હે મધુસૂદન ! જે આ યોગ સમભાવરૂપે આપે કહ્યો એની સ્થિતિ (મનની) ચંચળતાને લીધે હું સ્થિર જોતો નથી. (૩૩)
કેમ કે હે કૃષ્ણ ! મન ચંચળ, વિહ્વળ કરનાર, બળવાન અને દ્રઢ છે; તેનો નિગ્રહ વાયુની પેઠે હું અતિ દુષ્કર માનું છું. (૩૪)
ભાવાર્થ
૩૩ માં શ્લોકમાં અર્જુન જે સવાલ પૂછે છે તે સવાલ એકલા અર્જુનનો નથી પરંતુ તે સમગ્ર માનવજાતિનો સવાલ છે.
મનની ચંચળતાનો આપણને અનુભવ છે. મનની સ્થિરતાનો આપણને અનુભવ નથી. અનુભવ નથી માટે તે અશક્ય છે તેમ ના કહેવાય. મારુ મૃત્યુ થયું નથી માટે મૃત્યુ અસંભવ છે તેમ ના કહેવાય.
અર્જુનના સંદેહમાં વાસ્તવિકતા છે પરંતુ તેમાં એક ગહન ભૂલ સમાયેલી છે.
અર્જુન મનને વાયુની સાથે સરખાવે છે. પરંતુ વાયુ પદાર્થ (matter) છે. મન પદાર્થ નથી. મન તો એક માત્ર વિચાર છે, વાસનાઓનું જાળું છે. શરીરની બાબત સ્પષ્ટ છે કે શરીરમાં પંચમહાભૂતો (Matter - પદાર્થ) નો સમૂહ, સંઘાત છે. આત્માની બાબત પણ સ્પષ્ટ છે કે તે માત્ર ચૈતન્ય (energy) છે. પરંતુ તે બંનેની વચમાં શું છે?
મન તો શરીર અને ચેતના (body and energy) બંનેના મિલનથી (combination)થી ઉત્પન્ન થયેલ એક by-product છે. વસ્તુતઃ જુઓ તો શરીરનું બહુ ગહન અસ્તિત્વ (positive existence) છે. ચેતના (આત્મા)નું પણ ગહન અસ્તિત્વ (positive existence) છે. જયારે મનનું કોઈ વાસ્તવિક ગહન અસ્તિત્વ (positive existence) નથી.
મન એ કોઈ વસ્તુ નથી, પરંતુ શરીર અને આત્મા (ચેતના)ની વચમાં એક સંબધ - relationship છે. શરીર પદાર્થ (matter) છે અને તે અવિનાશી (indestructible) છે. શરીરનું રૂપાંતર (change of form) થાય પરંતુ નાશ કદાપિ ના થાય. આત્મા (ચૈતન્ય) પણ અવિનાશી છે. અને તે નિર્વિકારી છે તેથી તેનું રૂપાંતર પણ થતું નથી. જયારે મન પદાર્થ (matter) પણ નથી અને ચૈતન્ય (energy) બેમાંથી એક પણ નથી, તેથી તે વિકારી અને વિનાશી બંને છે. મન શરીર અને આત્મા વચ્ચેનો સંબંધ છે, અને તે સંબંધ નષ્ટ થઇ શકે. શરીર અને આત્મા વચ્ચે જે રાગ (સંબંધ) છે તેનું નામ મન છે. આ સંબંધ શરીરની તરફથી આત્મા તરફના હોઈ શકે, કારણ કે શરીર જડ છે.
હું મારી મોટરકાર ઉપર પ્રેમ કરતો હોઉં છતાં હું એમ ના કહી શકું કે મારી મોટરકાર મારી ઉપર પ્રેમ કરે છે. મોટરકાર તરફથી મારી તરફ કોઈ પ્રેમ નથી, કારણ કે મોટર જડ છે હું ચેતન છું. આ પ્રેમ એકતરફી(one-way) પ્રેમ છે. આ સંબંધ એક વસ્તુ (જડ) અને એક વ્યક્તિ (ચૈતન્ય)ની વચમાં હોય તેવો છે, બે વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ નથી.
એક તરફ ચેતના છે અંદર, અને બીજી તરફ પદાર્થ છે, શરીર. ચેતના તરફથી આ સંબંધ છે અને તેથી ચેતના ધારે તો તે સરળતાથી આ સંબંધ તોડી શકે છે અને તો પછી વસ્તુ - matter જઈને કોઈ અદાલતમાં દાવો ના કરી શકે કે આ આદમી મારાથી (divorece) કરે છે, સંબંધ તોડી નાખે છે. મોટરકાર (જડ પદાર્થ) કોર્ટમાં દાવો ના કરી શકે કે મોટરનો માલિક (ચેતન) મને મોટરકારને કેમ વેચી નાખે છે, મન એકતરફી સંબંધ છે, ચેતનાનો શરીર તરફથી - શરીરનો ચેતના તરફ નહીં.
મન પદાર્થ નથી તેથી તેને વાયુ સાથે ના સરખાવાય, કારણ કે વાયુ પદાર્થ (matter) છે. વાયુ તો કોક દિવસ પણ પકડમાં આવી જાય, પકડી શકાય. જયારે મન તો કદાપિ નહીં પકડાય. વિજ્ઞાનની લેબોરેટરીમાં વાયુ પકડાય પણ મન ના પકડાય. પ્રયોગશાળા જે સાધનોનો ઉપયોગ કરી રહી છે તે વસ્તુઓને (matter)ને પકડવામાં સાધનો છે, સંબંધ (મન)ને પકડવાના સાધનો નથી. મગજનો એક્સ-રે લેવાય પણ મનનો એક્સ-રે(x-ray) ના લઇ શકાય.
આ જગતમાં જેટલા પદાર્થ વસ્તુ (matter) છે તે તમામ સીમિત છે. તેમાં જરાપણ વધઘટ થાય નહીં. એક રેતીનો કણ કે પાણીનું એક ટીપું પણ તમે ઓછુવતું કરી શકો નહીં. જયારે સંબંધ રોજ રોજ નવા નવા બને છે અને નષ્ટ પણ થાય છે, ગમે તેટલા માણસો જન્મે અગર મરે તો પણ જમીનનું વજન વધે - ઘટે નહીં. જયારે સંબંધો વધે પણ ખરા અને ઘટે પણ ખરા. બધા સંબંધો ચંચળ, અસ્થિર છે. મન પણ ચંચળ છે, અસ્થિર છે.
અને એક ખાસ નિયમ સાંભળો.
જે કોઈ ચીજ ચંચળ હોઈ શકે તે સ્થિર પણ હોઈ શકે. અને જે સ્થિર થઇ શકે તે ચંચળ પણ થઇ શકે. જે દોડી શકે તે ઉભો રહી શકે. જે ઉભો પણ ના રહી શકે તે દોડી ના શકે. દોડવાની ક્ષમતાની સાથે ઉભા રહેવાની ક્ષમતા જોડાયેલી છે. દુનિયામાં પ્રત્યેક શક્તિ પોતાની વિપરીત શક્તિથી જોડાયેલી છે. જે જીવવાના તે મરવાના. જે ખીલવાનું તે કરમાવવાનું. જે ઉગવાનું તે આથમવાનું. દુનિયામાં પ્રકાશ સમાપ્ત કરી દો તો તત્કાલ અંધારું સમાપ્ત થઇ જાય. પ્રકાશ અને અંધકારનું સંયુક્ત અસ્તિત્વ છે. ઠંડક ખતમ તો ગરમી પણ ખતમ. દુનિયામાંથી બધી સ્ત્રીઓ ખતમ થઇ જાય તો, બધા પુરુષો પણ ખતમ થઇ જાય. જો દુનિયામાં શત્રુતા ખતમ થઇ જાય તો દુનિયામાં મિત્રતા પણ સમાપ્ત થઇ જાય. મિત્રતા શત્રુતાને લીધે જ જીવતી રહે છે. યુદ્ધ સમાપ્ત થઇ જાય તે દિવસે શાંતિ પણ સમાપ્ત.
અર્જુનનો પ્રશ્ન છે કે મન ચંચળ છે તેથી સ્થિર થઇ શકતું નથી. આ પ્રશ્ન મૂળમાં જ ખોટો (basically wrong) છે. તેમ ભગવાન અર્જુનને સમજાવશે. મન ચંચળ છે માટે જ તે સ્થિર થઇ શકે તેમ છે. જે માણસ સ્વસ્થ છે તે માંદો પડી શકે છે. જે માણસ completely પૂરેપૂરો અસ્વસ્થ છે, મડદું છે તે કદાપિ માંદું ના પડે.
પરમાત્મા આ 'સિદ્ધાંત' નથી બોલતા પરંતુ 'સત્ય' બોલે છે. સિદ્ધાંતની વિરુદ્ધ તો તર્ક કરી શકાય અને જીતી પણ જવાય. સત્ય સામે કોઈ તર્ક ટકી શકે નહીં. ગીતા સિદ્ધાંતવાદી શાસ્ત્ર નથી. ગીતા તો એક સત્યની ઉદ્દઘોષણા છે. ગીતા તર્કનું શાસ્ત્ર નથી. ગીતા જીવનનું શાસ્ત્ર છે.