યોગમાં પ્રવેશ કરવા ઇચ્છતા સંયમી માટે (અનાસક્તિપૂર્વક) કર્મ કરવા એ સાધન છે અને યોગમાં પ્રવેશ કરી દીધા પછી તેને માટે શમ (એ તેને યોગરૂઢ સ્થિતિમાં સ્થિર કરનાર) સાધન છે. (૩)
ભાવાર્થ
સમત્વબુદ્ધિરૂપી યોગમાં આરૂઢ થવાની ઇચ્છાવાળો મુનિ (એટલે મનનશીલ પુરુષ) ને માટે નિષ્કામ કર્મ તે હેતુ, સાધન કારણ છે. સમત્વ બુદ્ધિ એટલે શું? આપણું મન સાધારણ રીતે બે અતિઓ (extremes) ની વચ્ચે ઘુમતું હોય છે - કા તો પ્રેમમાં પાગલ, કા તો ઘૃણામાં પાગલ. સંગ્રહ માટે પણ વિક્ષિપ્ત અને ત્યાગ માટે પણ વિક્ષિપ્ત. મિત્ર બનવું સહેલું, શત્રુ બનવું સહેલું પરંતુ મિત્રતા અને શત્રુતા બંનેની વચમાં સ્થિર થવું કઠણ છે. જીવનના બધા રૂપો દ્વંદ્વના રૂપો છે. જીવન બધે દ્વંદ્વ છે. જે યોગારુરુક્ષુ: છે, યોગની સાધના કરવા ઈચ્છે છે તેણે યોગ સાધનાના જે જે સાધનો છે તે (અષ્ટાંગયોગ) કરવા જ પડે. તેણે (અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ વગેરે) પાંચ યમ તથા (શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન વગેરે) પાંચ નિયમ તથા આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર આ પાંચ સાધનો માણસે પોતાની મેળે પોતાના પુરુષાર્થથી જ કરવા પડે. અને બાકીના ત્રણ સાધનો ધારણા, ધ્યાન અને સમાધિ તે ભગવદ્ અનુગ્રહ સહીત પોતાના પુરુષાર્થથી કરવા જોઈએ.
આ પ્રમાણે જયારે તેની ઉપરોક્ત યોગસાધના સમાપ્ત થાય અને યોગી આરુરુક્ષુમાંથી તે યોગરુઢની સ્થિતિને પ્રાપ્ત થાય ત્યારે તે સિદ્ધપુરુષે ઘણી જ સાવધાનતાની સાથે 'શમ'નું અવલંબન કરવું જોઈએ. શમ એટલે ઇન્દ્રિયોના વિષયોમાં ના ફસાવું, કર્મ અગર તો કર્મના ફળમાં લુબ્ધ ના થવું અને સર્વ સંકલ્પોનો ત્યાગ કરવો - આ આખી પ્રક્રિયા આ છઠ્ઠા અધ્યાયના શ્લોક ૨૪-૨૫-૨૬ માં પરમાત્માએ લંબાણમાં સમજાવેલી છે.
આરુરુક્ષુ: એટલે જે યોગસાધના કરવા ઈચ્છે છે, મનથી યોગનો અભ્યાસ કરવાની ઇચ્છાવાળો.
યોગારૂઢ: એટલે જેણે પોતાનો યોગાભ્યાસ સમાપ્ત કર્યો છે તે.