શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૬

આત્મસંયમ યોગ

અથવા યોગિનામેવ કુલે ભવતિ ધીમતામ્ ।
એતદ્ધિ દુર્લભતરં લોકે જન્મ યદીદૃશમ્ ॥૪૨॥

અથવા યોગિનામ્ એવ કુલે ભવતિ ધીમતામ્

એતત્ હિ દુર્લભતરમ્ લોકે જન્મ યત્ ઈદૃશમ્

યત્ - જે

ઈદૃશમ્ - આ પ્રકારનો

જન્મ - જન્મ છે

એતત્ - એ

હિ - ખરેખર

દુર્લભતરમ્ - અતિ દુર્લભ છે.

અથવા - અથવા

ધીમતામ્ - જ્ઞાનવાન

યોગિનામ્ - યોગીઓના

એવ - જ

કુલે - કુળમાં

ભવતિ - જન્મે છે (અને)

લોકે - લોકમાં

તે યોગભ્રષ્ટ મનુષ્ય પુણ્યકર્મ કરનારાઓના લોકને પામી, ઘણા વર્ષો સુધી (ત્યાં) રહી પછી પવિત્ર શ્રીમંતોને ઘેર જન્મે છે. (૪૧)

અથવા બુદ્ધિમાન યોગીઓના જ કુળમાં જન્મે છે; ખરેખર લોકમાં આવો જે આ જન્મ તે અતિ દુર્લભ છે. (૪૨)

ભાવાર્થ

અર્જુનનો પ્રશ્ન છે કે હું સંસારના તમામ ભોગો છોડી દઉં અને યોગસાધનામાં આખી જિંદગી લાગ્યો રહુ છતાં પણ યોગસાધના અધૂરી રહી, પૂરેપૂરી સાધી લીધા પહેલા દેહ છૂટી જાય તો હું યોગભ્રષ્ટ થાઉં તો પછીના જન્મોમાં મારી શી દશા થાય?

આ સવાલના જવાબમાં ભગવાન જે ખુલાસો શ્લોક ૪૧ - ૪૨માં કરે છે તે ખુલાસો અત્યંત અદ્ભૂત અને એક બહુ જ ગહન વિજ્ઞાન સાથે સંબંધિત છે.

જેની યોગસાધના અધૂરી રહી છે, પૂર્ણતાને પ્રાપ્ત થઇ નથી તેવા યોગભ્રષ્ટ વ્યક્તિની ચેતના અપરિસીમ સુખોને ઉપલબ્ધ થાય છે. આ અપરિસીમ સુખોની સંભાવનાઓનું જે જગત છે તેને સ્વર્ગ કહે છે. પરંતુ સ્વર્ગના સુખો ગમે તેટલા મોટા હોય અને ગમે તેટલા લાંબા કાળ સુધીના હોય તો પણ અને તે સુખો અનંત જેવા લાગતા હોય તો પણ અનંતકાળે પણ તે સમાપ્ત તો થવાના જ અને જયારે તે સમાપ્ત થશે ત્યારે જાણે કે તે એક જ ક્ષણમાં સમાપ્ત થઇ ગયા તેવું લાગશે અને ત્યારે તે ચેતના સ્વર્ગથી મૃત્યલોકમાં પાછી આવશે.

તે તં ભુક્ત્વા સ્વર્ગલોકં વિશાલં ક્ષીણે પુણ્યે મર્ત્યલોકં વિશન્તિ ।

(ગીતા - ૯/૨૧)

અગર તો બીજો વિકલ્પ (alternative) છે કે આવો યોગભ્રષ્ટ તેની ચેતના સ્વર્ગના સુખો ભોગવવા જવાને બદલે આ લોકમાં એવા કુટુંબમાં જન્મ લે કે જ્યાં જ્ઞાનનું વાતાવરણ હોય, જ્યાં યોગની હવા (વિચારાવરણ) હોય એવા કુળમાં, પરિવારમાં તેનો જન્મ થાય જ્યાં યોગના તરંગો હોય, સાધનાના સોપાન ઉપર ચઢવાની પ્રબળ આકાંક્ષાઓ હોય, જ્યાં ચારે તરફ શુભસંકલ્પોની આગ હોય, જ્યાંથી તેની અધૂરી રહેલી યોગસાધના પૂર્ણતાના માર્ગ ઉપર આગળ વધે.

પહેલા વિકલ્પમાં જણાવ્યા મુજબ સ્વર્ગમાં જઈને સ્વર્ગીય સુખો ભોગવવામાં સમય ગાળવો તે સમય વ્યર્થ વ્યતીત કરવા બરાબર છે. સ્વર્ગ એટલે જ્યાં પ્રચુર પ્રમાણમાં નર્યા સુખો જ સુખો, ઇન્દ્રિયોના વિષયભોગો ભોગવવાના તમામ સાધનો પ્રચુર પ્રમાણમાં તાત્કાલિક (readily) ઉપલબ્ધ છે, જ્યાં દુઃખની છાંટ પણ નથી તેનું નામ સ્વર્ગ. પરંતુ ત્યાં આખરે સુખ ઉબ આવી જાય છે, બોર્ડમ થઇ જવાય છે. સ્વર્ગના સુખ નર્યા ગળ્યા - ગળ્યા હોય છે તેથી મોં ભાગી જાય છે. ત્યાંના સુખોમાં જરાપણ તીખાશ, ખટાશ, કડવાશ, ખારાશ કે મોળાશ વગેરે ષડરસ હોતા નથી, જયારે પૃથ્વીલોકના સુખો તો પાપ પુણ્ય મિશ્રિત હોવાથી સુખ દુઃખ મિશ્રિત હોય છે જેમાં લાડુની મીઠાશની સાથે ચટણી, દાળ - સંભાળની તીખાશ - ખારાશ - ખટાશ - કડવાશ પણ છે. તેથી કરીને સ્વર્ગના દેવો પણ પૃથ્વીલોકના સુખો ભોગવવાની ઈચ્છા કરે છે. શેઠિયાઓને પણ કોદાળી - પાવડા સાથે શ્રમયજ્ઞ કરીને ફોટા પડાવવાનું મન થાય છે.

એટલે સ્વર્ગમાં ગયેલાની દુર્ગતિ થયેલી ના ગણાય પરંતુ ત્યાં વિતાવેલો સમય વ્યર્થ ગુમાવ્યા બરાબર છે. જયારે પૃથ્વીલોકમાં દુઃખમાં વિતાવેલો સમય પણ creative - સૃજનાત્મક હોઈ શકે છે. તેમાં જીવનમાં કોઈ ક્રાંતિ પણ ઘટીત થઇ શકે છે. જયારે સ્વર્ગમાં સુખમાં વીતેલો સમય માત્ર ઊંઘમાં વીતેલા સમય જેવો છે. ઊંઘમાં (સુખમાં) કોઈ ક્રાંતિ, કોઈ સૃજનાત્મક કાર્ય (creative act) પેદા ના થાય. એટલા માટે સુખમાં આળોટતા શેઠિયાઓમાંથી ભાગ્યે જ કોઈ કલાકાર, ચિત્રકાર, મૂર્તિકાર પેદા થાય છે. માત્ર બિસ્તર પણ પડ્યા પડ્યા ટાઈમ પાસ કરવા માટે દારૂ પીને સંગીત સાંભળતા સાંભળતા અને નાચગાન દેખતા દેખતા ઊંઘી જનારા લોકો પેદા થાય છે. સુખમાં creative activityને બદલે stagnancy આવી જાય છે. સ્વર્ગમાં તો કલ્પવૃક્ષ અને કામધેનુ ગાયો હોવાથી જરાપણ હાથપાંગોઠા હલાવવા પડતા નથી તેથી તે બધા બુદ્ધિ સહિત કાટ ખાઈ જાય છે.

સંસાર ચાર રસ્તા છે. મૃત્યુલોકમાંથી મોક્ષમાર્ગ ઉપર જનાર માણસ મોક્ષ સુધી પહોંચતા પહેલા કદાચ દેહ છોડી દે તો તે યોગભ્રષ્ટ પુરુષ સ્વર્ગમાં જાય, નર્કમાં નહીં. સ્વર્ગના સુખો ભોગવતા ભોગવતા જયારે તેની પુણ્યઈ ખલાસ થઇ જાય ત્યારે તે પાછો સંસારમાં આવે છે અને સ્વર્ગમાં વિતાવેલો સમય વ્યર્થ જાય છે.

સત્કર્મો કરીને જો તમે તેને તમારા અહંકારના આભૂષણો બનાવશો તો તે નવા કર્મબંધનો ઉભા કરશે અને તે સત્કર્મોના ફળ રૂપે સ્વર્ગીય સુખો ભોગવવા સ્વર્ગમાં રહીને વ્યર્થ સમય ગુમાવીને મોક્ષમાર્ગ ચૂકી જવાશે તેનું ખાસ ધ્યાન રાખવું.