જેમ વાયુરહિત સ્થાનમાં રહેલો દીવો ડોલતો નથી (તેમ સમાધિનિષ્ઠ યોગીનું મન ડગતું નથી.), તે ઉપમા આત્માને યોગમાં જોડતા યોગીના વશ થયેલા ચિત્તની કહી છે. (૧૯)
ભાવાર્થ
વાયુના હાલવાથી, વાયુના હલનચલનને લીધે દીવો કંપાયમાન થયા કરે છે તેવી જ રીતે વાસનાઓ અને કામનાઓના સતત ઝોકાઓને લીધે મન અને ચિત્તની વૃત્તિઓ અવિરતપણે કંપાયમાન રહ્યા કરે છે અને તેથી આત્મસ્વરૂપમાં (પરમાત્મામાં) ચિત્ત સ્થિર થતું નથી.
વાસનામાં, વૃત્તિમાં, વિચારમાં ચિત્ત કંપાયમાન રહે છે, ડોલે છે, લોલાયિત (oscillating) રહે છે. બિલકુલ નિષ્કંપ થવું એને જ પ્રભુમાં પ્રતિષ્ઠિત થવું કહે છે. કંપાયમાન થવું એટલે સંસારમાં જવું.
ચિત્ત કંપાયમાન થવાનું મુખ્ય કારણ જડ કામના છે. કામના, વાસના હશે ત્યાં સુધી ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય કશુંય નહીં હટે; અને આ બધા ચિત્તને વારાફરતી વ્યગ્ર કર્યા કરશે. મન એ કામનાનું અને વાસનાનું જાળું છે. મન અમન થાય, મન બદલાય તો જ કામના-વાસના ખતમ થાય, અને તો જ કામ, ક્રોધ, લોભ વગેરે નષ્ટ થાય. એકલો ક્રોધ અગર લોભ વગેરે નષ્ટ કરવા જશો તો પણ તે જડમૂળમાંથી નષ્ટ નહીં થાય, કારણ કે મન જે કામના - વાસનાનું જાળું છે તે તો મોજૂદ છે જે તમામ ષડરિપુઓની જડ છે. મન અમન થાય એટલે જ્ઞાતા - જ્ઞાન - જ્ઞેય, ધ્યાતા - ધ્યાન - ધ્યેય, દ્રષ્ટા - દ્રશ્ય - દર્શન બધું એક થઇ જાય અને તમામ વૃત્તિઓ પ્રભુમાં પ્રતિષ્ઠિત થાય. જાગ્રત સ્વપ્નમાં મનની મોજૂદગીમાં જાગ્રત સ્વપ્નનો સંસાર દેખાય છે. જયારે સુષુપ્તિમાં અને સમાધિમાં મનનો લય થઇ જવાથી સંસારનો લય થઇ જાય છે.
ચિત્ત સ્થિર થતા આત્માની જ્યોતિ વધારે પ્રકાશમાન થાય છે અને અદ્દભૂત નિજાનંદ પ્રાપ્ત થાય છે. તે વખતે વિષયભોગ વાસનાનો ધુમાડો, કાલિમા નષ્ટ થાય છે તેથી તે આત્મજ્યોતિ ઉપર છવાઈ જતો નથી.