જયારે વશ થયેલું ચિત્ત આત્મામાં જ રહે છે અને સર્વ કામનાઓથી નિ:સ્પૃહ થાય છે, ત્યારે (મનુષ્ય) 'યુક્ત-યોગી' કહેવાય છે. (૧૮)
ભાવાર્થ
વિનિયતં ચિત્તં | એટલે વિ - નિ - યતં વિશેષ પ્રકારે નિયમપૂર્વક અનુસ્થાન દ્વારા સ્વાધીન કરેલું ચિત્ત - Totally controlled. આવું સ્વાધીન ચિત્ત 'આત્મનિ અવતિષ્ઠતે' આત્મામાં જ સ્થિર થઈને રહે છે. પતંજલિ મહર્ષિ કહે છે કે
યોગ: ચિત્તવૃત્તિ નિરોધ: | તથા દ્રષ્ટુ: સ્વરૂપે અવસ્થાનમ |
સામાન્ય રીતે આપણું ચિત્ત અનેક કામનાઓની સ્પૃહા કરતુ હોય છે. અને હાથે કરીને પોતાની જાતને ઉલઝનમાં નાખે છે. આપણે હાથે કરીને આપણી જેલની દીવાલોને મજબૂત બનાવીએ છીએ. અને આપણી હાથકડીની જંજીરોને પોલાદથી ઘડીએ છીએ. આપણે ચારેકોરથી આપણું નરક આપણે જાતે કરીને નિર્માણ કરીએ છીએ. કોઈ માણસને ગાળો દેવી હોય તો પણ તેને માટે આપણે કેટલું મોટું રિહર્સલ કરવું પડે છે, અને કેટલો પૂર્વાભ્યાસ હોય ત્યારે ગાળ દઈ શકાય છે. અશાંત થવા માટે શ્રમ કરવો પડે છે. શાંત રહેવા માટે કોઈ શ્રમની જરૂર નથી. જૂઠું બોલવા માટે મગજને બહુ કસવું પડે છે. સાચું બોલવામાં કશી તકલીફ નથી.
આ દુનિયામાં કોઈ પૂરેપૂરો - absolute બૂરો નથી અને કોઈ પૂરેપૂરો - absolute ભલો નથી. ચોવીસે કલાક કોઈ બેઈમાન રહી શકતો નથી. તમે શેતાનને ખોળવા નીકળશો તો તમને ઘણા શેતાન મળી રહેશે અને પરમાત્માને ખોળવા નીકળશો તો પરમાત્મા પણ મળી રહેશે, Just by your side, just by the corner, ત્યાં જ જ્યાં શેતાન ઉભેલો દેખાય છે કદાચ એટલો પણ દૂર નહીં. કદાચ શેતાન પણ પરમાત્માના ચહેરાને ગલત રૂપથી દેખાવાના કારણે છે. કાંટા પણ ગુલાબના મિત્ર તરીકે દેખાશે, કારણ કે કાંટા ગુલાબના રક્ષણ માટે છે. કાંટા વગર ગુલાબ થઇ જ ના શકે. દ્રષ્ટિ બદલવાની જરૂર છે. સૃષ્ટિ બદલવાની જરૂર નથી. આપણે હાથે કરીને ન જોઈતી પરેશાનીઓ ઉભી કરતા હોઈએ છીએ, એવું જણાવવા માટે કે હું પણ કંઈક છું. I am somebody. આપણે નાની નાની પરેશાનીઓને નાહક મોટું રૂપ આપી દઈએ છીએ. Magnify કરીએ છીએ. અને તેમ કરવા માટે પણ સતત અભ્યાસની જરૂર પડે છે જેને માટે આપણે જીવનની ઉમદા પળોને વ્યર્થ ગુમાવીએ છીએ.
ગુલાબ હશે તો કાંટા હોવાના જ. તળાવમાં કાદવ હોવાનો જ, પરંતુ કાદવમાં જ કમળ જન્મે છે તે સમજી લેવું. અસ્તિત્વ સમગ્ર દ્વંદ્વપરક છે. ડાંગરમાં ફોતરાં હોવાના પરંતુ ચોખાના રક્ષણ માટે છે, નકામા નથી. કાંટા ગુલાબના રક્ષણ માટે છે એવી દ્રષ્ટિ કેળવાય તો કાંટા, ફોતરાં ઉપકારક લાગશે. સર્જનહારનો સર્જેલો સંસાર અસાર નથી, પરંતુ સમ્યક સારથી ભરેલો છે. સંસાર ભલે ખારો છે પરંતુ ખારા જળમાં જ મોતી પાકે છે, મીઠા પાણીમાં નહીં.
યોગાભ્યાસ એટલે ગલત અભ્યાસને કાપવાનો અભ્યાસ. ક્રોધની શક્તિ (ઉર્જા) જ ક્ષમામાં પરિણીત (transform) થઇ શકે. કામની શક્તિ જ બ્રહ્મચર્ય બની શકે છે. લોભની શક્તિ જ દાન બની શકે. પણ તે ક્યારે? 'યદા વિનિયતં ચિતં' જયારે ચિત્તનો પૂરેપૂરો કંટ્રોલ - નિરોધ થાય તો. ગલતનો અભ્યાસ અત્યાર સુધી કર્યો તો હવે ગલતને કાપવાનો અભ્યાસ કરવો પડશે, જેને યોગાભ્યાસ કહે છે. શુભને પામવા માટે અભ્યાસની જરૂર નથી. અશુભને કાપવા માટે અભ્યાસની અને પુરુષાર્થની જરૂર છે. અશુભ વિચારોને નષ્ટ કરવાનો અભ્યાસ કરો, નિસ્પૃહ થઈને વિનિયત ચિત્તથી, તો શુભ વિચારોનો અનાયાસે ઉદય થશે, તેને માટે અભ્યાસની જરૂર નથી. પરતંત્રતાને તોડવા માટે જંજીરો તોડાવી પડે છે. પછી સ્વતંત્રતા તો સ્વાભાવિક છે જેને પ્રાપ્ત કરવા માટે જંજીરો તોડવી નહીં પડે. આપણે હાથે કરીને પરતંત્રતાની જંજીરો પહેરી છે અને પછી સ્વતંત્રતા માટે જંજીરો તોડવાની વાતો કરીએ છીએ. અરે ! તમે અનાદિ મુક્ત છો. સ્વતંત્રતા, સત્ય, શુભ, ધર્મ, પરમાત્મા એ તો તમારો સ્વભાવ છે, તેને પ્રાપ્ત કરવા કોઈ અભ્યાસ કે પુરુષાર્થની જરૂર નથી. પરંતુ તમે સ્વતંત્રતા, સત્ય, શુભ, ધર્મ પરમાત્માને ખોઈ બેસવા માટે જે ઉપાયો કર્યા છે તે ઉપાયોને કાપવા માટે, નષ્ટ કરવા માટે અભ્યાસ કરવો પડશે અને તે અભ્યાસને યોગાભ્યાસ કહે છે.
મનુષ્ય સ્વભાવે પરમાત્મા જ છે. જીવો બ્રહ્મૈવ નાપરઃ | આ નિરપવાદ ઘોષણા છે. માણસ પરમાત્માને ખોળવા નીકળે છે પરંતુ તેને એ વાતની વિસ્મૃતિ થઇ ગઈ છે કે તે સ્વયં પોતે જ પરમાત્મા છે અને તેથી તેને પરમાત્મા બીજે ક્યાંય ખોળવા જતા જડતો નથી. આ વિસ્મૃતિ (spiritual blindness) ને હટાવવા માટે જ યોગાભ્યાસની જરૂર પડે છે. પોતે અસલમાં સિંહ હોવા છતાં પોતાની જાતને ઘેટું માની બેઠો છે પોતાની મેળે. યોગ એટલે વિસ્મરણને કાપવાની વિધિ. સ્વસ્થતા તમારો સ્વભાવ છે. બીમારી છે તે તમારે લીધે છે. બીમારીને લીધે જ સ્વાસ્થ્ય શું છે તેનો ખ્યાલ આવે છે. અંધકારને લીધે જ પ્રકાશ શું છે તે સમજાય છે. અંધકાર જ પ્રકાશની જનયિત્રી છે તેમ અજ્ઞાન જ જ્ઞાનની જનયિત્રી છે.અને જ્ઞાન જે તમારો નિજી સ્વભાવ છે તેની વિસ્મૃતિ થઇ ગઈ છે તે વિસ્મૃતિ નષ્ટ થતાની સાથે જ જ્ઞાનની સ્મૃતિ આપોઆપ થાય છે. જ્ઞાનનો ઉદય થતાની સાથે જ અજ્ઞાન અંધકાર આપોઆપ નષ્ટ થાય છે. અજ્ઞાનમાંથી જ જ્ઞાન જન્મે છે અને તે જ્ઞાન થતા જ તે જ્ઞાન સૌ પ્રથમ તેની જનયિત્રી અજ્ઞાનને નષ્ટ કરે છે. જેમ વિછણના બચ્ચા જન્મતાની સાથે તે બચ્ચા સૌ પ્રથમ તેમની જનયિત્રી વીછણને જ ખાઈ જાય છે અને નષ્ટ કરે છે. ખચ્ચરી અને કાચંડી પોતાના બચ્ચાને જન્મ આપતાની સાથે પોતે મરી જાય છે, નષ્ટ પામે છે. વાંસ અને કેળને ફળ આવે કે તરત જ તેઓ નષ્ટ થાય છે. તેવી જ રીતે જ્ઞાનનો જન્મ (ઉદય) થતાની સાથે જ તેની જનયિત્રી અજ્ઞાન નષ્ટ થાય છે.
અલિ (વીંછણ) વલી (ખચ્ચરી), કર્કટ (કાચંડી) વંશ (વાંસ) રંભા (કેળ)
વિનાશ કાલે ફલીનો ભવન્તિ |