એમ અંત:કરણને નિત્ય (યોગમાં) જોડતો અને વશ થયેલા મનવાળો યોગી મારામાં રહેલી મોક્ષરૂપ પરમ નિષ્ઠાવાળી શાંતિ પામે છે. (૧૫)
ભાવાર્થ
યુઞ્જન્ એવમ્ સદા આત્માનમ્ |
શ્લોક ૧૧ થી ૧૪માં કહ્યા પ્રમાણે આત્માને નિરંતર પરમાત્માના સ્વરૂપમાં લગાવવું. જાગતા, ઊંઘતા, ખાતાં, પીતાં, નિરંતર શ્વાસની માફક પરમાત્માનું સ્મરણ અસંભવ લાગે છે કારણ કે સ્મરણની પ્રક્રિયાની આપણને ખબર નથી.
પરણીને સાસરે જઈને પહેલી વખત આણું વાળીને પિયર આવેલી નવોઢાને પિયરમાં ખાતાં - પીતાં - હરતા - ફરતા - ઉઠતા - બેસતા સતત તેના પ્રિયતમની યાદ સતાવતી હોય છે. એવી પરમાત્માની યાદ તમને કોઈ દિવસ સતાવે છે? હૃદયને પૂછી જુઓ અને તો જ તમને સ્મરણની પ્રક્રિયા સમજાશે.
જિમી તિરિયા પ્રીહર બસે, સુરતિ રહે પ્રિય માંહિ
તીમી જન યહ જગમેં બસે, સુરતિ રહે પ્રભુ માંહિ.
જિમી નાગરિકો ચિત્ત ગાગરીમેં
ઈશ્વરને આપણે અક્સર ઉધાર લઈને જીવીએ છીએ. નવરાશ મળશે ત્યારે સ્મરણ કરીશું, આવી વૃત્તિ ઉધાર છે. આ આપણા પ્રાણોનો પ્રામાણિક (Authentic) અનુભવ નથી હોતો. ભૌતિક પદાર્થોની સાથે રાગાત્મક સંબધ સ્થાપિત થયેલા ચિત્તમાં (નિરાશી: અપરિગ્રહ: ચિત્ત ના થાય તો) સતત સ્મરણ નહીં થાય.
નિયત માનસ: | સ્વાધીન મનવાળો
આ શબ્દનો બહુ માર્મિક અર્થ (deeper meaning) છે. સ્વાધીન કેવળ તે જ થઇ શકે જેણે બીજાઓને પરાધીન બનાવવાનું આયોજન નથી કર્યું. જે બીજાઓને પરાધીન બનાવવા જાય છે તે સ્વયં પરાધીન બની જાય છે. જેના મનની સામ્યાવસ્થા ભૌતિક પદાર્થોને આધીન નથી પરંતુ સ્વ-આધીન છે એવું અપરિગ્રહી મન સ્વાધીન રહી શકે, જયારે તે ભૌતિક વસ્તુઓ અગર વ્યક્તિઓ તથા પ્રાણી અગર પદાર્થો સાથે રાગાત્મક સંબંધો સ્થાપિત ના કરે તો.
તમે પત્ની અગર નોકર ઉપર માલકીયત હક્ક ભોગવવા તેમને ગુલામ બનાવવાનું આયોજન કરો એટલે તે તમારા માલિક બનીને તમને ગુલામ બનાવી દે. બધાય સંબંધો પારસ્પરિક - Mutual હોય છે. If you can control yourself, then—and only then—can you control others.
જીતં જગત કેન મનો હિ યેન (શંકરાચાર્ય)
પોલીસ કેદીને પકડી રાખે છે તેથી વધારે કેદી પોલીસને પકડી રાખે છે. બંનેનો સંબંધ પારસ્પરિક છે. એક જ કિનારા ઉપર પાયો રાખવાથી પુલ બંધાય નહીં. જીવિત વ્યક્તિની પોતાની આંતરિક સ્વતંત્રતા છે. તેથી તેમની ઉપર માલકીયત કરવી તે ખતરાનો સોદો છે. કારણ કે વ્યક્તિ unpredictable છે. અકળ - ગૂઢ છે. કાલે તે શું કરી બેસે તે કહેવાય નહીં.
અપરિગ્રહી ચિત્ત (આસક્ત નહીં, વિક્ષિપ્ત નહીં, પાગલ નહીં) એકાંતમાં જીવતું ચિત્ત, મન તે જ પરમાત્માના સતત સ્મરણમાં ઉતરી શકે છે. એક ક્ષણ માટે પણ જો મન પૂર્ણ સ્મરણમાં ઉતરી જાય તો સતત સ્મરણ બની જતા વાર ના લાગે. એક ક્ષણ માટે પણ જો દ્વાર ખુલી જાય અને જોઈ લે કે 'તે' છે તો પછી સતત સ્મરણમાં કોઈ તકલીફ નથી. Only one moment, એવી એક જ ક્ષણ ક્યારે પણ મળી જાય કે જયારે તેનો દરસ પરસ થઇ જાય, એક જ વખત માત્ર તેની છબી આંખની સામે આવી જાય, માત્ર એક જ વખત તેના આલિંગનનો સ્વાદ ચાખી જવાય તો સતત સ્મરણ સહજ થઇ જાય. પરંતુ તેને માટે અંતર્મુખ (introvert) થવું પડે. મનને મરવું પડે. 'નિયત: માનસ:' થવું પડે. પરંતુ મન પોતે મરતા પહેલા તમને ખુબ ગભરાવે કે 'મરી જશો, મરી જશો, પાછા વળો, પાછા વળો' તે વખતે જો તમે મક્કમ રહો અને ગભરાઓ નહીં તો મન મરી જાય અને તમે જરૂર બચી જાઓ. અને તે વખતે તમે પરમ શાંતિ, પરમ નિર્વાણને ઉપલબ્ધ થાઓ.
શાન્તિમ નિર્વાણપરમામ્ | એટલે પરમાનંદ પરાકાષ્ઠાવાળી શાંતિ, બ્રહ્મનિર્વાણ, શાંતિ અને પ્રસન્નતા જેમાં પરિપૂર્ણ મળી શકે તેવી ચિત્તની નિસ્પંદ, અવિચલિત, નિરંતર જ્યોતિપૂર્ણ અને છતાં નિષ્કમ્પ સ્થિતિ. માત્ર નિર્વાણ શબ્દ નહીં વાપરતા 'નિર્વાણ પરમામ્' શબ્દ ગુઢાર્થ સૂચિત કરે છે. નિર્વાણ એટલે બુઝાઈ જવું. દીવો બુઝાઈ ગયો (નિર્વાણ - રાણો થઇ ગયો) એટલે દીવો, દીવાનો પ્રકાશ નષ્ટ થઇ ગયો. 'નિર્વાણ પરમામ્' સ્થિતિને પામેલો સાધક આ જીવન સમાપ્ત કરે ત્યારે આવી 'નિર્વાણ'ની શૂન્ય, નકારાત્મક, અસ્તિત્વહીન સ્થિતિને નથી પામતો પણ તે પોતાના અલગ વ્યક્તિત્વનું વિલોપન સર્વવ્યાપી બ્રહ્મતત્ત્વમાં કરી દે છે અને તેથી તે પરમતત્ત્વ રૂપમાં (મત્ સંસ્થામ્) મારામાં એટલે કે પરમાત્મામાં સ્થિતરૂપ રહે છે. છતાં સ્વતંત્ર રૂપે ન રહેતો હોવાથી નિર્વાણને પામે છે. આ સ્થિતિ શુન્યસૂચક 'નિર્વાણ'ની નથી પરંતુ હકારાત્મક, વિધેયક, postitive અસ્તિત્વ બોધક 'બ્રહ્મનિર્વાણ'ની છે.
તમે અશાંત શા કારણે છો તે કારણ તમે શોધી કાઢો તો તમે શાંત થઇ જશો. અશાંતિનું કારણ તમારી અંદર છે. તમારી વાસનાઓ અને કામનાઓની ડાળીઓ ઝાલીને તમે લટકો છો અને તેથી તમે આમતેમ ઊંચા - નીચા ફંગોળાઓ છો - આ ડાળીઓ તમે છોડી દો તો તમે તમારી અસલ જગ્યાએ 'બ્રહ્મનિર્વાણ'માં પહોંચી જશો.