શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૬

આત્મસંયમ યોગ

પ્રયત્નાદ્યતમાનસ્તુ યોગી સંશુદ્ધકિલ્બિષઃ ।
અનેકજન્મસંસિદ્ધસ્તતો યાતિ પરાં ગતિમ્ ॥૪૫॥

પ્રયત્નાત્ યતમાન: તુ યોગી સંશુદ્ધકિલ્બિષઃ

અનેકજન્મસંસિદ્ધ: તત: યાતિ પરામ્ ગતિમ્

સંશુદ્ધકિલ્બિષઃ - સંપૂર્ણ પાપોથી સારી રીતે શુદ્ધ થઇ

તત: - તે સાધનાના પ્રભાવથી

પરામ્ - પરમ

ગતિમ્ - ગતિને

યાતિ - પામે (એમાં કહેવું જ શું?)

અનેકજન્મસંસિદ્ધ: - અનેક જન્મોના પુણ્યોથી અંતઃકરણની શુદ્ધિ પામેલો

તુ - અને

પ્રયત્નાત્ - અતિ પ્રયત્નથી

યતમાન: - અભ્યાસ કરનારો

યોગી - યોગી

કાળજીથી યત્ન કરતા પાપરહિત થયેલો તે યોગી અનેક જન્મે સિદ્ધ થયા પછી પરમ ગતિ પામે છે. (૪૫)

ભાવાર્થ

૧. અનેક જન્મોથી અંતઃકરણની શુદ્ધિરૂપ સિદ્ધિને પ્રાપ્ત થયેલો; અને

૨. અતિપ્રયત્નથી અભ્યાસ કરનાર; તથા

૩. સંપૂર્ણ પાપોથી સારી રીતે શુદ્ધ થયેલો

તેવો યોગી તે સાધનોના પ્રભાવથી પરમગતિ (પરમાત્મા)ને પ્રાપ્ત થાય છે.

પાપોથી શુદ્ધ થાય પછી પણ સાધનની જરૂર પડે છે. એકલું શુદ્ધ થવું બસ નથી. અંતઃકરણ શુદ્ધ થાય પછી પણ સૂક્ષ્માતિસૂક્ષ્મ સાત્ત્વિક અહંકાર નિર્મિત થાય છે. જે પરમગતિની પ્રાપ્તિમાં બાધક છે. તેને પણ અનન્ય શરણાગતિ, સમર્પણના સાધનથી નષ્ટ કરવો જ પડે. અહંકાર 'હું' ને આ સાધન વગર કાપવો અસંભવ છે.

એક માણસ કહે હે કે મારા જેવો કોઈ દુષ્ટ નથી. હું કોઈની છાતીમાં છરો ભોંકી દઉં અને એ જ લોહીથી ખરડાયેલા હાથથી ખાવા બેસી જાઉં એટલો બધો હું દુષ્ટ છું. આ એક અત્યંત મલિન અહંકાર છે.

તેથી ઉલ્ટું, એક pious egoism - પવિત્ર અહંકાર, શુદ્ધ અહંકારમાં નિર્મિત થાય છે ત્યારે માણસ બોલે છે કે હું તો તમારા ચરણની રજ છું. આવા ચરણદાસોમાં દેખાય નહી તેવી રીતે સૂક્ષ્માતિસૂક્ષ્મ સાત્ત્વિક અહંકાર બેઠો હોય છે.

રાગનો અહંકાર છે તેટલો જ ત્યાગનો અહંકાર પણ ખતરનાક છે જે સમર્પણની સાધના સિવાય નષ્ટ થતો નથી.

હિરણ્યાક્ષના તમોગુણી અહંકારને પાતાળના તિમિર જળમાં પ્રભુનો ભેટો થયો અને તે નષ્ટ થયો. હિરણ્યકશિપુના રજોગુણી અહંકારને તેના સભાગૃહમાં પ્રભુનો ભેટો થયો અને તે નષ્ટ થયો. જયારે બલિરાજાના સત્ત્વગુણી અહંકારને તેના યજ્ઞમંડપમાં ભેટો થયો અને ત્યાં જ તે પરમાત્માના ચરણમાં સમર્પિત થઈને વિશુદ્ધ થઇ ગયો.