શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૬

આત્મસંયમ યોગ

શ્રીભગવાનુવાચ ।
અસંશયં મહાબાહો મનો દુર્નિગ્રહં ચલમ્ ।
અભ્યાસેન તુ કૌન્તેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે ॥૩૫॥

અસંશયમ્ મહાબાહો મન: દુર્નિગ્રહમ્ ચલમ્

અભ્યાસેન તુ કૌન્તેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે

શ્રી ભગવાન બોલ્યા:

તુ - પરંતુ

કૌન્તેય - હે અર્જુન !

અભ્યાસેન - અભ્યાસ વડે

ચ - અને

વૈરાગ્યેણ - વૈરાગ્ય વડે

ગૃહ્યતે - (તે) વશ કરાય છે.

મહાબાહો - હે મહાબાહો !

મન: - (આ) મન

ચલમ્ - ચંચળ (અને)

દુર્નિગ્રહમ્ - વશ કરવું મુશ્કેલ (છે)

અસંશયમ્ - (એમાં) સંશય નથી,

હે મહાબાહો ! ખરેખર મન ચંચળ અને વશ કરવું મુશ્કેલ છે; તો પણ હે કૌંતેય ! અભ્યાસ અને વૈરાગ્ય વડે તે વશ કરાય છે. (૩૫)

ભાવાર્થ

આ શ્લોકની પહેલી જ લીટીમાં ભગવાન પોતે કબૂલ કરે છે કે મન ચંચળ છે, દુનિર્ગ્રહ છે તેમાં શંકા નથી પરંતુ અભ્યાસ અને વૈરાગ્યરૂપી સાણસીનાં બે પાંખીયાથી તેને પકડી શકાય છે.

મહર્ષિ પતંજલિ કહે છે કે, 'અભ્યાસવૈરાગ્યાભ્યાં તન્નિરોધઃ |

રાગ એટલે સંસાર તરફની યાત્રાનો માર્ગ. વૈરાગ્ય એટલે સંસાર તરફ પીઠ ફેરવીને સ્વયં પોતાના ઘર તરફ (નિજી સ્વરૂપ તરફ) વળવાનો માર્ગ. વૈરાગ્ય એટલે રાગાત્મક જગત પ્રત્યે વિતૃષ્ણા (frustration). બકરી (માણસ) જેટલી વખત ઘાસ ખાવા (ભોગો ભોગવવા) મોઢું ઘાલે તેટલી વખત તેને લબોચું તૂટી જાય તેવી લમણામાં અડબોથો પડે ત્યારે આવા સતત માર ખાવાના અભ્યાસથી વૈરાગ્ય વિતૃષ્ણા જન્મે.

આપણને કદીક કદીક ક્ષણિક વૈરાગ્ય થાય છે. પરંતુ તેનો સતત અભ્યાસ નહીં રહેવાથી તે વૈરાગ્ય ટકતો નથી. આવો ક્ષણિક વૈરાગ્ય જૂના રાગને વિદાય કરીને નવા રાગનું નિર્માણ કરે છે. એક સ્ત્રી પ્રત્યે વિરક્ત થવું તે સામાન્ય ઘટના છે. પરંતુ સ્ત્રીમાત્ર પ્રત્યે વિરક્ત થવું તે અસામાન્ય ઘટના છે. કોઈ એક સુખની વ્યર્થતા, નિરર્થકતા સમજાય તે સામાન્ય વાત છે. પરંતુ સંસારના તમામ સુખોની નિરર્થકતા સમજાય તે સાચો વિવેક, વૈરાગ્ય કહેવાય.

સર્વં દુઃખમેવ વિવેકિનઃ | (પતંજલિ)

આપણે એક સુખને વ્યર્થ માનીને છોડીએ છીએ ત્યાં તો બીજા સુખનું નિર્માણ કરવા દોડીએ છીએ. સો વરસ જીવવા છતાં જો સાચા સુખની અનુભૂતિ ના થઇ તો પછી આટલા બધા વરસ જીવીને નાહક વિષાદ જ વહોર્યા કરવાનો શો અર્થ. અનેક વર્ષ જીવ્યા પરંતુ જીવવાનું સાચું સુખ માણ્યું નહીં અને અનેક વખત મરી ચૂક્યા પરંતુ મરણનું દુઃખ જાણ્યું નહીં તો પછી જે સુખોને ખોળ્યા તેમાંથી દુઃખ જ એકઠું કર્યું.

યયાતિ રાજાને સંસારના સુખોની નિરર્થકતા ઘણા લાંબા સમયના અભ્યાસ પછી વૈરાગ્ય દ્વારા સમજાઈ અને ત્યારે તે બોલ્યો કે -

ન જાતુ કામઃ કામાનામ ઉપભોગેને શામ્યતિ |

હવિષા કૃષ્ણવર્ત્મેવા ભૂય એવ અભિવર્ધતે ||

(શ્રીમદ્ ભાગવત - ૯/૧૯/૧૪)

ખરો વૈરાગ્ય એને થયો કહેવાય કે જે એક રાગની વ્યર્થતામાં સમસ્ત રાગોની વ્યર્થતા જોવાને સમર્થ હોય. પરંતુ દગાખોર મન અનેક વખત દુઃખનો અનુભવ કરવા છતાં વૈરાગ્યને ઉપલબ્ધ થતું નથી. જે ચહેરા સુંદર દેખાય છે તે અસલમાં સુંદર નથી, તે ચામડીની નીચે લોહી, પાચ, પરુ, માંસ, દુર્ગંધ છુપાયેલી છે.

વૈરાગ્યનો સાચો અર્થ એ કે હવે મને સંસારની કોઈ પણ ચીજ આકર્ષિત કરી શકતી નથી.

સહજ બિરાગ રૂપ મન મોરા - (રામ ચરિત માનસમાં જનક કહે છે.)

વિકાર હેતો: સતિ વિક્રિયન્તે યેષામ ન ચેતાંસિ

વિકાર પેદા થાય તેવા પદાર્થો પ્રચુર પ્રમાણમાં હાજરાહજૂર મોજૂદ હોવા છતાં જેના મનમાં જરા પણ વિકાર પેદા ના થાય તેનું નામ વૈરાગ્ય.

જાનીય તબહિ જીવ જબ જાગા, જબ સબ વિષય વિલાસ બિરાગા.

રમા વિલાસુ રામ અનુરાગી, ત્યજત બમન જિમી જન બડભાગી.

(માનસ)

વૈરાગ્યનો ખરો અર્થ એ છે કે -

૧. સંસારમાં એવી કોઈ ચીજ નથી કે જેને માટે હું જીવવાની ચાહના કરું; અગર

૨. સંસારમાં એવી કોઈ વસ્તુ એવી નથી કે જેના વગર મને મારુ જીવન વ્યર્થ લાગે.

૩. વસ્તુઓ માટે નહિ, બીજા કોઈ માટે પણ નહિ, હવે મારુ આકર્ષણ જો કાંઈ પણ હોય તો તે સ્વયંને માટે જ - આત્મસ્વરૂપ માટે જ. હું હવે તે જ જાણી લેવા માંગુ છું કે જેમાં આત્યંતિક સુખની - આનંદની પ્રાપ્તિ અને સમસ્ત દુઃખની નિવૃત્તિ છે.

૪. વૈરાગ્યનો અર્થ છે કે વિષયોમાંથી મુક્તિ - અને સ્વયંની તરફ યાત્રા.

આપણને વૈરાગ્યની નાનો - મોટો અનુભવ કોઈ કોઈ વખત થઇ આવે છે પરંતુ તેનો અભ્યાસ નહીં રાખવાથી તે વૈરાગ્ય ટકતો નથી. રાગનો અનુભવ થાય છે તેનો સતત અભ્યાસ આપણે જારી રાખીએ છીએ પરંતુ તેવો અભ્યાસ વૈરાગ્યની બાબતમાં કરતા નથી. વૈરાગ્યને સ્થિર કરવાનો ઉપાય અભ્યાસ છે.

આ જગતના કોઈ પણ પદાર્થ, પ્રાણી, વસ્તુમાં સુખની છાંટ પણ નથી, માત્ર સુખની ભ્રાંતિ છે આ જાતની દ્રઢ સમજણ, પ્રતીતિ થવી તેનું નામ વૈરાગ્ય. દરેક કામવાસનાની પાછળ વિષાદમાં મન પટકાય છે, ચિત્ત ગ્લાનિ અનુભવે છે, વૈરાગ્યની ક્ષણ ઉપલબ્ધ થાય છે. પરંતુ તે વખતે ગહેરાઈથી વિચાર નહીં કરવાથી, તેનો અભ્યાસ નહીં કરવાથી વૈરાગ્ય ટકતો નથી; જયારે કામવાસનાને માટે આપણો અભ્યાસ સતત ચાલુ રહે છે. સિનેમા જોતી વખતે, રેડીયો સાંભળતી વખતે, ડિસ્કો ડાન્સ નિહાળતી વખતે, કચરાપટ્ટી નોવેલ વાંચતી વખતે, કામી પુરુષો સાથે મજાક - મશ્કરીઓ કરતી વખતે રાગનો અભ્યાસ સતત ચાલુ રહે છે.

જીવનમાં રાગ અને વૈરાગ્ય બંનેની ક્ષણો વારંવાર અનેકવાર ઉપલબ્ધ થાય છે અને જીવન તમને વૈરાગ્ય પ્રાપ્ત કરવાનો અવસર પણ આપે છે. છતા માણસ વૈરાગ્યને બદલે રાગ વધે તેનો અભ્યાસ કરવાનો ઇંતેજામ કરે છે. જેટલી ચીવટથી અને તમન્નાથી તમે રાગનો અભ્યાસ કરો છો તેટલી ચીવટ અને તમન્નાથી વૈરાગ્યનો અભ્યાસ કરવો પડે. જીવનમાં રાગ અને વૈરાગ્યનો એક જ રોડ - માર્ગ છે. ફક્ત તમારી રોડ ઉપર ચાલવાની દિશા બદલવાની જરૂર છે. તમારું મોં ઉલટી દિશામાં Round about turn કરવાની જરૂર છે.

વૈરાગ્યને ઓળખવા માટે પણ મનને ચાન્સ, મોકો આપો. વૈરાગ્યને સ્થિર કરવા માટે વૈરાગ્યની ક્ષણોનો પૂરેપૂરો ઉપયોગ કરો. જીંદગીમાં જેટલી ક્ષણો રાગની આવે છે તેટલી ક્ષણો વૈરાગ્યની પણ આવે છે. જિંદગીમાં જેટલા દિવસ ઉગે છે તેટલી જ રાત પણ પડે છે. દરેક રાગની પાછળ ને પાછળ વૈરાગ્ય જોડાયેલો હોય છે, અનુપાત બરાબર હોય છે. વૈરાગ્યનો અભ્યાસ કરવો હોય તો ભૂતકાળમાં ભોગવેલા સુખો તરફ દ્રષ્ટિ કરો અને જુઓ કે તમે શું સુખ પ્રાપ્ત કર્યું અને તેની સામે કેટલું દુઃખ ભોગવ્યું. તો પછી સમજાશે કે ભવિષ્યના સુખને માટે શું લાળ પાડો છો.

પરમાત્માને પ્રાપ્ત કરવા એ તો સ્વભાવને (પોતાના નિજી ભાવને સ્વરૂપને) પ્રાપ્ત કરવાનું છે અને તેને માટે તો અભ્યાસની કોઈ જરૂરત નથી. આપણે તો પરમાત્માને ખોવાનો અભ્યાસ કરીએ છીએ, માત્ર પરમાત્માને ખોવાનો અભ્યાસ ના કરો તો તમે પરમાત્માને પામશો. પરંતુ પરમાત્માને ખોવાનો અભ્યાસ ના કરવો એ જ બહુ મોટો કઠણ અભ્યાસ છે, અને તેમાં જ તમામ વૈરાગ્યની સાધના સમાયેલી છે.