મનુષ્યે આત્મા વડે (શરીર, મન, ઇન્દ્રિયોના સંયમ દ્વારા) આત્માનો ઉદ્ધાર કરવો, (પણ) તેને અધોગતિએ ન લઇ જવો, આ રીતે (આત્માનો ઉદ્ધાર અને અધોગતિ કરવા દ્વારા) મનુષ્ય પોતે જ પોતાનો બંધુ અને પોતે જ પોતાનો શત્રુ છે. (૫)
જેણે આત્માના બળથી મનને જીત્યું છે તે જ પોતાનો બંધુ છે. જેણે આત્માના બળથી મનને જીત્યું નથી તે પોતાના જ પ્રત્યે શત્રુ થઈને વર્તે છે. (૬)
ભાવાર્થ
આ જગતમાં તમે જ તમારા મિત્ર છો અને તમે જ તમારા શત્રુ છો. તમે સુખી છો તેનું કારણ તમે પોતે જ છો અને તમે દુઃખી છો તેનું કારણ પણ તમે પોતે જ છો. તમારા પ્રારબ્ધમાં નહીં હોય તો કોઈ પણ માણસ તમને સુખી નહીં કરી શકે અને તમારા પ્રારબ્ધમાં નહીં હોય તો કોઈ પણ માણસ ગમે તેટલો પ્રયાસ કરશે તો પણ તે તમને દુઃખી નહીં જ કરી શકે. તમારું સુખ અગર દુઃખ તમારા પ્રારબ્ધને આધીન છે અને તમારું પ્રારબ્ધ તમારા જ પુરુષાર્થને આધીન છે. તમારા પ્રારબ્ધમાં હશે તે પ્રમાણે બીજો કોઈ માણસ તમને સુખી અગર દુઃખી કરવામાં માત્ર નિમિત્ત જ થઇ શકે.
You—and only you—are the architect of your life.
સુખસ્ય દુઃખસ્ય ન કોઽપિ દાતા, પરો દદાતિ ઇતિ કુબુદ્ધિરેષા |
અહં કરોમિતિ વૃથા અભિમાન: સ્વકર્મ સૂત્રાત ગ્રથિતઓ હિ લોક: ||
કાહુ ન કોઉ સુખ દુઃખકર દાતા, નિજકૃત કર્મ ભોગ સબ ભ્રાતા.
(શ્રી રામ ચરિત માનસ)
તમારા ખરા શત્રુઓ તો તમારી ઇન્દ્રિયો છે અને જો તે ઇન્દ્રિયોને તમે કાબૂમાં રાખી શકો તો તે જ ઇન્દ્રિયો તમારી પરમ મિત્ર બની જાય. બલવાન ઇન્દ્રિયગ્રામ: | ઇન્દ્રિયો એટલી બધી બળવાન છે કે જો તે કાબૂમાં ન રહે તો તે ભલભલાને પછાડે અને કાબૂમાં રહે તો તે પરમાત્મા સુધી તમને પહોંચાડે પણ ખરી.
કે શત્રવ સન્તિ નિજેન્દ્રિયાણિ તાન્યેવ મિત્રાણિ જીતાની યાનિ | (શંકરાચાર્ય)
સ્વર્ગ અને નર્ક વ્યક્તિના હાથમાં છે. વ્યક્તિનો આત્મા સ્વતંત્ર છે. તેણે સજ્જન અગર દુર્જન જે થવું હોય તે થઇ શકે છે. વ્યક્તિને આપઘાત કરવાની પણ સ્વતંત્રતા છે. પણ પછી પ્રેતયોનિમાં રિબાવવાની તેણે તૈયારી રાખવી પડે. Independence implies responsibility also. જેટલી સ્વતંત્રતા એટલી જ જવાબદારી. કર્મ કરવામાં સ્વતંત્ર પરંતુ ફળ ભોગવવામાં પરતંત્ર. ફળ તો તેણે જખ મારીને ભોગવવું જ પડે. એક વખત ડાબો પગ ઊંચો કર્યો કે તુરત જ જમણા પગથી તમે ભોંય સાથે બંધાઈ જ જાઓ. તમારું અહિત કરવાની પણ તમને સ્વતંત્રતા છે પરંતુ પછી તમે કોઈનોય (પરમાત્માનો પણ) દોષ ન કાઢી શકો.
અત્યારે તમે જે ફળ ચાખો છો તે ઉપરથી કહી શકાય કે તમે કેવા બીજ વાવ્યા છે. અત્યારે કયા માર્ગે પૈસો વપરાય છે તે ઉપરથી કહી શકાય કે તમારો પૈસો ક્યાં માર્ગથી આવ્યો છે.
પથ્થરને અગર તો બળદને ગાળો દેશો તો તે ગાળો તમને નહીં દેખાય તેવી રીતે બીજે રસ્તેથી તમારી ઉપર પડશે જ. બીજાને ઠગતા પહેલા માણસ પોતે પોતાની જાતને પહેલો ઠગે છે. અને ત્યારે જ તે બીજાને ઠગી શકે છે. પોતાના આત્માનું હનન પહેલું કરવું પડે છે.
જે માણસ પોતાનો શત્રુ છે તે મહા અધાર્મિક છે. જે પોતાની જાત સાથે શત્રુતા કરે તે બીજાની સાથે મિત્રતા શું કરવાનો હતો. પહેલું પાપ પોતાની જાત સાથે શત્રુતા. એક જ ગાળ દેવામાં માણસ પોતાની જાતને કલ્પનામાં ન આવી શકે તેટલું અહિત કરી શકે છે. એક અમંગળ વિચાર પણ અનેકગણું નુકશાન કરે છે.
મિત્રતા એક મહાન સાધના છે. શત્રુતા તો બચ્ચોંકા ખેલ હૈ. પોતાની જાત સાથે મિત્રતા કરવી બહુ કઠણ. જે પોતાની જાતને પ્રેમ કરે છે તેના જીવનમાં બુરાઈ કદાપિ આવે જ નહીં. બીજો ગાળ દે તેથી તમે તમારી જાતને ક્રોધ કરીને સજા શા માટે કરો છો.
પરાઈ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તુ લેજે.
ક્રોધથી મહાન સજા (પોતાની જાતને) બીજી કઈ હોઈ શકે અને તે પણ બીજાની ભૂલને લીધે? જે માણસ પોતાની જાતને પ્રેમ કરે છે તે માણસ કદાપિ પાગલ ના થાય અગર આત્મહત્યા ના કરે અને દુનિયામાં આટલા બધા માનસિક રોગ પણ ના થાય.
બીજાને દુઃખી કરવા જતા અગર માનસિક વ્યથા કરવા જતા તમે તમારા આત્માને કેટલો કલેશ કરાવો છો તેનો જો માણસ ખ્યાલ કરે તો તે કોઈને દુઃખ પહોંચાડવાનો વિચાર કદાપિ ના કરે. વીંછી કરડે ત્યારે વીંછીને પોતાને પણ અત્યંત વેદના થાય છે.
આત્મના આત્માનં ઉદ્ધરેત | આત્માની સહાયતાથી આત્માનો ઉદ્ધાર કરવો.
આત્માનં ન અવસાદયેત | આત્માની અધોગતિ ના થવા દેવી.
આત્માનો ઉદ્ધાર એટલે પોતાની વિસ્મૃત થયેલી આત્મશક્તિથી વાકેફ થઇ તે પુન: મેળવવી તે. ખરેખર કાંઈ આત્માની અધોગતિ થઇ નથી, તેનું પતન થયું નથી પણ પતનની ભ્રાંતિ થઇ છે. ઉદ્ધાર એટલે ઊંચે ખેંચવાની ક્રિયા. આપણે પશુમાથી પશુબુદ્ધિ છોડીને પ્રાકૃત મનુષ્ય બનીએ, પ્રાકૃતમાંથી સંસ્કૃત માણસ બનીએ, તેમાંથી દૈવી શક્તિ ધરાવતા માનવ બનીએ, માનવમાંથી મહામના, મહામાનવ, નરમાંથી નારાયણ, પુરુષમાંથી પુરુષોત્તમ, મેનમાંથી સુપરમેન, મામૂલી મેનમાંથી ગુડમેન (સજ્જન) અને ગુડમેનમાંથી ગોડમેન (દિવ્યાત્મા) બનીએ, એમ ઉત્તરોત્તર ઊંચે જવું.
તેમ ન બને તો કમસે કમ, at least, 'ન આત્માનં અવસાદયેત |' આત્માનું પતન તો ના જ થવા દેવું. જ્યાં છીએ ત્યાંથી નીચે તો હરગિજ ન ઉતરવું. ના રળાય તો કાંઈ નહીં પણ ખોટનો વેપલો તો ન જ કરવો. પૂર્વજન્મની જેટલી પુણ્યઈ લઈને આવ્યા છો તેમાં ઉમેરો ના થાય તો ભલે પરંતુ દેવાળું (spiritually bankrupt) ફૂંકીને તો નથી જ જવું. બચત પણ એક પ્રકારની કમાણી જ છે.
ખ્યાલ રાખો:
૧. મારુ એકે એક કર્મ મને ઊંચે લઇ જનાર હોવું જોઈએ.
૨. તેમ છતાં મારુ કોઈ પણ કર્મ મને નીચે ના લઇ જાય તેનું ધ્યાન રાખવું.
પ્રમોશન મળે તો સારું, પણ તે ન મળે તો હું ડીગ્રેડ ના થાઉં તેની તકેદારી રાખું તો પણ મેં કાંઈક કર્યું ગણાશે. મને જે નથી મળ્યું તે મેળવવા મથીશ (યોગ) પણ મને જે મળ્યું છે તે છીનવાઈ ના જાય (ક્ષેમ) તેની તકેદારી રાખીશ. મારો યોગક્ષેમ મારે કરવાનો છે. મારા આત્માનો ઉદ્ધાર કરીશ તે યોગ અને અધોગતિ નહીં થવા દઉં તે ક્ષેમ. યુદ્ધમાં આક્રમક થઈને વધુ ના મેળવું તો કાંઈ નહીં પરંતુ રક્ષણાત્મક થઈને મેળવેલું ગુમાવું નહીં તો પણ બસ છે. ગીતા જીવનવિદ્યા છે. જીવન એટલે સતત યુદ્ધ. જીવન હૈ સંગ્રામ, Struggle for existence.
આપણા જીવનની બાલદીમાં અસંખ્ય કાણાં છે, તે પુરવાનું કામ કરાય તો ય ઘણું છે. હું દંભ, હિંસા, અભિમાન, ક્રોધ વગેરે નહીં કરું. આ રીતે આસુરી સંપત્તિના કાણાં બંધ થયા કે જીવનની બાલદી આપોઆપ ભરાઈ જશે. માણસે પર્વતારોહકની માફક નીચે જરાપણ સરકી ના જવાય તેની પૂરેપૂરી કાળજી રાખીને પછી બની શકે તેટલા ઉપર જવાની કોશિશ કરવી જોઈએ, તો ક્યારેક તે છેક ઊંચે ચઢવાની આશા રાખી શકે. હું ભલે ના જીતુ પરંતુ હારીશ તો નહીં જ. રમતને ડ્રોમાં ખેંચી જઈશ.
પહેલવાન ના થવાય તો જોયું જશે પરંતુ બીમાર ના પડાય તે સંભાળવું. ફર્સ્ટ ક્લાસ ના થવાય તો ભલે પરંતુ નાપાસ ના થવાય તેનું ખાસ ધ્યાન રાખવું. પુરુષોત્તમ, નરોત્તમ ના થવાય તેની વાત પછી પરંતુ નરાધમ ના બની જવાય તે જોજો. કૃષ્ણ થવાનો પ્રયત્ન કાલે કરજો પરંતુ કાલયવન અગર કંસ ના બની જાઓ તેનું ધ્યાન આજથી રાખો.
ગીતાએ સમર્થ આદમીઓ માટે આદર્શ મૂક્યો કે 'તુ ઉપર ચઢ' (ઉદ્ધરેત) અને નબળા ઢીલા વર્ગ માટે આદર્શ મુક્યો કે 'જો જે ગબડતો' (ન અવસાયદેત). મજબૂત દાંતવાળા માટે ચણા અને નબળા દાંતવાળા માટે શીરાની વ્યવસ્થા કરી.
'ઉદ્ધરેત' એ લાંબા ગાળાનું આયોજન છે અને 'ન અવસાદયેત' એ ટૂંકા ગાળાનું વર્તમાન પૂરતું આયોજન છે.
પૈસા આપીને કોઈ મહાત્મા પાસે કાનમાં ફૂંક મરાવો અથવા શક્તિપાત કરાવો એટલે તમારો ઉદ્ધાર થઇ જાય એ વાતમાં માલ નથી. આમાં મહાત્માની શક્તિ અને મહિમાનો સવાલ નથી પરંતુ તમારા પોતાના પુરુષાર્થનો સવાલ છે. આમાં સાધક અને મહાત્માની શક્તિનો સરવાળો કરવાનો છે કે ઉદ્ધાર માટેના પ્રયત્નમાંથી સાધકના પ્રયત્નની બાદબાકી કરવાની છે તે સવાલ છે.
ઉદ્ધાર કોણ કરે? તમે જ (આત્માના). તમારા ઉદ્ધારની જવાબદારી તમારે બીજા કોકની કાંધે ચઢાવવી છે? તમારે કાંઈ પ્રયત્ન નથી કરવો? તમારે પોતાને તમારા પોતાના હાથપંગોઠા નથી હલાવવા? જાતે યત્ન કરે તે યતિ કહેવાય. ગીતા પુરુષાર્થનું ઘોષણાપત્ર છે, યાચના કરવાની પદ્ધતિ શીખવાડતું ભિક્ષાપાત્ર નથી. ભગવાન કૃપાળુ છે, દયાળુ છે, તે તમારો ઉદ્ધાર કરશે અને તમે તમારે બેઠા બેઠા ગાજર ખાઓ. કાંઈ કિંમત ચૂકવ્યા વગર મફતમાં તો મોક્ષ પણ ના મળે. ભગવાન પોતે આ શ્લોકમાં કહે છે કે આ વૈશ્વિક નાણાંબજારમાં (universal financial market)માં માત્ર એક જ ચલણ (legal currency) ચાલે છે અને તે પુરુષાર્થનું (રૂપિયા-ડોલરનું નહીં). પુરુષાર્થરૂપી કિંમત ચૂકવ્યા વગર આ વિશ્વમાં કશુંય મફત મળશે નહીં. અહીં cash and carry નો બિઝનેસ છે. વિશ્વંભરનું વિશ્વ એ કાંઈ ઉધાર કંપની નથી. પોતાને બદલે કોઈ ભાડુતી બ્રાહ્મણ કે માણસ પુરુષાર્થ કરી આપે તે ગીતાને માન્ય નથી.
બીજાની કૃપાથી મળતું હોય તેમાં સાચો તેજસ્વી માણસ પોતાનું અપમાન જ સમજે. હું એવો અપંગ નથી કે કોઈને બગલઘોડી બનાવીને ચાલુ. હું કાંઈ મડદું નથી કે કોઈની કાંધે ચઢું. હું એવો હલકટ ભિખારી નથી કે કોઈનો ફેંકેલો ભીખનો રોટલો સ્વીકારું. આ વૈદિક ઋષિઓની તેજસ્વીતામાં ગીતાને શ્રદ્ધા છે. લક્ષ્મી, વિદ્યા અને પરમાત્માને મેળવવાની શક્તિ મારા હાથમાં છે.
કરાગ્રે વસતે લક્ષ્મી, કરમધ્યે સરસ્વતી. કરમૂલે ચ ગોવિંદ: |
કૃતં મેં દક્ષિણે હસ્તે જ્યો મેં સવ્ય આહિત: |
કર્મ મારા જમણા હાથમાં છે તો વિજય મારા ડાબા હાથનો ખેલ છે. મારા સુખ-દુઃખ, જય-પરાજય, ઉદ્ધાર-પતન માટે હું અને હું જ એકલો જવાબદાર છું.
પુરુષાર્થ કરવામાં માણસ સંપૂર્ણ સ્વતંત્ર છે, કારણ કે તે ઈશ્વરનો અંશ છે તેથી તેમાં ઇશનો ગુણ, ઈશિત્વ, શાસન કરવાનો ગુણ છે. અને તેથી તે પોતાના ઉપકરણો, શરીર, ઇન્દ્રિયો, પ્રાણ, મન, બુદ્ધિ, ભાવ, કર્મ બધાને પોતાને આધીન રાખીને પોતાનો ઉદ્ધાર કરી શકે છે. પરંતુ જે માણસે પોતાની ઇન્દ્રિયો, મન કબજે નથી કર્યા તે પોતે જ પોતાનો શત્રુ બની બેસે છે. માણસ જો પોતે પોતાની જ ઉપર પ્રેમ કરતો હોય તો તે કદાપિ વ્યસન નહીં કરે અને રોગનો ભોગ નહીં બને. તે કદાપિ ક્રોધ વગેરે નહીં કરે અને તેથી માનસરોગોનો ભોગ નહીં બને. માણસ હાથે કરીને, જાણી જોઈને પોતે પોતાનો શત્રુ બને છે - પોતાની ઇન્દ્રિયોનો જ ગુલામ બનીને પોતાની જિંદગી બરબાદ કરે છે.
માણસ પણ એક પશુ છે - Social animal. પાશથી (દોરડાથી) બંધાય તે પશુ કહેવાય. માણસ આગળની બાજુમાં વાસનાઓનાં - કામનાઓના દોરડાથી બંધાયેલો છે. અને પાછળ પ્રારબ્ધના ડફણાં ખાતો ખાતો ચાલે છે. He is pulled by વાસના અને pushed by પ્રારબ્ધ. માણસ પશુ મટીને પશુપતિ થવા સર્જાયેલો છે. મનની લગામ બુધ્ધિરૂપી સારથિના હાથમાં ના રહે તો ઇન્દ્રિયોના વકરેલા ઘોડા આ રથને (દેહને) અને રથમાં બેઠેલા રથના માલિકને (જીવાત્માને) ભયંકર ગટરમાં (સંસારચક્રમાં) ઉસેટી દે. આમાં ઘોડાઓનો (ઇન્દ્રિયોનો) દોષ નથી. જે ઘોડા વધારેમાં વધારે બળવાન હશે તે જો કાબૂમાં ના રહે તો વધારેમાં વધારે પછાડશે અને જો કાબૂમાં રહેશે તો વધારે ઝડપથી પેલેપાર પહોંચાડશે. નિર્બળ ઘોડા (ઇન્દ્રિયો) પછાડશે નહીં તો પેલેપાર પહોંચાડશે પણ નહીં. ઘડપણમાં ઇન્દ્રિયો નિર્બળ થવાથી પછડાતી નથી તો તેણે જીતી લેવાનો પણ કોઈ અર્થ નથી. ઇન્દ્રિયોને પોતાનાથી અલગ સમજે તે જ ઇન્દ્રિયોને જીતી શકે. ઇન્દ્રિયો તો માત્ર સાધન - instruments છે. માલિક તો તમે છો. તમે માલિકપણાની ઘોષણા કરો, હુંકાર કરો તો ઇન્દ્રિયો તમારી સેવક - મિત્ર બની રહેશે. નહીં તો એ જ તમારી શત્રુઓ છે તેમ સમજવું.