શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૬

આત્મસંયમ યોગ

સુહૃન્મિત્રાર્યુદાસીનમધ્યસ્થદ્વેષ્યબન્ધુષુ ।
સાધુષ્વપિ ચ પાપેષુ સમબુદ્ધિર્વિશિષ્યતે ॥૯॥

સુહૃદ્દ મિત્ર અરિ ઉદાસીન મધ્યસ્થ દ્વેષ્ય બન્ધુષુ

સાધુષુ અપિ ચ પાપેષુ સમબુદ્ધિ: વિશિષ્યતે

બન્ધુષુ - બંધુઓમાં (તથા)

સાધુષુ - ધર્માત્માઓમાં

ચ - અને

પાપેષુ - પાપીઓમાં

સમબુદ્ધિ: - જે સમાન બુદ્ધિવાળો છે (તે)

વિશિષ્યતે - અતિ ઉત્તમ છે.

સુહૃદ્દ - સ્વાર્થરહિત હિત કરનાર

મિત્ર - મિત્ર

અરિ - શત્રુ

ઉદાસીન - તટસ્થ

મધ્યસ્થ - બંને પક્ષનું ભલું ઇચ્છનાર

દ્વેષ્ય - દ્વેષપાત્ર (અને)

સુહૃદ, મિત્ર, શત્રુ, તટસ્થ, મધ્યસ્થ, દ્વેષપાત્ર, બંધુઓ, સજ્જનો અને પાપીઓમાં પણ સમબુદ્ધિવાળો (મનુષ્ય) શ્રેષ્ઠ છે. (૯)

ભાવાર્થ

સમબુદ્ધિ, સમભાવ, સમદ્રષ્ટિ આ બધા શબ્દોનો એક જ અર્થ છે. આ સંબંધમાં ગીતામાં અનેક નિર્દેશો નીચે પ્રમાણે છે:

૧. સુખદુઃખે સમે કૃત્વા લાભાલાભૌ જયાજયૌ । (ગીતા - ૨/૩૮)

૨. સિદ્ધ્યસિદ્ધ્યોઃ સમો ભૂત્વા સમત્વં યોગ ઉચ્યતે ॥ (ગીતા - ૨/૪૮)

૩. સમઃ સિદ્ધાવસિદ્ધૌ ચ કૃત્વાપિ ન નિબધ્યતે ॥ (ગીતા - ૪/૨૨)

૪. વિદ્યાવિનયસમ્પન્ને બ્રાહ્મણે પણ્ડિતાઃ સમદર્શિનઃ || (ગીતા - ૫/૧૮)

૫. ઇહૈવ તૈર્જિતઃ સર્ગો યેષાં સામ્યે સ્થિતં મનઃ ।

નિર્દોષં હિ સમં બ્રહ્મ તસ્માદ્ બ્રહ્મણિ તે સ્થિતાઃ ॥ (ગીતા - ૫/૧૯)

૬. જ્ઞાનવિજ્ઞાનતૃપ્તાત્મા સમલોષ્ટાશ્મકાઞ્ચનઃ ॥ (ગીતા - ૬/૮)

૭. ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શનઃ ॥ (ગીતા - ૬/૨૯)

૮. આત્મૌપમ્યેન સર્વત્ર સમં પશ્યતિ યોઽર્જુન । (ગીતા - ૬/૩૨)

૯. સમોઽહં સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોઽસ્તિ ન પ્રિયઃ । (ગીતા ૯/૨૯)

૧૦. સન્નિયમ્યેન્દ્રિયગ્રામં સર્વત્ર સમબુદ્ધયઃ । (ગીતા - ૧૨/૪)

૧૧. સમઃ શત્રૌ ચ મિત્રે ચ તથા માનાપમાનયોઃ । (ગીતા - ૧૨/૧૮)

૧૨. નિત્યં ચ સમચિત્તત્વમિષ્ટાનિષ્ટોપપત્તિષુ ॥ (ગીતા - ૧૩/૧૦)

૧૩. સમં સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્તં પરમેશ્વરમ્ । (ગીતા - ૧૩/૨૮)

૧૪. સમં પશ્યન્હિ સર્વત્ર સમવસ્થિતમીશ્વરમ્ । (ગીતા - ૧૩/૨૯)

૧૫. સમદુઃખસુખઃ સ્વસ્થઃ સમલોષ્ટાશ્મકાઞ્ચનઃ । (ગીતા - ૧૪/૨૪)

૧૬. સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિં લભતે પરામ્ ॥ (ગીતા - ૧૮/૫૪)

સમબુદ્ધિનો અર્થ પ્રાયઃ બ્રહ્મબુદ્ધિ, આત્મબુદ્ધિ, પરમાત્મબુદ્ધિ છે. વાસુદેવ: સર્વમિતિ |

નાટકમાં ઉતરેલા વિવિધ પાત્રોમાં એક રાજા બને, એક ચોર બને, એક ફોજદાર બને. રાજા ચોરને દંડ કરે અને ફોજદારને ઇનામ આપે. બધા પાત્રો અસલ સ્વરૂપને ભૂલતા નથી. અને એક જ ડાયરેક્ટરના હાથ નીચે પોતપોતાના પાઠ રાગદ્વેષ વગર સુખદુઃખને સરખા ગણીને ભજવે છે, અને સમદ્રષ્ટિ રાખે છે. સોનાના ઘડેલા ઘરેણાંમાં, વિવિધ આભૂષણોમાં સોની બધામાં સોનુ જ દેખે છે.

ઘાટ ઘડ્યા પછી નામરૂપ જૂજવા. અંતે તો હેમનું હેમ હોયે.

માણસ કોઈની સાથે મિત્રતાથી વર્તે છે કારણ કે તેનાથી તેને લાભ થાય છે અગર તો લાભ થવાની શક્યતા છે. કોઈની સાથે શત્રુતા રાખે છે કારણ કે તેનાથી તેને નુકસાન થાય છે. અગર તો નુકસાન થવાની સંભાવના છે. પરંતુ જેને લાભની અપેક્ષા નથી અગર તો નુકસાન થવાનો ભય નથી તેને કદાચ શત્રુ અગર મિત્ર હોય તો પણ તે બંનેમાં તે સમદ્રષ્ટિ રાખી શકે છે. યુધિષ્ઠિરને દુર્યોધન વગેરે ઘણા શત્રુઓ હતા છતાં પોતે અજાતશત્રુ કહેવાતા હતા કારણ કે તેમને કોઈ પ્રત્યે શત્રુતા નહોતી. આમ યુધિષ્ઠિરમાં સમદ્રષ્ટિ હતી છતાં પોતે ધર્મયુધ્ધમાં પ્રવૃત પણ થયા હતા.