શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૬

આત્મસંયમ યોગ

આત્મૌપમ્યેન સર્વત્ર સમં પશ્યતિ યોઽર્જુન ।
સુખં વા યદિ વા દુઃખં સ યોગી પરમો મતઃ ॥૩૨॥

આત્મૌપમ્યેન સર્વત્ર સમમ્ પશ્યતિ ય: અર્જુન

સુખમ્ વા યદિ વા દુઃખમ્ સ: યોગી પરમ: મતઃ

આત્મૌપમ્યેન - પોતાની દ્રષ્ટિથી

સમમ્ - સમાન

પશ્યતિ - જુએ છે,

સ: - તે

યોગી - યોગી

પરમ: - પરમ (શ્રેષ્ઠ)

મતઃ - માન્યો છે.

અર્જુન - હે અર્જુન

ય: - જે યોગી

સર્વત્ર - સર્વ ભૂતોમાં

સુખમ્ - સુખ

યદિ વા - અથવા

દુઃખમ્ વા - દુઃખને પણ

હે અર્જુન! જે સર્વ (પ્રાણીઓ)માં પોતાની પેઠે સુખ અથવા દુઃખને સમાન જુએ છે, તે યોગીને મેં શ્રેષ્ઠ માન્યો છે. (૩૨)

ભાવાર્થ

'આત્મૌપમ્યેન |' તમારી સાથે બીજા લોકો જેવો વહેવાર કરે તેવું તમે ઇચ્છતા હો તેવો વહેવાર તમે બીજા લોકો સાથે કરો. તમે બીજાઓ સાથે બૂરો વ્યવહાર કરો તો પછી બીજા લોકો તમારી સાથે સારો વ્યવહાર કરે તેવી અપેક્ષા તમે ના રાખી શકો. તમે કોઈને માફ ના કરો તો કોઈ તમને માફ કરે તેવી આશા ના રાખવી. Do unto others as you would have them do unto you..

કેટલાક માણસોની ગલત દ્રષ્ટિ હોય છે જેવી કે

૧. બીજો કોઈ માણસ બુરાઈ કરે તો આપણે કહીએ કે તે માણસ બૂરો છે. પરંતુ આપણે બુરાઈ કરીએ તો આપણે એમ કહીએ કે તે મારી મજબૂરી છે, હું બૂરો નથી.

૨. બીજો કોઈ ચોરી કરે તો તે ચોર કહેવાય. પરંતુ હું ચોરી કરું તો તે મારો આપદ ધર્મ છે, હું ચોર નથી.

૩. હું કોઈને મારુ તો તેને જીવાડવા, અને મને કોઈ જીવાડે તો તે મારુ લોહી પીવા.

૪. હું કોઈની ભૂલ બતાવું તો તેને સુધારવા અને કોઈ મારી ભૂલ બતાવે તો તે મારી નિંદા કરવા.

૫. બીજાના દોષો કરતા મારા દોષો ઓછા છે અને બીજાના ગુણો કરતા મારા ગુણો વધારે છે વગેરે.

ઉપરોક્ત ગલત દ્રષ્ટિને લીધે માણસ નિરંતર બીજાઓને અન્યાય કરતા હોય છે.

પરમાત્માના સામ્રાજ્યમાં કોઈ પણ ઊંચ કે નીચ નથી. મહાકાલ મૃત્યુની દ્રષ્ટિમાં અમીરી - ગરીબી સમાન છે. મૃત્યુ મહાન કોમ્યુનિસ્ટ છે. જન્મતી વખતે બધાય નગ્ન જન્મે છે. મૃત્યુ વખતે બધાય માટીમાં મળી જાય છે. માત્ર જન્મ અને મૃત્યુની વચમાં માણસ અહંકારવશ થઈને ઉંચનીચનો ભેદ પાડીને એકબીજાને અન્યાય કરે છે. અહંકારથી માણસ વાસનાગ્રસ્ત - passionate બને અને તે અહંકારમુક્ત થાય તો તે કરુણામય - Compassionate બને છે ત્યારે જ તે આત્મૌપમ્યેન સર્વત્ર સમં પશ્યતિ |