - મનન - વિચાર.
તત્ત્વજ્ઞાનનો અર્થ છે દર્શન - સાક્ષાત્કાર - અનુભૂતિ.
આંધળો માણસ પ્રકાશ સંબંધી ચિંતન - મનન - વિચાર કરે તે ફિલોસોફી. પરંતુ આંધળા માણસને આંખ ખુલી જાય અને પ્રકાશ દેખે તેનું નામ તત્ત્વજ્ઞાન.
ફિલોસોફી એટલે Thinking.
તત્ત્વજ્ઞાન એટલે Knowing.
અસંમૂઢ: એટલે અસમ્મોહ: મૂઢતાનો અર્થ છે એવો માણસ જે જાગતો દેખાય, છતાં જાગતો ના હોય. મૂઢતાનો અર્થ મૂર્ખતા નહીં, પરંતુ એક પ્રકારનો આધ્યાત્મિક અંધાપો (spiritual blindness) એટલા માટે પંડિતો અને કહેવાતા જ્ઞાનીઓ પણ મૂઢ હોઈ શકે. અમૂઢતાનો અર્થ છે જાગ્રતમાં જાગતો - સજાગ - પ્રબુદ્ધ - Enlightened. ઈશ્વરમાં પણ જેની આધ્યાત્મિક જાગૃતિ હોય તે યોગી. જાગ્રતમાં પણ જે ઊંઘતો હોય તે ભોગી.
'ભરપૂર મોહે ભરેલા, નર એ જ ઊંઘેલા'
ક્ષમાનો અર્થ ક્રોધ કરે અને પછી માફ કરે તેવો નહીં, પરંતુ ક્રોધ કરવાનો પ્રસંગ ઉપસ્થિત થાય - કોઈ ગાળ દે છતાં ક્રોધ થાય જ નહીં તે ખરો ક્ષમાભાવ. કૂવામાં પાણી જ ના હોય તો હવાડામાં ના આવે તેમ હૈયામાં ક્રોધ હોય જ નહીં તો કોઈ ગાળ દે તો પણ તેનું Reaction ક્રોધ થાય જ નહીં. પછી ક્ષમા માગવાનો અગર ક્ષમા કરવાનો પ્રસંગ જ ના આવે તે સ્થિતિમાં ભગવદ્ભાવ પ્રગટ થાય. ભર્તૃહરિ કહે છે -
દદતુ દદતુ ગાલિ: ગાલિમન્તો ભવન્તો |
તમારી પાસે ગાળોનો સ્ટોક છે તો તમે અમને ગાળો દો પરંતુ અમારા હૈયામાં ક્રોધનો સ્ટોક બિલકુલ છે જ નહીં. અમારી પાસે સ્ટોકમાં માત્ર ક્ષમા જ છે, જે અમે તમને આપીશું.
દમ: શમ: ઈન્દ્રિયોનું દમન. એટલે બળાત્કારે કરેલું દમન નહીં, પરંતુ ઇન્દ્રિયો સ્વાભાવિક રીતે સરળ રીતે મનના કાબૂમાં રહે (જેને પ્રત્યાહાર કહેવાય). રબારી જેમ ગાયો, ઘેટાને એક ડચકારાથી પાછા બોલાવી લે તે પ્રમાણે. શમ એટલે મનનું શમન - તે પણ બળાત્કારે નહી, પરંતુ સમજાવટથી. મન અને ઇન્દ્રિયોને દુશ્મનની માફક જબરજસ્તીથી ઠોક-પીટ કરીને વશમાં કરવા જાઓ તો તે વિદ્રોહી - બગાવતી થઇ જાય. જબરજસ્તીથી દબાવેલુ મન વિષાક્ત બની જાય અને પછી તે પરમાત્માની ઝલકથી બહુ દૂર થઇ જાય. જ્ઞાને કરીને મનનું રૂપાંતર કરે - transformation કરે તો તે મન પરમાત્મા તરફ વળે. મન ભમરા જેવું છે, તે માત્ર પરમાત્માના ચરણકમળમાં જ શાંત થાય, ત્યાં સુધી તે ચંચળ જ રહે તે તેનું દૂષણ નથી. મન પ્રત્યે જાગરૂક રહે તે ભગવદ્ભાવ પ્રાપ્ત કરે.
સુખંદુઃખં - સુખમાં અને દુઃખમાં એટલે કે તમામ દ્વંદ્વોમાં જે પરમાત્માની ઝલક જોઈ શકે તે જ સમતાને પ્રાપ્ત કરી શકે. સુખમાં કદાચ પરમાત્માનો અનુગ્રહ સમજાય, પરંતુ દુઃખમાં પણ પરમાત્માની દયા જ દેખાય, પરમાત્માના મારમાં પણ પ્યાર દેખાય, પરમાત્માના ક્રોધમાં પણ કરુણા દેખાય તેને ભગવદ્ભાવ પ્રાપ્ત થાય.
જેને દુઃખમાં પણ ભગવદ્ અનુગ્રહ સમજાય તેને પછી આ જગતમાં કાંઈ દુઃખ રહે જ નહી.
વિપદો નૈવ વિપદઃ સંપદો નૈવ સંપદ: ।
વિપદ વિસ્મરણં વિષ્ણો: સંપત નારાયણ સ્મૃતિઃ।।
બચન કાર્ય મન મમ ગતિ જાહી | સપનેહુ બુઝીય બિપતિ કી તાહિ ||
કહ હનુમંત બિપતિ પ્રભુ સોઈ | જબ તવ સુમિરન ભજન ન હોઈ ||
દુઃખને પણ પરમાત્માનું સ્વરૂપ સમજીને તેનું સ્વાગત કરે તેના જીવનમાં દુઃખ કદાપિ તેને વિચલિત કરે નહી. કપડાને ધોકા મારીને જેમ કપડું શુદ્ધ થાય છે તેમ દુઃખથી અંત:કરણની શુદ્ધિ થાય છે.
આ પ્રમાણે જયારે તમામ દ્વંદ્વોમાં ભગવદ્ દર્શન થશે અને આ બધા ભાવો સમજાશે ત્યારે હવે પછીનો વિભૂતિયોગ તેમ જ વિશ્વરૂપ દર્શન પણ સમજાશે. અહીં સંક્ષેપમાં વિભૂતિયોગ તથા વિશ્વરૂપદર્શન યોગ કહ્યા છે.