ચંચળ તથા અસ્થિર મન જે જે (કારણ)થી બહાર નીકળી જાય, તે તે (કારણ)થી તેને રોકી આત્મામાં જ વશ કરવું. (૨૬)
ભાવાર્થ
ચંચળ અને અસ્થિર માંકડું આમથી તેમ દોડતું હોય તેને મદારી જેમ સાંકળ ખેંચીને ઠેકાણે લાવે તેવી રીતે મનને વારંવાર અભ્યાસ (પ્રેક્ટિસ)થી ઠેકાણે લાવવું પડે. તે ઉપરાંત સમસ્ત વાસનાઓ ક્ષીણ કરવા માટે તીવ્ર વૈરાગ્ય જોઈએ અને વૈરાગ્યને ટકાવી રાખવા પણ અભ્યાસ (પ્રેક્ટિસ) વારંવાર કરવો પડે.
મનનું સ્વરૂપ સમજી લો.
મન ચંચળ જ છે અને ચંચળ જ રહેવાનું. ચંચળતા તે મનની ઉપયોગીતા છે અને ખતરો પણ છે.
મન એક યંત્ર છે જે મનુષ્યના વ્યક્તિવમાં ચારે બાજુ જે પરિવર્તન થઇ રહ્યું છે તેની ખબર આપે છે. બહારના વાતાવરણમાં ગરમી મટીને ઠંડી શરુ થઇ તેની ખબર મન આપે છે. મન અગર ખબર ના આપે તો જીવન અસંભવ છે. ભૂખ લાગી છે તેની ખબર જો મન ના આપે તો જીવન અસંભવ છે. અસ્તિત્વમાં જે કાંઈ ફેરફાર - બદલાહટ થાય છે તેની ખબર મન આપે છે. અને અસ્તિત્વ તો પ્રત્યેક ક્ષણે પ્રતિપળ બદલાતું જ રહે છે. એક ક્ષણ પણ અસ્તિત્વ તેનું તે નથી રહેતું, જે એક ક્ષણ પહેલા હતું. હરઘડી, હરપળ, ચારે તરફ પરિવર્તનનો પ્રવાહ છે. આ પરિવર્તનની આપણને ખબર ના પડે તો આપણે જીવી ના શકીએ. હવાનું રૂપ બતાડનારો પંખો જેમ પ્રતિપળ હવાના કંપન સાથે સતત કંપતો રહે છે. તેવી જ રીતે અસ્તિત્વમાં પ્રતિપળ પરિવર્તન બતાવવું તે મનની ઉપયોગીતા - Utility છે.
પરંતુ ત્યાં જ તેનો ખતરો પણ શરુ થાય છે. કારણ કે એ જ ચંચળ અને અસ્થિર મનથી આપણે પરમાત્માને જાણવા માંગીએ છીએ જે શાશ્વત છે, સનાતન છે, સ્થિર છે અને એ જ મનથી આપણે સંસારને જાણીએ છીએ. જે અશાશ્વત છે, અનિત્ય છે અને અસ્થિર છે. પરમાત્મા જે સત્ય છે, નિત્ય છે, સનાતન છે, અપરિવર્તનશીલ છે, શાશ્વત છે, સ્થિર છે, eternal છે તેના તરફ પ્રયાણ કરવું હોય તો તેનાથી તદ્દન વિરોધાભાસી સ્વભાવવાળા સંસારથી મનને વાળીને તેને સ્થિર કરવું જ પડે, મનની ચંચળતાને છોડવી જ પડે. એનો અર્થ એવો નથી કે મન તદ્દન જડ બની જાય. એનો અર્થ એ કે મનને જરૂરિયાત મુજબ સ્વીચની માફક ચાલુ - બંધ, ચાલુ - બંધ, ON - OFF કરવાની કળા માણસે જાણી લેવી પડે. એટલે કે મનના ગુલામ મટીને મનના માલિક બનવું પડે. મનને ON કરીને તમે સંસારમાં જીવી શકો અને તેને OFF કરીને તમે પરમાત્માનું સાન્નિધ્ય માની શકો.
અસ્તિત્વ Double edged - બેધારી છે. બહારની બાજુ તે સંસાર છે અને અંદરની બાજુ તે પરમાત્મા છે. સંસારથી બિલકુલ તૂટી જવાય એટલી હદ સુધી મનને જડ બનાવવું નહીં અને પરમાત્માથી તદ્દન વિખૂટા પડી જવાય એટલી હદ સુધી મનને ચલાયમાન રાખવું નહીં. ઈલેક્ટ્રીસીટીનું પંખાની સાથેનું કનેક્શન તદ્દન કાપી નાખવું નહીં પરંતુ જયારે ગરમી લાગે ત્યારે તેની સ્વીચ ON કરવી અને પછી જયારે ઠંડી લાગે ત્યારે તેની સ્વીચ OFF કરવી. સ્વીચ (મન) ઉપર તમારો કાબૂ હોવો જોઈએ. મનના માલિક થવાનો અર્થ મનને તદ્દન મારી નાખવું તેવો થતો નથી, મરેલાંનાં માલિક થવાનો કોઈ અર્થ નથી. જીવતાંનાં માલિક થઈને તેને સંપૂર્ણ વશમાં રાખવું તેનું નામ સમ્યક વ્યક્તિત્વ. તમારી મરજી પડે ત્યારે તમે ઘરની અંદર જઈ શકો અને મરજી પડે ત્યારે તમે ઘરની બહાર પણ જઈ શકો એટલા માટે દરવાજો ખાસ જરૂરી છે. પરંતુ તમે જો તે દરવાજો ચણી લો તો તો તમારે કાં તો ઘરની અંદર ભરાઈ પડો અગર તો ઘરની બહાર રખડી પડો. અસ્તિત્વ અંદર અને બહાર બંને ઠેકાણે છે. અસ્તિત્વ બહાર સંસારરૂપે છે અને અંદર પરમાત્મારુપે છે. દરવાજાની (મનની) ચાવી તમારા સંપૂર્ણ કબ્જામાં હોય તો જરૂરિયાત મુજબ સ્વેચ્છાએ તમે ચાહો ત્યારે ઘરની અંદર પણ જઈ શકો અને બહાર નીકળી શકો. મન જો તમારા કબજામાં રહે તો તે એક ઘણા જ ઉપયોગી સાધનરૂપ છે અને જો તે તમારા કબ્જામાં ના રહે તો તે એક મહાન ઉપદ્રવરૂપે છે.
કર્મેન્દ્રિયોની લગામ મનના હાથમાં છે. મન કહે તો જ પગ ચાલે, હાથ ચાલે. એવી જ રીતે મનની લગામ વ્યવસાયાત્મિકા સુદ્રઢ સંસ્કારી બુદ્ધિના હાથમાં હોવી જોઈએ, જેથી વિશુદ્ધ નિશ્ચયાત્મિકા બુદ્ધિ કહે તે જ પ્રમાણે મન હાલે, ડોલે. બુદ્ધિ જીવાત્માની પત્ની - સહધર્મચારિણી છે. તે તેના પતિના (જીવાત્માના) કહ્યામાં જ રહે એટલે જીવાત્મા પોતાના અસલ સ્વરૂપમાં (સત્ - ચિત્ત - આનંદમાં) રહે એટલે તે જીવાત્મા મટીને શુદ્ધ આત્મા બની રહે.
મન (કાર)ના એક્સલેટર અને બ્રેક ઉપર જરૂરિયાત મુજબ Force - દબાવ વાપરવાની આવડત બુદ્ધિમાં હોવી જોઈએ. વિશુદ્ધ નિશ્ચયાત્મિકા બુદ્ધિમાં જ આ આવડત હોઈ શકે. માત્ર એક્સેલરેટર જ દબાવ દબાવ કરે અને પછી રાડો પડે કે મન (car) સ્થિર રહેતું નથી અગર તો બ્રેક જ દબાવી રાખે અને પછી રડવા બેસે કે મન (car) ચાલતું નથી તો આમ મન (car)નો શો દોષ? મન તો સાધન છે, માલિક નથી, માલિક તો તમે છો. બુદ્ધિ તમારી પત્ની છે. તેને આ સાધન (car) વાપરવા માટે તમે આપ્યું છે. બુદ્ધિને તો વાપરતા ના આવડે તો એક્સીડંટ કરી બેસે અને તેનું નુકસાન તમારે ભોગવવું પડે. કેસ તમારી ઉપર થાય, કારણ લાયસન્સ તમારે નામે છે.
બુદ્ધિને બ્રેક લગાડતા ના આવડતું હોય અગર તો બ્રેક કદાપિ લગાડી જોઈ ના હોય અગર તો બ્રેક જામ થઇ ગઈ તો એક્સીડંટ થાય જ.
મન તો સ્વભાવથી જ ચંચળ છે અને તે તેમનું દૂષણ નથી, ભૂષણ છે. ગાડીની ઉપયોગ (Utility) તો ચલાવવા માટે છે. ગેરેજમાં નાખી રાખવા માટે નથી. ગાડીને ચલાવવાની અને ઉભી રાખવાની વ્યવસ્થા પણ ગાડીમાં જ છે. મન પણ ગાડીની માફક યંત્રવત છે. મનને ચલાવવાની અથવા સ્થિર કરવાની વ્યવસ્થા મનમાં જ છે. આ વ્યવસ્થા, બ્રેકસીસ્ટમ બુદ્ધિએ શીખી સમજી લેવી જોઈએ. એકી સાથે બ્રેક અને એક્સેલરેટર ઉપર બંને પગે એકસામટો દબાવ - force કરો તો ભારે ઉપદ્ર્રવ થાય. એટલા માટે એક જ પગથી બંને કામ લેવાની વ્યવસ્થા - ગોઠવણ ગાડીમાં - carમાં રાખી છે. જેથી કરીને બ્રેક ઉપર પગ લગાવો તેની સાથે જ એક્સેલેટર ઉપરથી પગ છૂટી જ જાય. એ જ પ્રમાણે જે ઢંગથી તમે મનનું એક્સેલરેટર દબાવો છો તે જ ઢંગથી મનની બ્રેક લગાવો. જેટલું તાદાત્મ્ય સંસારમાં છે તેટલું જ અને તેવી જ રીતનું તાદાત્મ્ય પરમાત્મામાં જોડો. ગાડી (car) ચાલુ કરો પરંતુ જ્યાં સુધી તમે એક્સલરેટર ના દબાવો ત્યાં સુધી એન્જિન ઉભું ઉભું ભકભક કર્યા કરે અને પછી થોડી વારે એની મેળે જ શાંત થઇ જાય, ક્યાંય દોડે નહીં. મનની ગતિને તીવ્ર કરનારનો ટેક્નિકલ શબ્દ છે - રાગદ્વેષ. એક્સલરેટર જેટલા જોરથી દબાવો એટલી ગતિ તીવ્ર થાય.
સ્વેચ્છાપૂર્વક જે માણસ મનને રોકી શકે અગર તો તેને ગતિમાન કરી શકે તે માણસ સંસારમાં અને પરમાત્મામાં - બંનેમાં સમાનરૂપથી જીવી શકે. બોચીમાં - ગરદનમાં લકવો થઇ ગયો હોય તો તે એક જ બાજુ વળી શકે, બીજી બાજુ નહીં. તેવી રીતે જેનું મન લકવાગ્રસ્ત (paralyzed) થઇ ગયું હોય તે સંસાર બાજુ વળી શકે, પરમાત્મા બાજુ નહીં વળે. સ્થિતિ બદલાય તેમ મન બદલાતું રહે, સ્થિર (consistent) ના રહે, તો એક મનનો હિસ્સો કહે કે શાંતિ જોઈએ છે અને બીજો હિસ્સો અશાંતિ ઉભી કર્યા કરે તો બંને પગ એકીસાથે બ્રેક અને એક્સલરેટર ઉપર આવી જાય અને તેથી ભયંકર એક્સીડેન્ટ જ થાય.
ઉપરોક્ત બાબત સમજવા નીચેનું રૂપક (metaphor) ઉપયોગી થશે.
શરીર એટલે મોટરનું બૉડી - body
જ્ઞાનેન્દ્રિયો એટલે અંદરની મશીનરી
કર્મેન્દ્રિયો એટલે ગાડીના પૈડાં.
સત્વગુણ એટલે પેટ્રોલ
રજોગુણ એટલે એક્સલરેટર - Accelerator
તમોગુણ એટલે બ્રેક
મન, બુદ્ધિ, ચિત્ત એટલે સ્ટિયરિંગ
અહંકાર એટલે ડ્રાઈવર
જીવાત્મા એટલે મોટરનો માલિક - શેઠ.
સંસારથી છૂટવાની કળા જેને આવડે તેને જ પરમાત્મા સાથે જોડાવાની કળા આવડે. જેને ગાડી ઉભા રાખતા ના આવડતું હોય તેને ગાડી ચલાવવા ના અપાય. સંસારથી અયોગ કરતા આવડે તેનો જ પરમાત્મા સાથે યોગ થાય.