જેણે મન વશ કર્યું નથી, તેને યોગ દુર્લભ છે; પણ વશ કરેલા મનવાળો અને યત્ન કરતો (મનુષ્ય) ઉપાયથી તેને (પ્રાપ્ત) કરી શકે છે, એવું મારુ માનવું છે. (૩૬)
ભાવાર્થ
અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા મનને વશમાં કરવામાં ના આવે તો શું હાનિ થાય તેના જવાબમાં આ શ્લોકમાં ભગવાન કહે છે કે જો મન વશમાં ના હોય તો તેમાં રાગદ્વેષની પ્રેરણાના કારણે ચંચળતા પુષ્કળ રહે છે અને તેથી તેને સમત્વયોગ પ્રાપ્ત કરવો બહુ દુષ્કર થઇ પડે છે. યોગસિદ્ધિ માટે મનને વશમાં કરવું પરમ આવશ્યક છે.
તેની ઉપરથી શંકા થાય, જિજ્ઞાસા થાય કે જેનું મન વશમાં નથી પરંતુ યોગમાં શ્રદ્ધા હોવાના કારણે જે માણસ ભગવદ્પ્રાપ્તિને માટે સાધન કરે તેની મરણ પછી શી ગતિ થાય? એટલા માટે અર્જુન હવે ૩૭, ૩૮, ૩૯ શ્લોકોમાં એક માર્મિક સવાલ પૂછે છે.