એમ ચિત્તને સદા યોગનિષ્ઠ કરતો યોગી પાપરહિત થઇ સહેલાઈથી પરબ્રહ્મના અનુભવરૂપ અનંત સુખનો અનુભવ કરે છે. (૨૮)
ભાવાર્થ
'યુંજન્ એવમ્' એટલે લગાવી રાખવું. આત્માને પદાર્થમાં લગાવી રાખવો તે પાપ છે. આત્માને પરમાત્મામાં લગાવી રાખવો તે પુણ્ય છે. પદાર્થનો ઉપયોગ થાય પરંતુ આસક્તિ ના થાય તે યોગની કળા છે.
અપવાસ કર્યો હોય અને ભોજન ના કર્યું હોય તો પણ આસક્તિ અને લાલચને લીધે આત્મા ભોજનમાં લાગી રહે છે. (યુંજન્) આત્માને લગાવી રાખવા માટે (યુંજન્) ભોજન કરવું જરૂરી નથી અને ભોજન કરવા માટે આત્માને લગાવવું (યુંજન્) જરૂરી નથી. ભોગ પદાર્થ સામે ના પડયા હોય તો પણ આત્મા (મન) તેનું ચિંતન કર્યા કરતુ હોય છે. આ મનને (આત્માને) ભોગપદાર્થમાંથી હટાવીને પરમાત્મામાં જોડવાની જરૂર છે.
આત્મા પદાર્થથી નથી બંધાતો, વિચારથી બંધાય છે અને ખૂબી એ છે કે ભોગપદાર્થમાં જેટલો વધારે રસ લેવાની કોશિશ કરીએ છીએ તેટલો કમ (ઓછો) રસ મળે છે અને ભોગ પદાર્થ માટે હડકવા લાગે છે.
ઓછું ખાવાથી બહુ ઓછા લોકો બીમાર પડે છે, વધારે ખાવાથી વધારે લોકો બીમાર પડે છે અને મરે છે. બહુ ખાવાથી મેદ વધે, મદ વડે, ચરબી વધે પરંતુ તેજ ઘટે. ઓછું ખાવાથી મેદ, મદ, ચરબી ઘટે અંતે મોં ઉપર તેજ વધે. દરેક ભોગપદાર્થ માટે આવું જ છે.
જેટ્લો પરિગ્રહ ઓછો તેટલી ચિંતા ઓછી તેટલો બ્રહ્મસંસ્પર્શ અધિક થાય. જેની પાસે બધું જ છે તે વધારેમાં વધારે Emptyness - ખાલીપણાનો અનુભવ કરે છે. જીસસ કહે છે : A man cannot live by bread alone, રોટી જરૂરી છે. પરંતુ તે લક્ષ્ય નથી. ભોગ પદાર્થો પ્રત્યેનો રસ (આસક્તિ) તમામ પ્રકારના પાપકર્મો કરાવે છે. તે માણસને 'વિગત કલ્મષઃ' - નિષ્પાપ થવા દેતા નથી, અને બ્રહ્મ સંસ્પર્શનું આત્યંતિક સુખ મેળવવા દેતા નથી. ભોગ પદાર્થો મેળવવા આખી જિંદગીની કરેલી મજૂરી અને સફળતાઓ પણ છેવટે તો માણસને સ્મશાન ભેગો જ કરે છે.
જે ચિત્ત માત્ર ભોગપદાર્થો તરફ જ સતત દોડ્યા કરે છે તે ચિત્ત કદાપિ પરમાત્મામાં (યુંજન) જોડાઈ નહીં શકે. કારણ કે પદાર્થ સાકાર છે - પરમાત્મા નિરાકાર છે, પદાર્થ જડ છે - પરમાત્મા ચેતન છે, પદાર્થ બહાર છે - પરમાત્મા અંદર છે, પદાર્થ મૃત્યુ તરફ લઇ જાય છે - પરમાત્મા અમૃત તરફ લઈ જાય છે. પદાર્થની દિશામાં જશો તો પરમાત્મા કદાપિ નહીં મળે. બંનેની દિશા એકબીજાથી વિરુદ્ધ છે. પદાર્થની દિશાથી પાછા વળી જાઓ તો પરમાત્મા એક ઇંચ પણ દૂર નથી, નહીં તો પરમાત્મા કરોડો માઈલ દૂર છે. Complete round about turn કરી દો.
પરમાત્માની સન્મુખ થનારને આખા બ્રહ્માંડની સંપત્તિ તુચ્છ છે. પદાર્થની સન્મુખ થનારને તૂટેલી સાવરણી માટે પણ મનુષ્યત્વ ગુમાવ્યાનું ભાન નથી. પદાર્થ પરનું આક્રમણ પાપ છે, પ્રતિક્રમણ પુણ્ય છે. ધન, પદાર્થ વગેરે જીવન જીવવા માટેના સાધનો છે પરંતુ સાધ્ય તો એકમાત્ર પરમાત્મા જ છે. સાધન જો સાધ્ય તરફ જવામાં રુકાવટ કરે તો તે સાધન નકામું છે.