Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૬

આત્મસંયમ યોગ

યોગી યુઞ્જીત સતતમાત્માનં રહસિ સ્થિતઃ ।
એકાકી યતચિત્તાત્મા નિરાશીરપરિગ્રહઃ ॥૧૦॥

યોગી યુંજીત સતતમ્ આત્માનમ્ રહસિ સ્થિતઃ

એકાકી યતચિત્તાત્મા નિરાશી: અપરિગ્રહઃ

નિરાશી: - વાસનારહિત (તથા)

અપરિગ્રહઃ - સંગરરહિત થઇ

આત્માનમ્ - ચિત્તને

સતતમ્ - નિરંતર

યુંજીત -પરમાત્મામાં જોડે.

યોગી - યોગી

રહસિ - એકાંતમાં

એકાકી - એકલો

સ્થિતઃ - રહીને

યતચિત્તાત્મા - મન અને ઇન્દ્રિયો સહિત શરીરને જીતીને,

યોગીએ એકાંતમાં એકલા રહી ચિત્તને તથા શરીરને વશ કરી, આશારહિત અને પરિગ્રહરહિત થઈને અંતઃકરણને સદા યોગાભ્યાસમાં જોડવું. (૧૦)

ભાવાર્થ

આવો ઉપરોક્ત શ્લોકમાં કહ્યા પ્રમાણેનો જિતાત્મા પુરુષ ક્યા ક્યા સાધનોથી પરમાત્માની શીઘ્રતાથી પ્રાપ્તિ કરે તેને માટે ધ્યાનયોગના પ્રકરણનો પરમાત્મા આ શ્લોકથી પ્રારંભ કરે છે.

૧. યોગી આત્માનં સતતં યુંજીત

૨, રહસિ સ્થિત:

૩. એકાકી

૪. યતચિત્તાત્મા:

૫. નિરાશી:

૬. અપરિગ્રહ:

યોગસાધના કરનાર પોતે પોતાને નિરંતર યોગસાધનામાં તત્પર રાખે, મશગૂલ રહે, બીજી બાબતોમાં સમય બગાડે નહીં. કારણ કે 'યોગ: ચિત્તવૃત્તિ નિરોધ:' | અનેક વૃત્તિઓમાં ફસાવું નહીં.

વ્યવસાયાત્મિકા બુદ્ધિરેકેહ કુરુનન્દન ।

બહુશાખા હ્યનન્તાશ્ચ બુદ્ધયોઽવ્યવસાયિનામ્ ॥

(ગીતા - ૨/૪૧)

નિરાશી એટલે 'નિ: આશી:' એટલે ભોગવાસનાઓનો ત્યાગ.

અપરિગ્રહ: એટલે ભોગનાં સાધનોનો ત્યાગ.

એકાકી રહસિ સ્થિત: | એકાંતનો અર્થ એકલાપણુ નહીં. Isolation, loneliness નહીં. એકાંત એટલે Aloneness. એકાંતનો અર્થ સ્વયંમાં હોવું. એકાંતનો અર્થ બીજાઓની અનુપસ્થિતિ એવો નથી. એકાંતનો અર્થ બીજાઓની ઉપસ્થિતિમાં પણ અંતઃકરણમાં કોઈ ડામાડોળ નહીં. એકાંતમાં પણ માણસ એકલો ન રહી શકે. અંતઃકરણમાં ડોકિયું કરીંને જુઓ તો તેમાં ઘણા બધા બેઠા હશે જેને તમે છોડીને એકાંતમાં બેઠા છો.

એકાંતનું રહસ્ય જે સમજે છે તે તો ભીડમાં, બજારમાં, મેળામાં પણ એકાંતમાં હોય છે. ભીડમાંથી ભાગી જવું સહેલું છે પરંતુ અંતઃકરણમાં ભરાયેલી ભીડને બહાર કાઢવું બહુ કઠણ છે - એકાંતમાં પ્રભુનું ધ્યાન કરવું એટલે માત્ર કોઈ જંગલ, પહાડ કે ગુફામાં જ નહીં, અંતરહૃદયની ગુફામાં ધ્યાન કરાય. પથ્થર તોડીને ગુફા બનાવવી સહેલી છે. અંદર હૃદયાકાશની ગુફા ખોદવી મુશ્કેલ છે. જેટલી મોટી અંતરગુફા છે તેટલું મોટું તો આકાશ પણ નથી. અંતરગુફામાં ઊંડે ઊંડે જાઓ તો છેવટે તમે પણ ના રહો, માત્ર એકાંત જ રહે. તમારી મોજુદગી પણ એકાંત હોવામાં બાધારૂપ છે. તમે છો તેનો પણ પત્તો ના લાગે તેવા એકાંતમાં જ ધ્યાન થાય અને પ્રભુમિલન થાય. મિલન શું થાય! અરે તમે પોતે જ પરમાત્મા છો તેની અનુભૂતિ, આનંદની ઝલક આવે. પરમાત્માને તમે જાણતા જ નથી ત્યાં સુધી ધ્યાન તમે કોનું કરવાના? પંચકોશમાંથી અધ્યાસ છૂટે ત્યારે ધ્યાન થાય. નિષ્કમ્પ ચિત્ત અને સમત્વમ પ્રાપ્ત થાય ત્યારે ચારે બાજુ પરમાત્મા જ દેખાય. નિષ્કમ્પ ચિત્ત અને સમત્વમ પ્રાપ્ત થાય ત્યારે ચારે બાજુ પરમાત્મા જ દેખાય. ત્યારે પોતાને પણ ખોળ્યો ના જડે. સારી દુનિયા ખોવાઈ જાય અને Inner aloneness પ્રાપ્ત થાય.

અંતરગુફામાં પ્રવેશ કરવાની વિધિનું નામ યોગ. અંતરગુફામાં પ્રવેશ કર્યા પછી જે ધ્યાન છે તે અનુભૂતિ છે, પ્રતીતિ છે. સાક્ષાત્કાર છે. એકલા પડો તે 'એકલતા' લાગે નહીં પણ 'એકતા' લાગે ત્યારે ધ્યાન થઇ શકે.