શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૬

આત્મસંયમ યોગ

પ્રશાન્તમનસં હ્યેનં યોગિનં સુખમુત્તમમ્ ।
ઉપૈતિ શાન્તરજસં બ્રહ્મભૂતમકલ્મષમ્ ॥૨૭॥

પ્રશાન્તમનસમ્ હિ એનમ્ યોગિનમ્ સુખમ્ ઉત્તમમ્

ઉપૈતિ શાન્તરજસમ્ બ્રહ્મભૂતમ્ અકલ્મષમ્

બ્રહ્મભૂતમ્ - બ્રહ્મરૂપ થયેલા

એનમ્ - એ

યોગિનમ્ - યોગીને (જ)

ઉત્તમમ્ - ઉત્તમ

સુખમ્ - સુખ

ઉપૈતિ - પ્રાપ્ત થાય છે.

હિ - કેમ કે

શાન્તરજસમ્ - રજોગુણ સહિત

અકલ્મષમ્ - પાપ (તમોગુણ) વગરના

પ્રશાન્તમનસમ્ - અતિ શાંત મનવાળા

કેમ કે અતિ શાંત મનવાળા, શાંત રજોગુણવાળા, પાપરહિત અને બ્રહ્મરૂપ થયેલા આ યોગીને ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે. (૨૭)

ભાવાર્થ

જેને સિદ્ધિ થાય છે તેનું મન વિશેષરૂપે શાંત થાય છે. ( પ્રશાન્તમનસમ્ ) અને તેનામાં રજોગુણ કે ભોગેચ્છા શાંત થાય છે. (શાન્તરજસમ્)

રજોગુણથી જ ભોગ, ક્રોધ, ઉન્મત્તતા, અસમાધાન વગેરે થાય છે.

રજસો લોભ એવ ચ |

(ગીતા - ૧૪/૧૭)

રજસસ્તું ફલં દુઃખં |

(ગીતા - ૧૪/૧૬)

કામ એષ: ક્રોધ એષ: રજોગુણ સમુદ્ભવઃ |

(ગીતા - ૩/૩૭)

રજોગુણ શાંત થતા 'અકલ્મષમ્ બ્રહ્મભૂતં ઉપૈતિ' વિગતકલ્મષઃ પાપરહિત થાય છે. અને તે વખતે તે 'બ્રહ્મભૂતઃ' બ્રહ્મના જેવો નિષ્પાપ થાય છે. જેમ લોખંડ અગ્નિમાં રહેવાથી અગ્નિ જેવું જ બને છે તેમ આત્મયોગથી તેનો બ્રહ્મની સાથેનો સ્પર્શ થવાથી, 'બ્રહ્મ સ્પર્શમ' થવાથી બ્રહ્મના ગુણધર્મ તેનામાં ઉતરવા લાગે છે. બ્રહ્મરૂપ થવાનો અર્થ પરમશ્રેષ્ઠ સામર્થ્ય વડે યુક્ત થવું એટલે 'અત્યન્તમ સુખમશ્રૂતે' અનંત શાશ્વત સુખ પ્રાપ્ત થાય છે. આ જ અંતિમ સિદ્ધિ છે, જેના લક્ષણો નીચે પ્રમાણે છે:

૧. પ્રશાન્તમનસમ્ એટલે કે વિવેક અને વૈરાગ્યના પ્રભાવથી વિષય ચિંતન છોડીને અને ચંચળતા તથા વિક્ષેપથી રહિત થઈને જેનું ચિત્ત સર્વથા સ્થિર અને સુપ્રસન્ન થઇ ગયું છે તેવો યોગી.

૨. શાન્તરજસમ્ | આસક્તિ, સ્પૃહા, કામના, લોભ, તૃષ્ણા અને સકામ કર્મ આ બધાની ઉત્પત્તિ રજોગુણથી થાય છે. (ગીતા - ૧૪/૭ થી ૧૨) અને તે રજોગુણને મોટો કરે છે. આ બધાથી રહિત યોગી.

૩. બ્રહ્મભૂતમ્ | હું દેહ નથી. પરંતુ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ છું એ પ્રકારનો અભ્યાસ કરતા કરતા સાધકની સચ્ચિદાનંદ પરમાત્મામાં અભિન્નભાવથી સ્થિતિ થાય તે બ્રહ્મભૂત યોગી.

૪. વિગત કલ્મષઃ એટલે પાપરહિત નિષ્પાપ યોગી.

ચોરી, હિંસા, અસત્ય એ બધા પાપ નથી. પરંતુ પાપના રૂપ - આકાર છે. આકાર તો બદલાતા રહે છે. અસલ પાપ તો રજોગુણ છે, જેનાથી બધા પાપ જુદા જુદા આકારે પ્રગટ થાય છે. આભૂષણોના આકાર બદલાય છે પરંતુ તે બધા આકારોમાં સોનુ મુખ્ય છે. સોનુ ના હોય તો એક પણ આકાર ટકે નહીં. રજોગુણ ના હોય તો એક પણ પાપ ટકે નહીં. રજોગુણ જ પાપનો આધાર છે. રજોગુણી માણસ પાપથી પૈસા પેદા કરે છે, પછી દાન કરીને પાપનું પ્રાયશ્ચિત કરવા નીકળે છે. બધા પાપ રજોગુણની અધિકતાથી થાય છે.

રજોગુણ અને તમોગુણ એવા સંતુલનમાં આવી જાય કે શૂન્ય થઇ જાય અને જીવનમાં રજ, તમ અનુપાતમાં આવી જાય તો જ સત્ત્વમાં પ્રતિષ્ઠા થાય અને આવી રીતે સત્ત્વની ઉપલબ્ધી થતા એક અત્યંત અદ્ભૂત શાંતિની અનુભૂતિ થાય. ગતિ (રજ) અને અગતિ(તમ) ના સંતુલનથી જ સત્ત્વનો અનુભવ થાય. આ જીવનની શક્તિઓનો ત્રિકોણ Triangle છે. તમારું મન કાબૂમાં એવી રીતે આવી જાય કે તમે ધારો ત્યારે તમે તેને ચલાવી શકો અને ધારો ત્યારે ઉભું રાખી શકો ત્યારે તે સંતુલિત થયું ગણાય. તમોગુણી માણસ એટલો બધો પ્રમાદ અને આળસમાં ભરાઈ જાય કે તેને ઉઠાડવા માટે ઢોલ - નગારા વગાડવા પડે આ નેગેટિવ નકારાત્મક પાપ છે. રજોગુણી માણસ એટલી બધી દોડાદોડી કરે કે તેને ઉંઘાડવા માટે ગોળીઓ ખવરાવવી પડે. આ પોઝિટિવ પાપ છે. જીવનની બધી જટિલતાઓ, બધા પાપ આ જાતના અસંતુલન (imbalance)નું ફળ છે.

એક રજોગુણી માણસ મારામારી કરે છે તે પોઝિટીવ પાપ કરે છે. તેને તો પકડીને જેલમાં પણ પૂરી શકાય. પરંતુ એક તમોગુણી માણસ મારામારી જોઈ રહે છે છતાં કાંઈ પણ કરતો નથી તે પાપનો ભાગીદાર બને છે તે આડકતરી રીતે નેગેટિવ પાપ કરે છે, કારણ કે આ પાપમાં તેનો આડકતરી રીતે સહકાર છે. મન તમોગુણ તરફ વધારે ઝુકે ત્યારે નકારાત્મક (નેગેટિવ) પાપ લાગે અને રજોગુણ તરફ વધારે ઝુકે ત્યારે વિધાયક પોઝિટિવ પાપ લાગે. રજોગુણ, તમોગુણનું (balancing) - સંતુલન થાય ત્યારે સત્ત્વગુણ (સમત્વમ) સ્થાપિત થાય.

જગતમાં ચાર પ્રકારના લોકો હોય છે:

૧, જે જ્ઞાની છે પણ નિષ્ક્રિય છે. એના જ્ઞાનથી જગતને કોઈ લાભ નથી. તેને પોતાને પણ કાંઈ લાભ થતો હશે કે કેમ તે કહેવાય નહીં.

૨. જે અજ્ઞાની છે પણ સક્રિય છે. તે આખા જગતને હજાર રીતે નુકસાન પહોંચાડે છે અને પોતાની જાતને પણ નુકસાન પહોંચાડે છે.

૩. જે અજ્ઞાની છે અને નિષ્ક્રિય છે તે લોકો વિચક્ષણ છે અને ૯૯ ટકા લોકો આવા છે.

૪. જે જ્ઞાની છે અને સક્રિય છે. આવા લોકો પણ વિચક્ષણ છે પરંતુ આવા લોકો ભાગ્યે જ પેદા થાય છે.

ચોથા નંબરના લોકો શ્રેષ્ઠતમ છે. જ્ઞાની અને સક્રિય. creative knowledge - સર્જનાત્મક જ્ઞાન ત્યારે જ ફલિત થાય જયારે રજ અને તમનું સંતુલન - balancing થાય.