વળી અતીન્દ્રિય અને બુદ્ધિગ્રાહ્ય જે અનંત સુખ છે, તેને જેમાં અનુભવે છે; તેમ જ જેમાં રહીને આ (યોગી) તત્ત્વથી ચલિત થતો જ નથી; અને જેને પામીને બીજા લાભને તેથી અધિક માનતો નથી તથા જેમાં રહીને મોટા દુઃખથી પણ ચલિત કરાતો નથી; તે દુઃખસંયોગના અભાવને 'યોગ' નામે જાણવો. તે (યોગ)નો નહી કંટાળેલા ચિત્તથી નિશ્ચયપૂર્વક અભ્યાસ કરવો. (૨૧-૨૩)
ભાવાર્થ
આત્મયોગની સિદ્ધિ પ્રાપ્ત થયા પછી તે સિદ્ધ પુરુષને કેવો અનુભવ થાય છે તે આ ઉપરોક્ત ત્રણ શ્લોકોમાં કહે છે.
આત્મયોગની સિદ્ધિ પ્રાપ્ત થતા યોગીને અભૌતિક અનિર્વચનીય સુખ પ્રાપ્ત થાય છે જે સાધારણ મનુષ્યની તો કલ્પનામાં પણ ન આવી શકે. આત્માનું સુખ ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતું નથી એટલે કે તે સુખ 'અતીન્દ્રિય છે', ઇન્દ્રિયોથી પર છે. ઇન્દ્રિયો વિના જ આત્મસુખનો અનુભવ થાય છે. મન અને ઇન્દ્રિયો તો બહારના વિષયોને ગ્રહણ કરે છે અને તેમાં પ્રવૃત થાય છે. શ્રુતિ ભગવતી કહે છે કે -
પરાંચિ ખાની વ્યતૃણત્ સ્વયંભૂઃ તસ્માત્ પરાં પશ્યતિ ન અંતરાત્મન્ ।
જ્યાં ઇન્દ્રિયો પહોંચી શકતી નથી તે સુખ અતીન્દ્રિય કહેવાય - અતીન્દ્રિય સુખનો અનુભવ બુદ્ધિ દ્વારા થાય છે એટલે કે તે સુખ 'બુદ્ધિગ્રાહ્યમ' છે કારણ કે બુદ્ધિ બહાર ભટકનારી નથી. બુદ્ધિ તો આત્માની સહધર્મચારિણી છે. બુદ્ધિ નીચે ઉતરીને વિષયોના કીચડમાં ફસાવા ઇચ્છતી નથી. એ તો અંતર્મુખ થઈને કામ કરે છે. જે વખતે તમામ ઇન્દ્રિયો પોતપોતાના વિષયોમાંથી નિવૃત થાય, મન સ્તબ્ધ નિષ્કમ્પ થાય, ચિત્તવૃત્તિઓનો નિરોધ થાય ત્યારે બુદ્ધિ વ્યવસાયાત્મિકા કાર્ય કરતી થવા લાગે, બુદ્ધિનું કાર્ય એટલું જ છે કે તે આત્માનંદનો અનુભવ કરે. એટલા માટે આત્મસુખને 'બુદ્ધગ્રાહ્યમ અતીન્દ્રિયમ' કહ્યું છે.
આત્માનંદનું સુખ તે આત્યંતિક સુખ છે. તે સુખ અનંત, અખંડ, અપરિમેય, અત્યંત સુખ છે. ઇન્દ્રિયજન્ય સુખ ઇન્દ્રિયો થાકી જાય ત્યારે ગ્રહણ કરી શકતી નથી તેથી તે સુખ તેથી તે સુખ ખંડિત, અલ્પ, પરિમિત અને દુઃખમાં પરિણમનારું છે. કારણ કે ભોગવિષયો પણ બદલાતા રહે છે, જયારે આત્મા સ્વયં એકરસ, અખંડ, સત્ય સ્વરૂપવાળો છે. આત્મા એકરસ છે અને બુદ્ધિ પણ અખંડિત છે. 'વ્યવસાયાત્મિકા બુદ્ધિરેકેહ' તેથી ઇન્દ્રિયોના કે ભોગોના કોઈ દોષ આત્મસુખને ઓછું કરી શકતા નથી.
આત્મસુખ તે કોઈ બાહ્ય પદાર્થ, પ્રાણી અગર વસ્તુ, વ્યક્તિ ઉપર આધારિત નથી, નિરપેક્ષ છે, તેથી તે સુખ સ્વયં આત્મામાં આત્મા દ્વારા આત્માને જ પ્રાપ્ત થાય છે.
ભોગોનો ઇન્દ્રિયો સાથે સંયોગ થવાથી સુખદુઃખ થાય છે. આત્મયોગમાં દુઃખસંયોગ થઇ શકતો નથી. કારણ કે તેના અનુષ્ઠાન પહેલા જ ઇન્દ્રિયો વિષયભોગોમાંથી નિવૃત થયેલી હોય છે. તેથી દુઃખનું કારણ સમીપમાં ઉપસ્થિત હોવા છતાં સંયોગ થતો નથી. આ કારણે આ આત્મયોગને 'દુઃખ સંયોગ વિયોગયોંગ સંજ્ઞિતં' દુઃખના સંયોગનો વિયોગ કરનાર કહ્યો છે. એટલા માટે આત્મયોગ સિદ્ધ થતા યોગીને કોઈ પણ પ્રકારનો ક્લેશ સતાવી શકતો નથી.
આત્મયોગમાં સિદ્ધ થયેલો યોગી દુઃખથી ઘેરાઈ જવા છતાં પણ પૂર્ણ આનંદમાં મગ્ન રહે છે. કારણ કે જેનાથી દુઃખનો સંબંધ થાય છે તે ઈન્દ્રિયોનું તથા જેનાથી દુઃખનું જ્ઞાન થાય છે તે મનનું કાર્ય જ આત્મયોગ થતા પહેલા અદ્રશ્ય - સમાપ્ત થઇ જાય છે. એટલે યોગી પોતે પોતાને બ્રહ્મતત્ત્વમાંથી કદાપિ વિચલિત થવા દેતો નથી, અને કોઈ અવસ્થા તેને બ્રહ્મથી જુદો - વિખૂટો કરી શકતી નથી. વિચલિત થવાનું મુખ્ય કારણ અધિક સુખ મેળવવાની આકાંક્ષા, ઉત્કંઠા, આસક્તિ છે પરંતુ આ બ્રહ્મસુખની અપેક્ષાએ ત્રણે લોકના સુખ કમ છે, હીન છે, તુચ્છ છે.
આત્મયોગ આત્યંતિક, અપૂર્વ, અદ્ભૂત, અનિર્વચનીય આનંદને પ્રાપ્ત કરાવે છે. આ આત્મયોગ સર્વયોગોમાં શ્રેષ્ઠ છે.
દેહ, ઇન્દ્રિયો, મન વગેરે કોષોમાં પ્રબળ અધ્યાસનો લીધે આપણે ભગવદ્સ્વરૂપથી ચલાયમાન થઇ જઈએ છીએ. જેને ખાતરીપૂર્વક અનુભવ થાય કે મારી અંદર અનંત આનંદનો ખજાનો પડયો છે તેને કરોડોનું નુકસાન પણ વિચલિત નહીં કરી શકે. જેને પરમાત્માનો (આત્મજ્ઞાનનો) અનુભવ થયો તેને ગમે તેટલું દુઃખ પણ સ્પર્શ કરી શકે નહીં તેથી તો જીસસ જેવો આદમી શૂળી ઉપર શાંતિથી લટકી શકે. મુસ્લિમ ફકીર મનસૂરે દેહ છોડતી વખતે કહ્યું કે, 'તમને જે મોત દેખાય છે મને તે મહામિલન દેખાય છે. અહીંથી જલદી વિદાય થઉં તો પરમાત્માને મારે માટે ખોટી ના થવું પડે, કારણ કે પરમાત્મા મને સ્વીકારવા હાથ પહોળા કરીને જ ઉભા છે.' ભગવદ્ મિલનની આ કસોટી છે. બુદ્ધ, મીરાએ કહેલું કે ઝેર મારુ કાંઈ બગાડી શકે તેમ નથી, કારણ કે જે અમૃત (પરમાત્મા) છે તેને હું જાણું છું.
ગરલ સુધા રિપુ કરઈ મિતાઈ, ગોપદ સિંધુ અનલ શીતલાઈ.
ગરુડ સુમેરુ રેણુ સમ તાહિ, રામકૃપા કરી ચિત્તવા જાહી. (માનસ)
ઉપરોક્ત આત્મયોગની સાધના કેવી રીતે કરવામાં આવે છે તે બાબત હવે ભગવાન આગળ શ્લોક ૨૪થી ૨૮ માં કહે છે.