બધાયમાં પરમાત્માના દર્શન ભગવદ્દ્રષ્ટિ કેળવાય તેને 'ભજતિ એકત્વમ્ આસ્થિતમ્' કહેવાય.
ન જાને કેહિ રૂપમેં નારાયણ મિલ જાય.
મંદિરમાં આપણે એટલા માટે જઈએ છીએ કે ઘરમાં આપણને પરમાત્મા દેખાતો નથી. પરંતુ આ સાધના સંકુચિત છે. ઘરમાં જેને પરમાત્મા નહીં દેખાય તેને મંદિરમાં પણ પરમાત્મા નહીં દેખાય. એક હિસાબે તો નાસ્તિક પણ, કહેવાતા આસ્તિક સાધુઓ કરતા વધારે સમજદાર હોય છે. સવારના નવ વાગ્યા સુધી શંકરની પિંડી ઉપર પગ ટેકવીને ઊંઘનાર એકનાથ મહા નાસ્તિક દેખાય. એકનાથ બ્રહ્મમુહૂર્તમાં ઉઠતા નહીં પરંતુ તે ઉઠે તે જ બ્રહ્મમુહૂર્ત. એકનાથની આવી બ્રહ્માકાર વૃત્તિમાં વિધિ - નિષેધ નહીં, ઘી ચોપડ્યા વગરની રોટલી લઈ નાસી જતા કૂતરાની પાછળ એક માઈલ સુધી ઘી ચોપડવા દોડયા. કૂતરામાં જે રામ દેખી શકે તે શંકરની પિંડી ઉપર પગ મુકવાનું સાહસ કરી શકે, બીજા નહીં. જેને પાણી પાનારી છોકરીમાં રણછોડરાય દેખાય નહીં તેને ડાકોરના પથ્થરમાં કાંઈ ના દેખાય.
કોઈ માણસને તમે સજ્જન માનીને તમે તેની સાથે સજ્જનતાનો વર્તાવ કરશો તો તે માણસ બૂરો હશે તો પણ તે તમારી સાથે બુરાઈ કરતા સાત વખત વિચાર કરશે. પરંતુ જો તમે તેને બૂરો કહીને ધુત્કારશો તો તેનામાં થોડી સજ્જનતા હશે તો પણ તે સજ્જનતાથી તમારી સાથે જરાપણ નહીં વર્તે.
ગાળ દેનારમાં પણ પરમાત્મા બેઠેલો છે તે વાત નિશ્ચયપૂર્વક જાણી લો અને તેમાં થોડા ઊંડા ઉતરીને જુઓ તો તેનામાં પણ પરમાત્મા જરૂર જડશે, જો કે થોડી વાર લાગશે અને જરા મહેનત પડશે એટલું જ. પૃથ્વીના પેટાળમાં પાણી છે તે વાત ચોક્કસ છે. કોઈ કઠણ ભૂમિમાં પથરા - કાંકરા - માટી વધારે નીકળે તો જરા વધારે ધીરજ અને શ્રમથી ખોદવું પડે પરંતુ છેવટે તેમાંથી પાણી નીકળે જ તે વાત ચોક્કસ. ગુલાબ લેવા જતા કદાચ કાંટા વાગે તો પણ ધીરજ રાખો તો કાંટાની વચમાંથી પણ ગુલાબ જરૂર મળે, કાંટા ગુલાબના રક્ષણ માટે ઉપયોગી છે, નકામા નથી. દુષ્ટના હૃદયમાં પણ પરમાત્મા બેઠેલો છે તેવા નિશ્ચય સાથે જુઓ તો તમે 'સર્વભૂતસ્થં મામ એકત્વમ ભજતિ' દરેકમાં પરમાત્માને જોવા એ જ મારુ સાચું ભજન છે. આવી રીતે જે પરમાત્માને માટે વિચારે, સમજે અને જીવે તેને માટે આખી પૃથ્વી મંદિર બની જાય. તેને માટે બધી પ્રતિમાઓ પરમાત્મા બની જાય.