યોંગસેવનથી વશ થયેલું ચિત્ત જેમાં આનંદ પામે છે અને અંતઃકરણ વડે આત્માને જોતો જે આત્મામાં જ સંતોષ પામે છે. (૨૦)
ભાવાર્થ:
જેમ પવનની દોડતી સ્થિતિનું નામ વંટોળિયો છે અને ઉપરામ સ્થિતિનું નામ વાયુ છે તેમ ચેતનાની દોડતી સ્થિતિનું નામ મન છે અને ચેતનાની ઉપરામ સ્થિતિનું નામ આત્મા છે. વંટોળિયો અને મનનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ - real existence નથી. મન એ ચેતનાની દોડતી સ્થિતિનું નામ છે જેમ વંટોળિયો એ પવનની દોડતી સ્થિતિનું નામ છે.
જ્યાં સુખ માલૂમ પડે છે ત્યાં ચિત્ત દોડે છે. ચિત્તની દોડ સુખોન્મુખ છે. સાઈકલને ચાલતી રાખવી હોય તો પગથી પેડલને ચાલતા રાખવા જરૂરી છે. તેમ ચિત્તને, મનને ચાલતું રાખવું હોય તો સુખની ખોળ જારી રાખવી જરૂરી છે. જે કાંઈ આપણે ચાહીએ છીએ તેમાં આપણને પ્રથમ દ્રષ્ટિએ સુખ દેખાય છે પરંતુ તેની નિકટ પહોંચતા જ દુઃખ સિદ્ધ થાય છે. આખી જિંદગી માણસ આવો જ અનુભવ કરે છે. જીવન દુઃખ છે. 'અનિત્યમ અસુખં લોકં દુઃખાલયમ અશાશ્વાતમ' | દરેક જન્મમાં આવો જ અનુભવ થાય છે. ચાલુ જીવનમાં પણ એ જ અનુભવ થાય છે છતાં પણ માણસ એકની એક ભૂલ વારંવાર કરે છે. માણસ ક્રોધ કરે છે, પીડા પામે છે, દુઃખ થાય છે, નર્ક નિર્મિત થાય છે, સમજે છે છતાં પણ તે વારંવાર ક્રોધ કરે છે અને દુઃખી થાય છે. છેવટે ધીરે ધીરે એ દુઃખનો અભ્યાસ થાય છે, દુઃખ કોઠે પડી જાય છે. માણસ સતત દુર્ગંધ પાસે રહે, ધાંધલા - ધમાલિયા વાતાવરણમાં સતત રહે, સતત ટ્રેનમાં મુસાફરી કરે પછી તે તેનાથી ટેવાઈ જાય છે અને આવા ઉપદ્રવોમાં તેની સંવેદનશીલતા કુંઠિત થઇ જાય છે.
અનિશ્ચિત અનિત્ય (સુખ)ની ખોજ કરવી વ્યર્થ છે. જીવન દુઃખ છે. 'સર્વમ દુઃખમયમ વિવેકિન: |' દુઃખની ખોજ કરતા કરતા ચિત્ત ઉપરામ પામશે. માણસ જીવનની ખોજ કરે છે તેને મૃત્યુ સિવાય કાંઈ પણ મળતું નથી. મૃત્યુની ખોજ કરનાર પરમ જીવનને પામે છે. સુખ ખોળવાની જરૂર નથી. દુઃખથી કેમ મુક્ત થવાય તેના ઉપાય ખોળવાની જરૂર છે. આત્યંતિક દુઃખની નિવૃત્તિ એ જ સુખની પ્રાપ્તિ છે. ઘરમાં ઓચિંતી આગ લાગે ત્યારે ઘરમાં જલદી બહાર નીકળવાનો ઉપાય પૂછવા ગુરુની પાસે જવું પડતું નથી. આગ લાગી છે તેવી પ્રતીતિ થવી એટલું જ બસ છે. સંસાર દુઃખમય છે તેવી દ્રઢ પ્રતીતિ થવાની સાથે જ સુખનો ઉપાય જડી જશે. Every pleasure has misery behind it. આટલું જ બરાબર સમજાઈ જાય તો ચિત્તવૃત્તિનો નિરોધ (વિરોધ નહિ) કરવાનું સૂઝે. ઝેરને ઝેર જાણતાની સાથે જ ઝેરથી છુટકારો થઇ જાય. કામ-ક્રોધ-લોભ ખરાબ છે તેવું આપણે ખરેખર જાણતા જ નથી. જો તે બરાબર જાણી જઈએ તો ચિત્ત તેમાંથી જરૂર ઉપરામ પામે જ.
બાપ દીકરાને સમજાવે છે કે ક્રોધ ખરાબ છે પરંતુ જો દીકરો આ વાત ના માને તો તે જ વખતે બાપ પોતે ક્રોધ કરે છે. આપણને કામ, ક્રોધ, લોભનો શુદ્ધ સાક્ષાત્કાર થયો જ નથી, અને જો થાય તો તેનાથી ચિત્ત જરૂર ઉપરામ પામે જ. આપણો એક અસલી 'હું' અંદર બેઠો છે તે ક્રોધ કરે છે અને પછી નકલી 'હું' ક્રોધ નહિ કરવાના સોગંદ ખાય છે. અસલી 'હું' ક્રોધ કર્યા જ કરે છે અને પછી નકલી 'હું' ગીતા વાંચ્યા કરે છે. આપણે આપણી જાતને જ વફાદાર નથી. બાપ દીકરાને સમજાવે છે કે બેટા ! સંન્યાસ લે અને બ્રહ્મચર્ય પાળ. દીકરો કહે છે કે પિતાજી ! આપે બ્રહ્મચર્ય પાળ્યું હોત તો મારે સંન્યાસ લેવો જ ના પડત. પિતાજીના બાપે, તેના બાપે, તેના બાપે કોઈએ પણ બાપગોતરમાં બ્રહ્મચર્ય પાળ્યું હોત તો છેલ્લા દીકરાને બ્રહ્મચર્ય પાળવાનું કહેવું ના પડત.
ઇન્દ્રિયો વિષયોથી નિવૃત થાય, મનની ચંચળતા શમે, ચિત્ત ચિંતનકર્મમાંથી ઉપરામ પામે ત્યારે આત્માને પરમાત્મા સાથે યોગ થાય. આને 'આત્મયોગ' કહેવાય. આસનો દ્વારા શરીરની ચંચળતા, અસ્વસ્થા મટે ત્યારે 'શરીરયોગ' થયો કહેવાય. પ્રાણાયામથી 'પ્રાણયોગ' સિદ્ધ થાય અને પ્રાણ સ્થિર થાય. પ્રત્યાહારથી ઇન્દ્રિયો વિષયોમાં ભટકતી મટે તે 'ઇન્દ્રિયયોગ' થયો કહેવાય. ધારણા, ધ્યાનથી મન સ્થિર થાય તે 'મનયોગ' કહેવાય. સમાધિમાં આત્માનું પરમાત્મા સાથે મિલન થાય, સાક્ષાત્કાર (realization) થાય તે 'આત્મયોગ' કહેવાય. સર્વ આનંદ, સર્વ સુખ, સર્વ સત્યતા આત્મામાં હોય છે. અખંડ એકરસ આનંદનો પ્રવાહ તેમાં વહે છે, તેમાં કોઈ પણ પ્રકારનું મિશ્રણ થતું નથી.