હે પાંડવ ! એ જ્ઞાન પામ્યા પછી તું ફરી આમ મોહ નહિ પામે અને તે (જ્ઞાન) વડે સર્વ પ્રાણીઓને તું (પ્રથમ) પોતામાં અને પછી મારામાં જોઇશ. (૩૫)
ભાવાર્થ
મોહનો નાશ થતા જ જ્ઞાનનો સૂર્ય ઉદય થાય અથવા જ્ઞાનનો સૂર્ય ઉદય થતા જ મોહનો નાશ થાય. મોહનો નાશ અને જ્ઞાનનો ઉદય બંને Simultaneous છે.
મોહ એટલે જીવવાની અભીપ્સા, જીજીવિષા, Lust for life અને તેની આસપાસ બીજા મોહ રહેલા છે. ધનનો, સ્ત્રી - પુત્રાદિકનો મોહ, જિજીવિષાના મોહની આસપાસ ફરે છે. ધન નહીં હોય, સ્ત્રી - પુત્રાદિક નહીં હોય તો હું કેવી રીતે બચીશ? માટે મુખ્ય મોહ જીજીવિષા - Lust for life નો છે.
ટૂંકમાં મોહ મૃત્યુની વિરુદ્ધનો સંઘર્ષ છે. પતિ - પત્ની, બાપ - દીકરો એકબીજાનો મોહ કરે છે. તે Security measure, survival measures, મૃત્યુથી બચવાના ઉપાય તરીકે કરે છે. જીવવાની પ્રબળ ઈચ્છા - આકાંક્ષા તે મોહનું ઘેરું સ્વરૂપ છે. બાકીની બધી આકાંક્ષાઓ જીવવાની આકાંક્ષામાંથી પેદા થાય છે. શરીરના બધા અંગો ગળી જાય તો પણ જીવવાનો મોહ ગળતો નથી.
શતં જીવેમ શરદ: |
સો વરસ પૂરા જીવવાની ઈચ્છા છે. મારુ પાનિયું ક્યારે કાઢશો એવી ફરિયાદ કરનારને પણ જીવવાની પ્રબળ વાસના ગુપ્ત રીતે છે. હે ભગવાન ! મને હવે ઉઠાવી લો - એવી પ્રાર્થના કરનારની પ્રાર્થના જો ભગવાન માન્ય રાખે તો ફરીથી આવી પ્રાર્થના કરનારા બીજા ખો ભૂલી જાય.
ભગવાન દયાળુ છે, તેથી આવી પ્રાર્થના સાંભળતા નથી. આપઘાત કરનાર પણ તેને જે રીતે જીવન જીવવું છે તે રીતના જીવનના અતિમોહને લીધે, જીવવાના અતિ મોહને કારણે તે મરે છે, મરવા માટે નહીં. તેનો જીવવાનો મોહ અતિગહન - Dense છે. આપઘાત કર્યા પછી વધારે સારું જીવવાનું મળે તેવા જીવન જીવવાના મોહથી તે આપઘાત કરે છે - અત્યારે જીવે છે તેના કરતા વધારે સારું જીવવાનું મળે તે માટે તે મરે છે.
જીવવા માટે જે ચીજો (ધન વગેરે) સહયોગી બને તે ચીજો માટે મોહ પેદા થાય છે. આ મોહનો ફેલાવો છે.
ન તું પુત્રસ્ય કામાય પુત્રં પ્રિયં ભવતિ |
આત્મનસ્તુ કામાય પુત્રં પ્રિયં ભવતિ ||
દીકરો છે માટે દીકરો વહાલો નથી પરંતુ મને સારું જીવવામાં મદદગાર થાય માટે અને તો જ દીકરો વહાલો લાગે છે. એવી જ રીતે
ન તું કલત્રસ્ય કામાય કલત્રં પ્રિયં ભવતિ |
આત્મનસ્તુ કામાય કલત્રં પ્રિયં ભવતિ ||
ન તું ધનસ્ય કામાય ધનં પ્રિયં ભવતિ |
આત્મનસ્તુ કામાય ધનં પ્રિયં ભવતિ ||
ન તું દેહસ્ય કામાય દેહં પ્રિયં ભવતિ |
આત્મનસ્તુ કામાય દેહં પ્રિયં ભવતિ ||
સ્ત્રી, ધન, દેહ વગેરે સારું જીવવામાં અને વધારે જીવવામાં સહયોગી થાય છે માટે અને સહયોગી થતા હોય તો જ તે વહાલા લાગે - નહીં તો કડવા ઝેર જેવા લાગે.
જ્ઞાનીઓને તો બરાબર સમજાઈ ગયું છે કે મારુ મૃત્યુ છે જ નહીં, હું તો અજન્મા અને અમર છું. તેથી તેમનો જીવવાનો મોહ અને મૃત્યુનો ભય મટી ગયો છે અને તેથી જ તેમનો જીવનની સહાયક વસ્તુઓ (ધન - સ્ત્રી - પુત્રાદિક) નો મોહ છૂટી ગયો હોય છે.
મોહ + શોક = સંસાર
સંસાર - (મોહ + શોક) = મોક્ષ
ભગવાન 'ગીતા' માં બોલ્યા છે કે
યદા તે મોહકલિલં બુદ્ધિર્વ્યતિતરિષ્યતિ ।
તદા ગન્તાસિ નિર્વેદં શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ ॥
(ગીતા - ૨/૫૨)
જીવવાના મોહને લીધે તેના મદદગાર ધન - સ્ત્રી - પુત્રાદિક વગેરેમાં આસક્તિ (મોહ) થાય છે. જ્યાં સુધી જીવવાનો મોહ, જીજીવિષા, Lust for life હશે ત્યાં સુધી અનાસક્તિ યોગ સાધ્ય થશે નહીં, અને તેથી તેનો પરિગ્રહ વધતો જ જવાનો.
પરિગ્રહી હંમેશા ભયભીત રહે છે. પરિગ્રહને સાચવવા પહેરેદાર રાખવો પડે. જ્યાં મોહ હોય ત્યાં ભય હોય, ત્યાં અહંકાર હોય. ત્યાં નિર્મમ: નિરહંકાર: ના થઇ શકાય.
અજ્ઞાન એટલે અવ્યક્ત મોહ.
મોહ એટલે વ્યક્ત અજ્ઞાન.
જીવવાના મોહના ફેલાવનું મોટું વર્તુળ બને. મારી પત્ની, મારુ ધન, મારો દીકરો, મારો બંગલા - મોટર વગેરે ફેલાવનો કોઈ અંત નથી. આખી દુનિયાનું સામ્રાજ્ય મળે તો પણ મોહ મટે નહીં. અજ્ઞાન પ્રગટ થાય તો મોહ બને. સફળ થાય તો પણ દુઃખ, અસફળ થાય તો મહાદુઃખ. મોહનું અંતિમ પરિણામ દુઃખ જ દુઃખ.
મોહ સકલ વ્યાધિન્હકર મૂલા (માનસ)
જ્ઞાન પ્રગટ થતા જ પહેલો ઘા મોહ ઉપર પડે. જ્ઞાન પ્રગટે કે તુરત જ મોહ છૂટે, મોહ તૂટે. મોહ હોય ત્યાં સુધી સાચો પ્રેમ પ્રગટ થાય નહીં. મોહ અને પ્રેમના બહુ ફર્ક છે. Love અને Lust માં બહુ તફાવત છે. મોહનો અહંકાર વિલીન થાય તો જ પ્રેમ પ્રગટે. મોહ પીગળી જાય ત્યારે વ્યક્તિ પરમાત્મા સાથે એકાકાર થઇ જાય. એકાત્મભાવ, ઐક્ય, અદ્વૈત સિદ્ધ થાય.
મોહ આપણા અહંકારની કુચેષ્ટા છે. જ્ઞાનની ધારા અંદર વહેવા માંડે કે તુરત જ મોહનો અંધકાર તૂટવા માંડે. મોહનું સમ્મોહન, હિપ્નોટાઈઝ, બેહોશીમાં મૃત્યુનો ભય રહેલો છે. આ સંમોહન તૂટે નહીં ત્યાં સુધી આત્માનો અનુભવ નહીં થાય.