શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૬

આત્મસંયમ યોગ

પૂર્વાભ્યાસેન તેનૈવ હ્રિયતે હ્યવશોઽપિ સઃ ।
જિજ્ઞાસુરપિ યોગસ્ય શબ્દબ્રહ્માતિવર્તતે ॥૪૪॥

પૂર્વાભ્યાસેન તેન એવ હ્રિયતે અવશ: અપિ સઃ

જિજ્ઞાસુ: અપિ યોગસ્ય શબ્દબ્રહ્મ અતિવર્તતે

હ્રિયતે - (યોગ તરફ) ખેંચાય છે જ;

યોગસ્ય - સમબુદ્ધિરૂપ યોગનો

જિજ્ઞાસુ: - જિજ્ઞાસુ

શબ્દબ્રહ્મ - વેદમાં કહેલા સકામ કર્મોને

અપિ - પણ

અતિવર્તતે - ઓળંગી જાય છે.

હિ - કેમ કે

સ: - તે (યોગભ્રષ્ટ પુરુષ)

અવશ: - અસંયમી (હોવા છતાં)

અપિ - પણ

તેન - તે

પૂર્વાભ્યાસેન - પૂર્વના અભ્યાસ વડે

તે જ પૂર્વના અભ્યાસને લીધે તે અવશ્ય યોગ પ્રત્યે ખેંચાય છે. આ યોગનો જિજ્ઞાસુ પણ (સકામ વૈદિક કર્મો કરનારની સ્થિતિને) શબ્દબ્રહ્માને ઓળંગી જાય છે. (૪૪)

ભાવાર્થ

બે વધારે બાબતો ભગવાન આ શ્લોકમાં કહે છે -

૧. પાછલા જન્મોમાં જેણે થોડી પણ યાત્રા પરમાત્માની દિશામાં કરી હશે તો તે તેની સંપદા બની જશે - અને પછીના જન્મોમાં તે વિષય અને વાસનાથી લિપ્ત થયેલો હોવા છતાં તે પરમાત્માંની કૃપાને પાત્ર બની જાય છે. એક નાનામાં નાના છિદ્રમાંથી પ્રભુનો પ્રકાશ તેનામાં ઉતરે છે. ગાઢ અંધકારમાં નાનામાં નાના કિરણનો સહારો બહુ મોટો હોય છે.

સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત્ ॥

(ગીતા - ૨/૪૦)

ગમે તેટલો અંધકાર હોય તો પણ તે નાનામાં નાના કિરણને હટાવી શકે નહીં. જયારે નાનામાં નાનું કિરણ ગાઢમાં ગાઢ અંધકારને ચીરીને તેમાં પ્રવેશ કરી શકે છે. તે જ પ્રમાણે ગમે તેટલી વિષયવાસનાઓમાં ડૂબેલો માણસ (અજામિલ, વાલિયો લૂંટારો જેવા) પણ પાછલા જન્મોમાં તેણે કરેલી નાનામાં નાની યોગસાધનાના છિદ્ર દ્વારા તે પ્રભુકૃપાને પાત્ર બને છે અને તેના રૂપાંતરણની સંભાવના સદા બની રહે છે. બાહ્ય દ્રષ્ટિએ તે ગમે તેટલો લેપાયેલો હોવા છતાં તેના અંદરના અંતઃકરણમાં કોઈ એક ખૂણામાં પ્રભુનું મંદિર બનેલું હોય છે અને તે ઘણું મોટું આશ્વાસન છે.

(૨) અને બીજી વાત -

યોગનો જિજ્ઞાસુ (મુમુક્ષુ નહીં, સાધક પણ નહીં, સિદ્ધ પણ નહીં) માત્ર જિજ્ઞાસુ (seeker of knowledge), જેણે માત્ર યોગ પ્રત્યે કેવળ જિજ્ઞાસા જ કરી છે તે પણ વેદોમાં વર્ણવેલા સકામ કર્મોનું ઉલ્લંઘન કરી જાય છે, તેની પાર નીકળી જાય છે. નિષ્કામ ભાવથી માત્ર જિજ્ઞાસા કરનાર માણસ તે સકામ ભાવથી વેદવિહિત સાધન કરનાર કરતા પણ આગળ નીકળી જાય (surpasses) છે.