શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૬

આત્મસંયમ યોગ

યો માં પશ્યતિ સર્વત્ર સર્વં ચ મયિ પશ્યતિ ।
તસ્યાહં ન પ્રણશ્યામિ સ ચ મે ન પ્રણશ્યતિ ॥૩૦॥

ય: મામ્ પશ્યતિ સર્વત્ર સર્વમ્ ચ મયિ પશ્યતિ

તસ્ય અહમ્ ન પ્રણશ્યામિ સ: ચ મે ન પ્રણશ્યતિ

તસ્ય - તેને

અહમ્ - હું

ન પ્રણશ્યામિ - પરોક્ષ થતો નથી;

ચ - અને

સ: - તે

મે - મને

ન પ્રણશ્યતિ - અદૃષ્ટ થતો નથી.

ય: - જે પુરુષ

સર્વત્ર - સર્વ ભૂતોમાં

મામ્ - મને (પરમાત્માને) જ

પશ્યતિ - જુએ છે.

ચ - તથા

સર્વમ્ - સર્વ ભૂતોને

મયિ - મારામાં

પશ્યતિ - જુએ છે.

યોગયુક્ત અંતઃકરણવાળો અને બધે સમદ્રષ્ટિવાળો, બધા પ્રાણીઓમાં પોતાને અને પોતામાં બધા પ્રાણીઓને (રહેલા) જુએ છે. (૨૯)

જે મને બધે જુએ છે અને બધું મારામાં જુએ છે, તેને હું અદ્રશ્ય રહેતો નથી અને તે મને અદ્રશ્ય રહેતો નથી. (૩0)

ભાવાર્થ

પરમાત્મા અદ્રશ્ય નથી. આપણે આંધળા છીએ. આંધળો માણસ પણ એટલું તો સહેલાઈથી માને છે કે પ્રકાશ નામની કોઈ ચીજ છે જે તેને દેખાતી નથી. આપણે તો એટલું પણ માનવા તૈયાર નથી કે ઈશ્વર છે, ભલે તે દેખાતો નથી મારા અજ્ઞાનજનિત અંધાપાને લીધે. જે માણસો કહે છે કે પરમાત્મા અદ્રશ્ય છે તે લોકો પોતાના અંધાપાને જ ઢાંકે છે. આંખો ખુલ્લી રાખો તો પરમાત્મા દ્રશ્ય જ છે, અરે ! જે કાંઈ દ્રશ્ય છે તે બધું પરમાત્મા જ છે. જેણે સમસ્તભૂતોમાં એકનો અનુભવ કર્યો તથા જેણે સમસ્ત ભૂતોનો એકમાં અનુભવ કર્યો તેને માટે ન તો હું અદ્રશ્ય છું, ન તો તે મારે માટે અદ્રશ્ય છે.

યેન ભૂતાનિ અશેષેણ દ્રક્ષ્યસિ આત્મનિ અથો મયિ |

(ગીતા - ૪/૩૫)

પ્રત્યેક વસ્તુ વ્યક્તિનો આકાર, નામ, ગુણ અલગ અલગ છે. તમામ વસ્તુ ભિન્ન ભિન્ન છે પરંતુ તે સમગ્ર ભિન્નતાની અંદર જે અભિન્નતા દેખી શકે - Unity in diversity - તેને 'સર્વમ્ ખલુ ઇદં બ્રહ્મ' સમજાય કે જે આટ્લો બધો અનેક થઈને દેખાય છે તે અત્યંત ગહેરાઇમાં એક જ માત્ર છે.

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે.

વેદ તો એમ વદે શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ મહીં ભેદ નહોયે

ઘાટ ઘડયા પછી નામરૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોયે. (નરસિંહ)

સાચો દ્રષ્ટા હોય તેને આ દર્શન થાય અને તેવો દ્રષ્ટા દર્શનીય કહેવાય (પંડિત, વિદ્વાન, વિચારક નહી)

બધી જગ્યાએ નિર્ગુણ, નિરાકાર, અસીમ મોજૂદ છે પરંતુ આપાણી મુલાકાત સગુણ - સાકાર - સીમિત સાથે થઇ છે. આકાશની કોઈ ફ્રેમ કે ચોકઠું નથી હોતું, પરંતુ આપણી બારીની ફ્રેમ, ચોકઠું આકાશમાં જડાઈ જાય છે અને તેથી આપણી દ્રષ્ટિમાં (બારી મારફતે) નિરાકાર આકાશનો આકાર મર્યાદિત રૂપે દેખાય છે. આકાશ એક જ હોવા છતાં મકાનમાં જેટલી બારીઓ તેટલા આકાશ દેખાય છે અને બારીના કાચના જેટલા કલર તેટલા કલરનું આકાશ દેખાય છે. આપણી ઇન્દ્રિયો બારીઓ છે. આંખો સાકાર છે તેથી તે નિરાકારને દેખી શકતી નથી.આપણું શરીર ચાલતું - ફરતું મકાન છે જેમાંથી ઈંદ્રિયોઓના ઝરોખા મારફતે પ્રતિપળ બદલાતા આકારોને આપણે જોઈએ છીએ તેથી તમામ આકારોમાં રહેલા એક નિરાકારને આપણે ઓળખી શકતા નથી.

બધામાં એકને દેખશો તો એકમાં બધું દેખાશે અગર તો એકમાં બધાને દેખશો તો બધામાં એક જ દેખાશે. આ બે વાતો નથી, એક જ વાત છે, એક જ ઘટના છે.

સગુણ ઉપાસક ભક્ત હૃદય એકમાં અનેકને દેખે છે.

સગુણ - unites differences.

નિર્ગુણ ઉપાસક જ્ઞાની અનેકમાં એકને દેખે છે.

નિર્ગુણ - denies differences.

મહાવીર કહે છે, કોઈ પરમાત્મા નથી, બધું જ પરમાત્મા છે.

શંકરાચાર્ય કહે છે, માત્ર પરમાત્મા જ છે, બીજું કશું જ નથી. બ્રહ્મસત્યં જગત મિથ્યા.

મહાવીર અને શંકરાચાર્ય બંને સાચા છે.

નરસિંહ કહે છે,

જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે.

જ્ઞાની પરમાત્માના અસ્તિત્વને સિદ્ધ કરે છે.

ભક્ત પરમાત્માના અસ્તિત્વનો સ્વીકાર કરે છે.

જ્ઞાની પરમાત્માના અસ્તિત્વને સિદ્ધ કરીને છેવટે તો સ્વીકાર કરે જ છે. ભક્ત વગર સિદ્ધ કર્યે માત્ર સ્વીકાર કરે છે અને સ્વીકાર કરતાંની સાથે તેને સિદ્ધ થઇ જાય છે. જ્ઞાની પહેલા સિદ્ધ કરીને પછી સ્વીકાર કરે છે. ભક્ત પહેલા સ્વીકાર કરે છે કે તુરત જ સિદ્ધ થઇ જાય છે. ઇંદ્રિયોની પાર ગયેલી વ્યક્તિને પરમાત્મા દ્રશ્ય થઇ જાય છે કારણ કે ત્યારે નિરાકાર આકારોમાં ખંડિત નથી થતું પરંતુ નિરાકાર પોતાની સમગ્રતામાં પ્રગટ થાય છે. ઇંદ્રિયોની સીમાઓમાં નિરાકાર ખંડિત આકારોમાં દેખાય છે.