શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૬

આત્મસંયમ યોગ

એતન્મે સંશયં કૃષ્ણ છેત્તુમર્હસ્યશેષતઃ ।
ત્વદન્યઃ સંશયસ્યાસ્ય છેત્તા ન હ્યુપપદ્યતે ॥૩૯॥

એતત્ મે સંશયમ્ કૃષ્ણ છેત્તુમ્ અર્હસિ અશેષતઃ

ત્વદન્યઃ સંશયસ્ય અસ્ય છેત્તા ન હિ ઉપપદ્યતે

હિ - કેમ કે

ત્વદન્યઃ - આપ વિના બીજો (કોઈ)

અસ્ય - આ

સંશયસ્ય - સંશયને

છેત્તા - છેદનાર

ન ઉપપદ્યતે - મળવો સંભવ નથી.

કૃષ્ણ - હે કૃષ્ણ !

મે - મારા

એતત્ - આ

સંશયમ્ - સંશયને (આપ)

અશેષતઃ - સંપૂર્ણ

છેત્તુમ્ - નાશ કરવાને

અર્હસિ - યોગ્ય છો;

હે શ્રીકૃષ્ણ ! જે યોગમાં શ્રદ્ધાવાળો છે, પરંતુ પૂરો સંયમી ન હોવાથી તેનું મન યોગથી ચલિત થયું હોય તો એ યોગની સિદ્ધિને પ્રાપ્ત ન કરતા કઈ ગતિને પ્રાપ્ત થાય છે? (૩૭)

હે મહાબાહો ! શું તે (યોગથી અને સિદ્ધિથી) ઉભયભ્રષ્ટ થયેલો સાધક બ્રહ્મમાર્ગમાં મૂઢ થઈને છિન્નભિન્ન થયેલા વાદળની પેઠે નાશ તો નથી પામતો ને? (૩૮)

હે કૃષ્ણ ! મારા આ સંશયને સંપૂર્ણ છેદવા આપ યોગ્ય છો, કેમ કે આપ વિના બીજો આ સંશયને છેદનાર મળે તેમ નથી. (૩૯)

ભાવાર્થ

અર્જુન અત્યંત માર્મિક પ્રશ્ન પૂછે છે કે

૧. જે માણસને યોગસિદ્ધિ અગર તો ભગવદ્દ સાક્ષાત્કાર કરવાની ઈચ્છા તો છે અને વળી

૨. તેને માટે તે શ્રદ્ધાવાળો પણ છે, પરંતુ

૩, તેનું મન યોગમાં સ્થિર ના થતું હોય અને તેથી

૪. તેનો પ્રયત્ન શિથિલ હોય તો

આવા માણસની શું દશા થાય? આવો માણસ રામ અને કામ બંને ના ગુમાવે ? તે 'અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ' તો ના થાય? તે ઘરનો પણ નહીં અને ઘાટનો પણ નહીં એવું ના થાય? એના કરતા સંસાર ભલેને મિથ્યા છે પરંતુ છે ત્યાં લગી તો સાચો છે ને. સ્ત્રી -પુત્રાદિક, બંગલા - સંપત્તિ બધું છોડીને જવાનું છે, ભલે, પરંતુ જીવીએ ત્યાં લગી તો સાચું કરીને માણી કેમ ના લઈએ, કેમ ના ભોગવી લઈએ?

એક બાજુ સંસારનું સુખ છોડી દઈએ અને બીજી બાજુ આત્માના સુખની અનુભૂતિ ના થઇ તો પછી બંને બાજુથી લટકવાની દશા આવે તો શી દશા? જીવનની નાવમાં બેઠા, સંસારનો કિનારો છોડી દીધો અને પરમાત્માના કિનારે પહોંચવાની કોઈ ગેરંટી નથી અને અધવચમાં શઢ વાંકો વળી જાય, નાવમાં કમજોરી આવે, પવનના (કામના અને વાસનાના) ઝપાટા જોરથી ચાલે અને નાવ ખરાબે ચઢી જાય તો બંનેમાંથી એકેય કિનારો હાથમાં ના આવે તો શી દશા?

એટલા માટે અર્જુનની શંકા સાચી છે કે મને સામે કિનારે પહોંચાડવાની ગેરંટી આપે તો આ કિનારો છોડું. સર્વેશ્વર મળવાની ગેરંટી હોય તો સંસાર છોડું. સામે કિનારે પહોંચવાની વાત તો પછી પરંતુ સામો કિનારો છે કે કેમ તેની જ પહેલા તો ખાતરી નથી તો તે ખાતરી પહેલા કરાવો તો પછી આ કિનારો છોડું.

માટે અર્જુન કહે છે કે મારા આ સંશયને એક માત્ર તમે જ છેદી શકો તેમ છો. કારણ કે જે નિઃસંશય હોય તે જ સંશયને છેદી શકે. જે માણસ પોતાની જ અંદર ભરોસાથી, વિશ્વાસથી, શ્રદ્ધાથી એટલો ભરપૂર (overflow) હોય, ઉભરાતો હોય તે જ માણસ સંશયને દૂર કરી શકે.

કાંઈ પણ બદલામાં મળવાની ખાતરી, ભરોસો, ગેરંટી હોય તો જ સંસારી મન કાંઈક છોડવાની, ત્યાગ કરવાની ગણતરી કરે, ઈચ્છા કરે, નહીં તો નહીં. ત્યાગ કરવામાં સાંસારિક મનને મુશ્કેલી નથી પરંતુ તે ત્યાગ - ઇન્વેસ્ટમેન્ટ profitable હોવો જોઈએ એવું સાંસારિક મન વિચારતું હોય છે.

પરંતુ આવો ત્યાગ સાચો ત્યાગ ના કહેવાય. એ તો સોદાબાજી - bargain કહેવાય. એટલા માટે સાંસારિક મન સાચા ત્યાગને નહીં સમજી શકે. તે તો માત્ર - bargaining સોદાબાજી માં જ સમજે. સ્વર્ગ મળે તો દાન કરું, વૈકુંઠમાં ભગવાનના મહેલની જોડેના પ્લોટમાં બંગલો મળે તો અહીં પૃથ્વી ઉપર તેમનું મંદિર બંધાવું, આ સાંસારિક મનોવૃત્તિ છે.

અગર જો તમે કાંઈક પણ પ્રાપ્ત કરવા માટે કશુંક છોડતા હો તો તેમાં તમે કાંઈ પણ છોડતા નથી. અને જે માણસ કાંઈ પણ છોડતો નથી તે કાંઈ પણ પામતો નથી. જેણે કાંઈ પણ પામવું છે તેણે કાંઈ પણ પામવાની વાત જ છોડી દેવી જોઈએ. કાંઈ પણ પામવાની આશા, આકાંક્ષા વગર જો ત્યાગ કરાય તો જ તે સાચા અર્થમાં ત્યાગ કહેવાય.

શાંતિની પણ તમે તલાશ કરવા નીકળશો તો અશાંતિ ઉભી કરશો. શાંતિની કામનાથી શાંતિની તલાશ કરવાથી શાંતિ નહીં મળે. શાંતિની તલાશ જ અશાંતિ છે. Don’t make it a demand; let it be a result. તલાશ અશાંતિ છે અને શાંતિની તલાશ મહાઅશાંતિ છે.