સંકલ્પોથી ઉત્પન્ન થયેલી સર્વ કામનાઓ સંપૂર્ણ ત્યજી મન વડે જ ઇન્દ્રિયોના સમૂહને સર્વ તરફથી ધીરજથી વશ કરેલી બુદ્ધિ વડે ધીમે ધીમે વિષયોથી અટકવું અને મનને આત્મામાં સારી રીતે સ્થિર કરી કંઈ પણ ચિંતવવું નહીં. (૨૪,૨૫)
ભાવાર્થ
આત્મયોગ પ્રાપ્ત કરવાના ઉપાયો પરમાત્મા બતાવે છે.
૧. સર્વાન્ કામાન્ અશેષત: ત્યક્ત્વા - તમામ કામનાઓનો પરિપૂર્ણત્યાગ
૨. ઇન્દ્રિયગ્રામમ્ સમન્તતઃ વિનિયમ્ય - તમામ ઇન્દ્રિયો ઉપર તમામ પ્રકારે નિયંત્રણ
૩. ઉપરમેત્ બુદ્ધયા ધૃતિ ગૃહીતયા - અત્યંત ધૈર્યવાળી બુદ્ધિથી ઉપરામવૃતિ
૧. ભોગોના અગર તો બીજા વિષયોના સંકલ્પ કરવાથી મનમાં અનેક પ્રકારની કામનાઓ પેદા થાય છે, જે મનને ચંચળ અને અસ્થિર બનાવી દે છે. કામનાઓનો અશેષત: Complete - પરિપૂર્ણ ત્યાગ કરવો પડે. એક પણ કામના શેષ રહે તો તે પોતાનો વિસ્તાર કરીને મનને અધિક ચંચળ બનાવી દેશે.
૨. ઇન્દ્રિયોનો નિગ્રહ મન વડે કરવો જોઈએ. મન સહકાર ના આપે તો ઇન્દ્રિયો આપોઆપ એની મેળે શાંત થઇ જશે.
૩. સંકલ્પો, કામનાઓ, ઇન્દ્રિયો આ બધા સ્તબ્ધ થઇ જતા એક પ્રકારના ભયનો અનુભવ થશે કે જો હું વિચારશૂન્ય થઇ જઈશ તો પછી હું વિચાર કરી શકીશ કે કેમ? અને જો મારી બધી ઇન્દ્રિયો સ્તબ્ધ થઇ જશે તો પછી તે કામ કરી શકશે કે કેમ? આવો ભય પ્રતીત થાય, પેદા થાય ત્યારે બુદ્ધિનું ધૈર્ય રાખવું પડે. તમામ સંકલ્પ, કામનાઓ, ઇન્દ્રિયોના વિષયોને છોડીને પરમાત્માનું ધ્યાન કરવાથી મારુ જરાપણ અહિત - અનિષ્ટ નહીં જ થાય તેવો દ્રઢ નિશ્ચય ધૈર્યવાળી સ્થિર બુદ્ધિથી (બુદ્ધયા ધૃતિ ગૃહિતયા) કરવો પડે. અને બાહ્ય વિષયોથી ધીરે ધીરે (શનૈઃ: શનૈઃ:) ઉપરામ પામીને મનને આત્મામાં સ્થિર કરવું જોઈએ.