Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૬

આત્મસંયમ યોગ

શ્રીભગવાનુવાચ । - શ્રી ભગવાન બોલ્યા
અનાશ્રિતઃ કર્મફલં કાર્યં કર્મ કરોતિ યઃ ।
સ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર્ન ચાક્રિયઃ ॥૧॥

અનાશ્રિતઃ કર્મફલમ્ કાર્યમ્ કર્મ કરોતિ યઃ

સ: સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિ: ન ચ અક્રિયઃ

યોગી - યોગી (છે)

ચ - પણ

નિરગ્નિ: - અગ્નિને ત્યજનારો

ન - (સંન્યાસી) થતો નથી;

ચ - તેમ

અક્રિયઃ - ક્રિયાનો ત્યાગ કરનારો

ન - (યોગી) થતો નથી.

યઃ - જે (પુરુષ)

કર્મફલમ્ - કર્મફળમાં

અનાશ્રિતઃ - આસક્તિરહિત

કાર્યમ્ - કર્તવ્ય

કર્મ - કર્મ

કરોતિ - કરે છે,

સ: - તે

સંન્યાસી - સંન્યાસી

ચ - અને

જે (મનુષ્ય) કર્મફળનો આશ્રય ન કરી કર્તવ્ય કર્મ કરે છે, તે 'સંન્યાસી' અને 'યોગી' છે; પણ અગ્નિરહિત એટલે કે કર્તવ્યકર્મનો ત્યાગ કરનારો અને નિષ્ક્રિય થઈને બેસી રહેનારો સંન્યાસી કે યોગી નથી. (૧)

ભાવાર્થ

સંન્યાસી અને યોગીના લક્ષણો ભગવાન બતાવે છે.

૧. અનાશ્રિત: કર્મફલમ્ - જે કર્મના ફળની ચાહના, આસક્તિ રાખતો નથી.

૨. કાર્યમ્ કર્મ કરોતિ ય: | - જે કરવા યોગ્ય તમામ કર્તવ્યકર્મો કરે છે.

૩. ન નિરગ્નિ: | - માત્ર અગ્નિનો જ ત્યાગ કરનારો નહીં.

૪. ન ચ અક્રિય: | - માત્ર ક્રિયાઓનો ત્યાગ કરનાર નહીં.

સંન્યાસનો અર્થ એવો નથી કે જેમાં સંસારવિમુખ ધારા હોય. સંસારનો વિરોધ, શત્રુતા, જીવનનો નિષેધ, જે બધું જ છોડી દે, કર્મ છોડે, ઘર છોડે, જીવનનું આખું રૂપ છોડે, નિષ્ક્રિય થઇ જાય, પલાયનવાદમાં ફસાય, જીવનથી હટી જાય વગેરે, સંન્યાસનો આ ખોટો અર્થ છે.

કામ કરે, સતત કરવા યોગ્ય કર્તવ્ય કર્મો કરે તે સાચો સંન્યાસી અને સાચો યોગી કહેવાય. નવરો બેસી રહે, મફતનું ખાય અને મસીદે સૂવે તે સંન્યાસી પણ નહીં અને યોગી પણ નહીં.

સંન્યાસમાં કર્તવ્યકર્મ છોડવાનું નથી. કરવા યોગ્ય કર્મ છોડે તે તો અક્કરમી કહેવાય. કર્મના ફળની આકાંક્ષા, આસક્તિ છોડીને જે કરવા યોગ્ય તમામ કર્તવ્ય-કર્મ કરે તે સાચો સંન્યાસી, યોગી કહેવાય.

સંન્યાસ એટલે અંતઃકરણનું રૂપાંતર , Inner transformation. બાહ્યરૂપે કર્મ છોડી દે અને અંતરમાં કર્મફળની આકાંક્ષા, આસક્તિ રાખે તે સંન્યાસી ના કહેવાય. કર્મ છોડી દેવું તો બહુ જ સહેલું છે. તે તો આળસુ માણસ પણ કરી શકે. આવા સંન્યાસની ખોટી ધારણાથી તો આખો સમાજ આળસુ થઇ જાય.

આ જગતમાં કોઈને કશું જ કર્મ કરવું નથી. પરંતુ કર્મ ના કરે તો ફળ મળતું નથી. તેથી ફળ મેળવવાની લાલચમાં કર્મ કર્યા વગર જો મફતિયા જે જોઈએ તે મળી જતું હોય તો દરેક માણસ સંન્યાસી થઇ જવા તૈયાર છે. પરંતુ કર્મ કર્યા વગેરે જે જોઈએ તે મળતું નથી માટે ફળની લાલચમાં બધા સંસારી માણસો રાતદિવસ કર્મ કરે છે, ના છૂટકે કર્મ કરવું પડે છે.

સંન્યાસમાં તેથી ઉલ્ટું છે, સંન્યાસમાં કર્તવ્ય, કરવા યોગ્ય કર્મ તો કરવું જ પડે. પરંતુ તેના ફળની આકાંક્ષા છોડવી પડે. પરંતુ ફળની આકાંક્ષા છોડી દઈને માત્ર કર્તવ્ય - કર્મ કરવાની કોઈની દાનત નથી. એટલા માટે ગીતામાં વર્ણવેલો સંન્યાસ લેવો અઘરો પડે છે. એવો કોણ નવરો હોય જે કર્તવ્યકર્મ પૂરેપૂરી રીતે કરે અને ભૌતિક સુખોના ફળની આશા ના રાખે? (ગાંધીજી, રવિશંકર મહારાજ જેવા કોક નીકળે)

કૃષ્ણનો કહેલો સંન્યાસ અઘરો છે, અને અદ્ભૂત છે. સંન્યાસ એટલે જીવનનો ત્યાગ નહીં પરંતુ જીવનનો પરમ ભોગ. ફળની આકાંક્ષાઓ કરનારની કોઈની આકાંક્ષાઓ પૂરેપૂરી સંતોષાઈ નથી, બલકે આકાંક્ષાની વલૂર વધતી ગઈ છે. પરંતુ જેમણે ફળની આકાંક્ષાઓ છોડીને માત્ર ઈશ્વરપ્રીત્યર્થે નિષ્કામભાવે કર્તવ્યકર્મ કર્યા જ કર્યું છે. તેની જીવનને સુંદર રીતે જીવવાની આકાંક્ષા તૃપ્ત થઇ છે. તેનું કર્તવ્યકર્મ જ ફળ બની જાય છે. કર્તવ્યકર્મ જ તેના જીવનનો રસ બની જાય છે.

વાસનાઓ, આકાંક્ષાઓથી ભરપૂર જે માણસ જીવન જીવે છે, તેના જીવનમાં આખરે ખાલીપણું, emptiness, frustration અને વિષાદ છવાઈ જાય છે. ઈશ્વરપ્રીત્યર્થે નિષ્કામભાવે કર્તવ્યકર્મ કરતા કરતા જીવન જીવવામાં જે આનંદ છે તે આનંદ વાસનાઓ - ઇચ્છાઓથી ઘેરાયેલા જીવનમાં, કર્તવ્યકર્મથી વિમુખ થઈને જીવવામાં નથી.

સંન્યાસી એટલે ભાગેડુ નહીં, escapist નહીં, પલાયનવાદી નહીં. જ્યાં જ્યાં દુઃખ, પીડા, તકલીફ દેખે ત્યાંથી ભાગે તેને સંન્યાસી ના કહેવાય. દુઃખ, પીડા, તકલીફ કોઈ સ્થાનમાં, પરિસ્થિતિમાં કે કર્મમાં નથી પરંતુ તે કર્મના ફળની વાસનામાં છે. વાસના, ઈચ્છા, આકાંક્ષા પુરી થતી નથી તેથી દુઃખ પીડા તકલીફ થાય છે. સંન્યાસ એટલે પરિસ્થિતિનું પરિવર્તન નહીં પરંતુ મન:સ્થિતિનું રૂપાંતરણ છે.

બજારમાં, દુકાનમાં બેસો કે જંગલમાં, મંદિરમાં બેસો, પણ જો મન વાસનાઓથી ઘેરાયેલું હશે તો માત્ર પરિસ્થિતિ બદલવાથી ક્યાંય શાંતિ નહીં મળે. મન:સ્થિતિનું રૂપાંતરણ નહીં થાય તો મંદિરમાં - જંગલમાં - સંન્યાસમાં પણ દુઃખ તમારી સામે આવીને ઉભું રહેશે. જે વાસનાઓમાં, ઈચ્છાઓમાં, કામનાઓમાં જીવે છે તેના ચિત્તમાં સતત દુઃખ ઉભરાતું હોય છે. કોઈ સ્થાનમાં કે પરિસ્થિતિમાં દુઃખ નથી, આકાંક્ષાઓથી ઉભરાતા ચિત્તમાં દુઃખ છે.

માણસ સંસાર છોડીને (કર્તવ્યકર્મ છોડીને) ભાગે છે. પરંતુ વાસનાને છોડીને ભાગતો નથી. એટલું જ નહીં પરંતુ તે કશીક કશીક વાસનાઓને માટે જ (વગર મહેનતે મફતિયું ખાવા માટે, અગર લોકોમાં યશ, કીર્તિ, પૂજ્યભાવ પ્રાપ્ત કરવાની વાસનાથી) સંસાર છોડીને સંન્યાસી થાય છે. કોઈ પણ પ્રકારની વાસના, ઈચ્છા વગર સંસાર છોડીને ભાગનાર ભાગ્યે જ કોઈ જોવા મળશે.

માણસ કશુંક મેળવવા માટે કશુંક છોડતો હોય છે. પેંડા મેળવવા પૈસા છોડતો હોય છે. સિનેમા જોવા માટે દુકાન છોડતો હોય છે. આ જીવનનું અર્થશાસ્ત્ર - Economics છે. શું મેળવવા સંસાર છોડીને માણસ સંન્યાસ લે છે તેનો વિચાર કરો. એક ઈચ્છા પૂરી કરવા બીજી ઈચ્છા છોડવી પડે છે, અને ઈચ્છાઓનો કોઈ અંત નથી. તમામ ઈચ્છાઓ, વાસનાઓના ત્યાગનું નામ સંન્યાસ.

સંન્યાસમાં તમામ ઈચ્છાઓ, કામનાઓ, વાસનાઓ છૂટે અને છતાં કર્મ ના છૂટે. કરવા યોગ્ય કર્તવ્યકર્મ ચાલુ રહે અને માત્ર ગલત કર્મ છૂટી જાય તે ખરો સંન્યાસ. ઘરમાં રહીને પણ માણસ સંન્યાસી થઇ શકે.

વનેऽપિ દોષાઃ પ્રભવન્તિ રાગિણામ્‌ ગૃહેऽપિ પંચેન્દ્રિયનિગ્રહસ્તપઃ।

અકુત્સિતે કર્મણિ યઃ પ્રવર્તતે નિવૃત્તરાગસ્ય ગૃહમ્‌ તપોવનમ્‌॥

નિરગ્નિ: |

કૃષ્ણના જમાનામાં અગ્નિ છોડવો તે એક મહાન ઘટના ગણાતી. આજના જમાનામાં જેમ આપણે કહીએ કે યંત્રનો ઉપયોગ છોડી દઈએ તો આખું જીવન અટકી પડે. પછી તો ટ્રેન, મોટર, સ્કૂટર, એરોપ્લેન વગેરેમાં બેસી ના શકાય, ગેસના ચૂલે રસોઈ ના થાય, માઈકમાં બોલી ના શકાય, ચશ્મા પહેરી ના શકાય, મિલનાં કપડાં પહેરી ના શકાય. લાઈટ, પંખો, ફ્રીઝ, રેડીયો, ઈસ્ત્રી, હજામત બધું યંત્રને આધીન છે. તેવું કૃષ્ણના જમાનામાં અગ્નિને આધીન હતું. ભોજન, જીવનની સુરક્ષા, જીવનની વ્યવસ્થા તે જમાનામાં અગ્નિને આધીન હતું. હાલના જમાનામાં જૈન મુનિઓ યંત્રનો ઉપયોગ નથી કરતા. માત્ર એટલા જ કારણથી તેઓ સંન્યાસી છે તેમ ના કહેવાય.

અક્રિય: |

આકાંક્ષા છોડીને યુદ્ધ કરે તે યુદ્ધ પણ સંન્યાસ કહેવાય. યુદ્ધ છોડીને અક્રિય બને તે સંન્યાસ નહીં, સંન્યાસ એટલે સમર્પણ. નિષ્કામ કર્મ કરો, તમારી આકાંક્ષાઓ પરમાત્મા પૂર્ણ કરશે જ. Don’t be wise. God knows your demands earlier than what you know. જે છોડી દે છે તેને બધું જ મળે છે.

૧૮ માં અઘ્યાયનાં પહેલા શ્લોકમાં અર્જુને ભગવાનને પૂછ્યું કે મને સંન્યાસ અને ત્યાગનું તત્ત્વ સમજાવો. તેના જવાબમાં બીજા શ્લોકમાં ભગવાને કહ્યું કે :

કામ્યાનાં કર્મણાં ન્યાસં સન્ન્યાસં કવયો વિદુઃ ।

સર્વકર્મફલત્યાગં પ્રાહુસ્ત્યાગં વિચક્ષણાઃ ॥

(ગીતા - ૧૮/૨)

કામ્ય કર્મોના ન્યાસને સંન્યાસ કહેવાય અને તમામ કર્મોના ફળના ત્યાગને ત્યાગ કહેવાય.

પોતાના ભોગવિલાસ વધારવા માટે જ કર્મો કરવામાં આવે તે કામ્ય કર્મો કહેવાય અને તેનો ત્યાગ કરવો તે સંન્યાસ કહેવાય. જયારે સંપૂર્ણ તમામ કર્મોના ફળનો ત્યાગ કરવો તેનું નામ 'ત્યાગ' કહેવાય. સાચો સંન્યાસી સંપૂર્ણ કર્મોનો ત્યાગ કરતો નથી પરંતુ પોતાના ભોગ વધારવા માટે જે સકામ કર્મો કરવાના હોય છે તેનો જ સમજપૂર્વક ત્યાગ (ન્યાસ) કરે છે, એટલે કે છોડી દે છે. સંન્યાસમાં કામ્યકર્મોનો જ નિષેધ કરવામાં આવ્યો છે, નિષ્કામ કર્મોનો નહીં. કામ્ય કર્મોમાં ભોગેચ્છા હોય છે.

જયારે 'ત્યાગ'નો અર્થ જુદો છે. અન્નાદિ ભોગ ના મળે તો માણસ મરી જાય. તેથી જીવનને માટે આવશ્યક ભોગ સ્વીકારવામાં દોષ નથી. ત્યાગમાં કર્મોનો ત્યાગ અભીષ્ટ નથી. કર્મ ભલે કામ્ય હોય, સકામ હોય, નિષ્કામ હોય, કોઈ પણ કર્મનો ત્યાગ નહીં કરવો પરંતુ એ કર્મોથી જે ફળ મળે તેમાં આસક્તિનો ત્યાગ કરવો જોઈએ અને એ કર્મોનું જે કાંઈ ફળ મળે તેમાંથી પોતાના જીવનનિર્વાહ પૂરતું જ માત્ર રાખીને બાકીના કર્મફળ સમષ્ટિના કલ્યાણ માટે સમર્પિત કરવા જોઈએ.

સંન્યાસમાં સકામ, કામ્યકર્મોને છોડવાના હોય છે જયારે ત્યાગમાં બધા સકામ, કામ્ય અગર નિષ્કામ કર્મો કરવાના પરંતુ તે કર્મોના ફળ જનતાના, સમષ્ટિના લાભાર્થે સમર્પણ કરવાના હોય છે.

આ રીતે ત્યાગમાં કર્મોનું ક્ષેત્ર વિસ્તૃત હોય છે જયારે સંન્યાસમાં કામ્યકર્મો કરવાનો સંભવ જ હોતો નથી. તેથી સંન્યાસ કરતા ત્યાગ સમષ્ટિના કલ્યાણ માટે શ્રેષ્ઠ છે.