શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૬

આત્મસંયમ યોગ

યુક્તાહારવિહારસ્ય યુક્તચેષ્ટસ્ય કર્મસુ ।
યુક્તસ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખહા ॥૧૭॥

યુક્તાહારવિહારસ્ય યુક્તચેષ્ટસ્ય કર્મસુ

યુક્તસ્વપ્નાવબોધસ્ય યોગ: ભવતિ દુઃખહા

યુક્તાહારવિહારસ્ય - યોગ્ય આહાર વિહારવાળાને (તથા)

કર્મસુ - કર્મોમાં

યુક્તચેષ્ટસ્ય - યોગ્યચેષ્ટાવાળાને (અને)

યુક્તસ્વપ્નાવબોધસ્ય - યોગ્ય પ્રમાણમાં ઊંઘનાર તથા જાગનારને (જ)

દુઃખહા - દુઃખોને નાશ કરનારો

યોગ: - (એ) યોગ

ભવતિ - (સિદ્ધ) થાય છે.

હે અર્જુન ! બહુ ખાનારને, કેવળ નહીં ખાનારને, બહુ ઊંઘવાના સ્વભાવવાળાને તેમ જ કેવળ જાગનારને યોગ(સિદ્ધ) થતો નથી. (૧૬)

(પણ) યોગ્ય આહારવિહારવાળાને, કર્મોમાં યોગ્ય ચેષ્ટાવાળાને તથા યોગ્ય ઊંઘનાર - જાગનારને યોગ દુ:ખનાશક હોય છે. (૧૭)

ભાવાર્થ

બે પ્રકારના માણસો છે, બંને મૂર્ખ છે.

૧. એક પ્રકારના માને છે કે ધર્મ અને સાધનાને માર્ગે ચાલવું હોય તો સંસારના બધા સુખો ત્યજી દઈને પુષ્કળ પ્રમાણમાં શારીરિક કષ્ટો સહન કરવા અને સામે ચાલીને એવા કષ્ટો વહોરવા અને જે સાધક જેટલા પ્રમાણમાં વધુ શારીરિક કષ્ટો ભોગવે તેટલા પ્રમાણમાં તે વધારે ઊંચો સાધક ગણાય. તેથી તેઓ જુદી જુદી જાતના નિષ્ઠુર, કઠોર, ઘોરતમ, ભયંકર, બીભત્સ, નિસર્ગ - વિરુદ્ધ તપ આચરે છે. લાંબા ઉપવાસ, કૃચ્છ ચાંદ્રાયણ જેવા આકરા વ્રત, નિર્જળા ઉપવાસ, લાંબા જાગરણ, સખત ઠંડીમાં ગળાડૂબ પાણીમાં ઉભા રહેવું, ઉનાળામાં તપેલા શિલાખંડ ઉપર ઉઘાડા પગે અગર એક પગે ઉભા રહેવું. પંચાગ્નિ સાધન, કાંટાવાળી ચાખડીઓ પહેરવી, કાંટાની પથારીમાં સૂવું, વર્ષો સુધી એક પગ અગર હાથ ઊંચા રાખીને ઉભા રહેવું, પુરૂષલિંગમાં છેદ પાડી તેમાં ધાતુની કડી નાખવી, પોતાની વિષ્ટા, વમન પોતે ખાવું, પોતાના શરીરને કોરડા અગર ચીપિયાથી ફટાકરવું વગેરે ઘોર-બીભત્સ તપ કરે છે તેની પાછળ તેમની માન્યતા એવી છે કે મોક્ષ મેળવવામાં શરીર જ બાધારૂપ છે. માટે તેને કાબૂમાં લેવા તેની સામે દુશ્મન જેવો વ્યવહાર કરવો અને શરીરને સૂકવી નાખવું. આને તામસ તપ કહેવાય છે.

અશાસ્ત્રવિહિતં ઘોરં તપ્યન્તે યે તપો જનાઃ ।

દમ્ભાહઙ્કારસંયુક્તાઃ કામરાગબલાન્વિતાઃ ॥

(ગીતા - ૧૭/૫)

કર્ષયન્તઃ શરીરસ્થં ભૂતગ્રામમચેતસઃ ।

માં ચૈવાન્તઃશરીરસ્થં તાન્વિદ્ધ્યાસુરનિશ્ચયાન્ ॥

(ગીતા - ૧૭/૬)

પરસ્ય ઉત્સાદનાર્થં વા તત્ત તામસમુદાહૃતમ્ ॥

(ગીતા - ૧૭/૧૯)

(૨) બીજા પ્રકારના લોકો એમ માને છે કે ખાનપાન અને ઇન્દ્રિયોના વિલાસ દ્વારા દેહનું ખૂબ લાલનપાલન કરવામાં જ જીવનની સાર્થકતા છે. તેઓ ચાર્વાકવાદીઓ છે. તે એમ માને છે કે -

યાવત જીવેત સુખં જીવેત ઋણમ કૃત્વા ધૃતં પિબેત |

ભસ્મિભૂતસ્ય દેહસ્ય પુનરાગમનં કુત: ||

આજનો લ્હાવો લીજીયે રે કાલ કોણે દીઠી છે?

એક વર્ગ દેહ તરફ અત્યંત તિરસ્કારની દ્રષ્ટિથી જુએ છે, જયારે બીજો વર્ગ દેહને જ સર્વસ્વ સમજે છે. આ બંને અંતિમવાદી પદ્ધતિઓ ખામીવાળી અને હાનિકારક છે. ગીતા આત્માની ચિરંતનતા સ્વીકારીને વખતોવખત આત્માના અર્થમાં 'દેહી' શબ્દ વાપરીને સૂચવે છે કે આત્મા દેહ નથી, દેહથી અત્યંત વિચક્ષણ, દેહના ગુણધર્મથી રહિત છે, પરંતુ તે 'દેહી' બને છે અને જયારે જ્યાં સુધી આત્મા 'દેહી' છે ત્યાં સુધી આત્માને દેહ સાથે ગાઢ સંબંધ છે. તેથી દેહની પૂર્ણ ઉપેક્ષા નહીં કરતા તેને સ્વસ્થ રાખવા જેટલી કાળજી તો જરૂર રાખવી અને છતાં તેને બહુ લાડ લડાવવા નહીં. જીવન વિશેની દેહવાદી અને દેહવિરોધી બંને સમજણો અધૂરી છે.

શરીરમાદ્યમ ખલુ ધર્મસાધનમ્ |

શરીર ધર્મસાધન છે, ભોગસાધન નથી. ત્રીસ-ચાલીસ દિવસના ઉપવાસ કરનારનું બહુમાન થતું હોય, તેના દર્શન કરવા લોકો દોડાદોડી કરતા હોય અને તેમનો વરઘોડો કાઢતા હોય તો તે મૂર્ખામીનું પ્રદર્શન છે.

આયુર્વેદમાં સ્વસ્થની વ્યાખ્યા નીચે પ્રમાણે આપેલી છે.

સમદોષ: સમાગ્નિશ્ચ સમધાતુ મલક્રિય: |

પ્રસન્નાત્મા ઇન્દ્રિયમન: સ્વસ્થ: ઇતિ અભિધીયતે ||

જેના ત્રણ દોષો (કફ, વાત, પિત્ત), જઠરાગ્નિ, સાત ધાતુઓ, શરીરના મળો, અને શરીરની બધી ક્રિયાઓ સમપ્રમાણમાં હોય અને જેનો આત્મા, ઇન્દ્રિયો, મન, પ્રસન્ન રહેતા હોય તેને 'સ્વસ્થ' કહેવાય. ઉપરોક્ત શરીરની મનની ક્રિયાઓ જયારે થવી કે હોવી જોઈએ તેમ ના થાય, ખોટી રીતે થાય, વત્તા - ઓછા પ્રમાણમાં થાય, થવી જોઈએ ત્યારે ના થાય, ના થવી જોઈએ ત્યારે થાય,એ બધી રોગિષ્ઠ અવસ્થા છે. આ બધી અયોગ, હીનયોગ, અતિયોગ, મિથ્યાયોગ સ્થિતિમાંથી પર સમ્યકયોગ, યુક્ત યોગ 'ભવતિ દુઃખહા' દુઃખને નિવારે છે.

રોગસ્તુ દોષ વૈષમ્યમ દોષ સામ્યમ અરોગતા |

સમ, યુક્ત, Moderate, temperate, Optimum, Normal એવો યોગ: ભવતિ દુઃખહા

ભોગ અને ત્યાગ બંને સમ અને યુક્ત (પ્રમાણસર) હોવા જોઈએ.

તેન ત્યક્તેન ભુંજીથા:

ત્યાગીને ભોગવી જાણો (ઈશાવાસ્યોપનિષદ)

એક પણ લાડુ નહીં ખાનાર અને સામટા દસ લાડુ ખાનાર બંને અંતિમવાદીઓ દુઃખી થાય. એક ભૂખથી મરે અને બીજો અજીર્ણથી મારે. તેના કરતા બે લાડુનો ભોગ કરે અને આઠ લાડુનો ત્યાગ કરે તો તેના જીવનમાં ભોગ અને ત્યાગ બંનેનું મહત્વ જળવાય અને સુખી થાય. શૂન્યલાડુવાદી અને પેટફાડલાડુવાદી કરતા યુક્તાહારવાદીએ આઠ લાડુનો ત્યાગ કરવા છતાં તેણે કશુંય ગુમાવ્યું નથી અને બે લાડુનો ભોગ કરવા છતાં તે ભોગી ગણાતો નથી, તેથી તેનું પતન થતું નથી.

'મુક્તભોગ' અને 'ભોગમુક્ત'ની બે અંતિમવાદી જીવનપદ્ધતિ વચ્ચે સમન્વય કરતી 'યુક્તભોગ'ની મધ્યમવાદી જીવનપદ્ધતિ ગીતાને માન્ય છે. 'દેહદુશ્મનવાદી' અને 'દેહસર્વસ્વવાદી' બંને અંતિમવાદીઓ ભૂલા પડે છે અને દુઃખી થાય છે. જીવનનો પાયો દેહ છે અને તેથી ધર્મનો પાયો પણ દેહ બનશે. જીવનનો પરમ પુરુષાર્થ મોક્ષ માનીએ તો પણ દેહ દ્વારા જ, દેહને સાધન બનાવીને જ મોક્ષની સાધના થઇ શકે. આત્મતત્ત્વનું ચિંતન પણ દેહના માધ્યમથી થાય, એટલા માટે ભાગવતના એકાદશ સ્કંધમાં ગુરુ દત્તાત્રયે દેહને પોતાનો પચ્ચીસમો ગુરુ ગણાવ્યો છે.

દેહો ગુરૂર્મમ વિરક્તિવિવેકહેતુઃ બિભ્રત્સ્મ સત્ત્વનિધનં સતતાર્ત્યુદર્કમ્ ।

તત્ત્વાન્યનેન વિમૃશામિ યથા તથાપિ પારક્યમિત્યવસિતો વિચરામ્યસંગઃ ॥

(શ્રીમદ્ ભાગવત - ૧૧/૯/૨૫)

શરીરને યજ્ઞની વેદી સમાન ગણવાનું છે. જીવનયજ્ઞમાં વેદીનો તિરસ્કાર ના કરાય. દેહના અભાવમાં આત્માની ક્રિયાશીલતા શૂન્ય છે. ગીતાએ દેહની અને દેહ દ્વારા ભોગવાતાં ભોગોની મર્યાદા બતાવી છે, પરંતુ ક્યાંય દેહની નિંદા કરી નથી. આત્મા સિવાયનું જે બધું તે ક્ષેત્ર. એટલે ક્ષેત્રનો અર્થ અન-આત્મા અગર તો આત્મેતર (આત્મ ઈતર - આત્મા સિવાયનું) તત્ત્વ. ક્ષેત્રજ્ઞ એટલે માત્ર ક્ષેત્રને જાણનારો નહીં પરંતુ તેને જાણીને તેનો સમ્યક રીતે ઉપયોગ કરનારો. તેથી ક્ષેત્રજ્ઞનો એક અર્થ જેમ પરમાત્મા થાય છે તેમ તેનો બીજો અર્થ 'દેહી' એટલે કે દેહમાં રહેનારો આત્મા (conditioned soul) પણ લઇ શકાય. ક્ષેત્ર વગરનો ક્ષેત્રજ્ઞ હવા ખાતો બેસી રહે, આત્મચિંતન, આત્મસાક્ષાત્કાર ના કરી શકે અને ક્ષેત્રજ્ઞ વગર ક્ષેત્ર પણ ઉજ્જડ પડ્યું રહે (મડદાની જેમ). ક્ષેત્રને લહેરાતું કરવા ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ (શરીર અને જીવાત્મા) બંનેની જરૂર પડે. પરમાત્માની સ્તુતિ એટલે કેવળ ક્ષેત્રજ્ઞનાં ગાન નહીં પરંતુ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બંનેનું જ્ઞાન સહિતનું ગાન.

ક્ષેત્રક્ષેત્રજ્ઞયોર્જ્ઞાનં યત્તજ્જ્ઞાનં મતં મમ ॥ (ગીતા - ૧૩/૩)

આત્મા દેહમાં રહે છે. દેહ તેનું ઢાંકણ છે, દીવાલ છે, સીમા છે પરંતુ દેહ તેની જેલ નથી. દેહ બંધન છે, મર્યાદા છે છતાં આ બંધન તેની સજા નથી. પરમાત્મા કે આત્મા ઊર્ણનાભ (કરોળિયા) ની જેમ પોતાનામાંથી જ વિશ્વનું કે દેહનું જાળું રચે છે અને તેમાં જ રહીને રાચે છે. વાસ્તવમાં તો રાચવું છે માટે રચે છે.

એક સાધારણ શરીરમાં પણ સાત કરોડ જીવંત કીટાણુઓ છે. ટોકિયો, કલકત્તા જેવા મોટામાં મોટા વિશ્વના શહેરોમાં પણ એક કરોડની લગભગ વસ્તી છે. દેહપુરીમાં (શરીરમાં) જેટલી વસ્તી છે તેટલી વસ્તી દુનિયાના કોઈ પણ શહેરમાં ત્રણે કાળમાં કદાપિ નથી. આ દેહપુરીમાં રહેનાર ચેતના (આત્મા)ને પુરુષ કહેવાય છે. આ દેહપુરીમાં એકલા મસ્તિષ્કમાં લગભગ ત્રણ અબજ સ્નાયુ તંતુ છે.

ભોજન, ઉપવાસ, નિદ્રા, જાગરણ કશાયમાં અતિરેક થાય તો વ્યક્તિત્વને અસંતુલિત (unbalanced) કરી નાખે. પ્રત્યેક વસ્તુનો એક અનુપાત હોય છે. વ્યક્તિત્વ સાનુપાતિક હોવું જોઈએ. અનુપાતહીન વ્યક્તિત્વ દેહમાં અરાજકતા ફેલાવે છે. પ્રત્યેક વ્યક્તિનો અનુપાત ભિન્ન ભિન્ન હોય છે. માના પેટમાં બાળક નવ મહિના રહે છે તે દરમિયાન ચોવીસે કલાક તે ઊંઘે છે. તેને માટે જાગવું ખતરનાક છે. પ્રકૃતિ તેની ચેતનાને બેહોશ રાખે છે. પ્રકૃતિ જ તેની ઉપર બેહોશી (એનેસ્થેસિયા)નો પ્રયોગ કરે છે. જન્મ્યા પછી ૨૩-૨૨-૨૧-૨૦-૧૮ કલાક એમ જેમ જેમ ઉમર વધતી જાય તેમ તેમ ઊંઘ ઘટતી જાય છે. ઘડપણમાં ઊંઘ હરામ થતી જાય છે. માના ઉદરમાં બાળકના શરીરનું નવસર્જન થઇ રહ્યું છે જયારે બુઢાપામાં શરીરના વિસર્જનની પ્રક્રિયા ચાલુ થઇ ગઈ હોય છે.

ઊંઘ નિર્માણકારી તત્ત્વ છે. જુવાની પછી જયારે નવનિર્માણની ક્રિયા ઓછી થઇ જાય તેમ તેમ વૃદ્ધાવસ્થા આવ્યા પછી નવનિર્માણની ક્રિયા અટકી જતા વિસર્જનની ક્રિયા શરુ થતા ઊંઘ ઓછી થતી જાય છે અને વૃદ્ધ માણસ ઊંઘતો નથી હોતો પરંતુ વિશ્રામ કરતો હોય છે.

જેનો આહાર સંતુલિત હોય છે તેની ઊંઘ પણ સંતુલિત થાય અને તેને સ્વપ્ન બહુ ઓછા આવે અને સુષુપ્તિ અવસ્થા વધારે ટકે. સુષુપ્તિ (ગાઢ નિદ્રા - slumber) એક પ્રકારની સમાધિ જ છે. માત્ર ફરક એટલો જ કે સુષુપ્તિ એટલે મૂર્છિત સમાધિ અને સમાધિ એટલે જાગ્રત સુષુપ્તિ. સંતુલિત આહાર અને નિદ્રાથી સમાધિયોગ જલદી અને આસાનીથી સિદ્ધ થઇ શકે.

યૂક્તચેષ્ટસ્ય કર્મસુ | કર્મોમાં યથાયોગ્ય ચેષ્ટા કરનાર.

કર્મમાં વૃથાવાદ, વૃથાગતિ, વૃથાસ્મૃતિ કરનારને યોગ 'દુઃખહા' દુઃખ દૂર કરનાર નહીં નીવડે. ક્યાં કર્મ માટે કેટલો શ્રમ કરવો, કેટલી શક્તિ વાપરવી તેનું સપ્રમાણ આયોજન ના હોય તો તે અસમ્યક અયુક્ત કર્મ બને.