Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૬

આત્મસંયમ યોગ

યદા હિ નેન્દ્રિયાર્થેષુ ન કર્મસ્વનુષજ્જતે ।
સર્વસંકલ્પસંન્યાસી યોગારૂઢસ્તદોચ્યતે ॥૪॥

યદા હિ ન ઈન્દ્રિયાર્થેષુ ન કર્મસુ અનુષજ્જતે

સર્વસંકલ્પસંન્યાસી યોગારૂઢ: તદા ઉચ્યતે

તદા - ત્યારે

સર્વસંકલ્પસંન્યાસી - સર્વસંકલ્પ તજનારો

યોગારૂઢ: - યોગારૂઢ

ઉચ્યતે - કહેવાય છે.

હિ - કેમ કે

યદા - (પુરુષ) જયારે

ન ઈન્દ્રિયાર્થેષુ - ઇન્દ્રિયોના વિષયોમાં (તથા)

કર્મસુ - કર્મોમાં

ન અનુષજ્જતે - આસક્ત થતો નથી

જયારે (મનુષ્ય) ઇન્દ્રિયોના વિષયોમાં અને કર્મોમાં આસક્ત થતો નથી તથા સર્વ સંકલ્પોનો ત્યાગ કરે છે, ત્યારે 'યોગારૂઢ' કહેવાય છે. (૪)

ભાવાર્થ

મનુષ્ય યોગારૂઢ થાય એટલે તે સિદ્ધપુરુષ થાય છે. પૂર્ણપુરુષ થવાની આ આરંભની અવસ્થા છે. આવી અવસ્થામાં તેનું સાધન 'શમ' હોય છે. શમ એટલે ઇન્દ્રિયો અને મનનો નિગ્રહ. યોગારૂઢ થયા પછી અને સિદ્ધ પુરુષ થયા પછી પણ 'શમ'ની આવશ્યકતા તો છે જ. કારણ કે યોગસાધનાથી મનના દોષો સુષુપ્ત (dormant) અગર ક્ષીણ થાય છે. પરંતુ તે જડમૂળમાંથી નષ્ટ થતા નથી. એટલા માટે કેટલાક સમાધિ - સિદ્ધ યોગીઓ પણ ફરીથી વિષયોમાં ફસાય છે. સમાધીસિદ્ધ થયા છતાં પણ પતનનો ભય ઓછો થતો નથી. એટલા માટે સિદ્ધ પુરુષોને પણ શમનો અભ્યાસ રાખવો જરૂરી છે.

બલવાન ઈન્દ્રિયગ્રામો વિદ્વાંસમ અપિ (સિદ્ધ પુરુષોને પણ) કર્ષતિ |

(શ્રીમદ્ ભાગવત - ૯/૧૯/૧૭)

શમનો આશય ઇન્દ્રિયો અને મનને શાંત રાખવાનો અને ઉછળવા નહીં દેવાનો છે.

શમનો અભ્યાસ જયારે સ્વાભાવિક સ્વભાવ બની જાય ત્યારે.

૧. ઈંદ્રિયાર્થેષુ ન અનુષજજતે | - તે ઇન્દ્રિયોના વિષયોમાં ફસાતો નથી.

૨. કર્મસુ ન અનુષજજતે | - તે કર્મફળમાં આસક્ત થતો નથી.

ત્યારે આવો સંન્યાસી યોગી કહેવાય, કારણ કે સંન્યાસ અને યોગ બંને એક જ છે.

ઇન્દ્રિયોના વિષયોમાંથી આસક્તિ છૂટી જાય પછી ઇન્દ્રિયો શારીરિક કર્મ કરતી હોવા છતાં તે કર્મોના ફળની આસક્તિ ઓટોમેટિક છૂટી જાય, પછી તો શરીરને ભૂખ લાગે તો જ ખાય અને ભૂખ મટે એટલું જ - શરીરયાત્રા ચલાવવા પૂરતું જ ખાય. ત્યારે તેના મનના સઁકલ્પ મટી જાય અને સાથે સાથે વિકલ્પ પણ મટી જાય, અને Choicelessness સામ્યાવસ્થા, નિર્દ્વંદ્વ સ્થિતિ પ્રાપ્ત થાય.