અર્પણ (રૂપ ક્રિયા) બ્રહ્મ છે, હોમવાનો પદાર્થ બ્રહ્મ છે, બ્રહ્મરૂપ અગ્નિમાં બ્રહ્મરૂપ હોતાએ હોમેલું તે પણ બ્રહ્મ જ છે; આમ કર્મને લગતી બધી બાબતોમાં જે બ્રહ્મભાવે સ્થિર રહે છે તે બ્રહ્મને જ પામે છે. (૨૪)
ભાવાર્થ
જે લોકો અહંકાર - કેન્દ્રિત, ego-centric છે તેને આ શ્લોક નહિ સમજાય. તેમને બ્રહ્મ ક્યાંય દેખાતો નથી. અને દેખાવાનો પણ નથી, અહંકારના અંધાપાને લીધે.
હું અને મારાપણાના અહંકારનો અંધાપો, મોતિયો (Spiritual blindness) કાઢે તો જ egocentric illusion હટે તો બ્રહ્મ દેખાય. નહી તો આ બધું 'હું' અને 'મારુ' જ દેખાય.
In every act of observation, the observer is involved; in every act of perception, the perceiver is involved.
આ શ્લોકમાં કહે છે કે -
યજ્ઞ પણ બ્રહ્મ.
હવનની સામગ્રી પણ બ્રહ્મ.
હવનની વિધિ પણ બ્રહ્મ.
હવન કરનાર પણ બ્રહ્મ.
હવન કરાવનાર પણ બ્રહ્મ.
હવનનો મંત્ર પણ બ્રહ્મ.
હવનનો અગ્નિ પણ બ્રહ્મ.
હવનનું મૂળ પણ બ્રહ્મ.
(ગીતા - ૯/૧૬ થી ૯/૧૯ તથા ૯/૨૩, ૯/૨૪, ૯/૨૫ ઉપરનો ભાવાર્થ વાંચી જવો)
તમામ પ્રાણી - પદાર્થમાં તથા વસ્તુ - વ્યક્તિમાં બ્રહ્મ (પરમાત્મા) ક્યારે દેખાય? જયારે હું - પણું અને મારાપણાનો અહંકાર પૂરેપૂરો - Totally ખતમ થઇ જાય તો જ દેખાય. બાકી 'મને' બધાંયમાં બ્રહ્મ દેખાય તે વાત 'હું' અને 'મને' આ બે શબ્દો છે ત્યાં લગી ખોટી છે.
અહંકારનું વિસર્જન થાય તો જ બ્રહ્મનો અનુભવ થાય. બ્રહ્મનો અનુભવ, અહંકાર (મન)ના અભ્યાસથી નહી, પરંતુ અહંકાર (મન)ના વિસર્જનથી થાય. અહંકાર (હું) ના રહે અને ત્યાર પછી જે બાકી શેષ રહે તે બ્રહ્મ. હું ધ્યાન કરું છું તે વખતે ‘હું ધ્યાન કરું છું’ તેનું જે ધ્યાન રાખે છે તે બ્રહ્મ. હું (અહંકાર) મોજૂદ રહુ અને મને (અહંકારને) બ્રહ્મ દેખાય તો તે બ્રહ્મ, બ્રહ્મ નથી પરંતુ તે મનનો (અહંકારનો) ભ્રમ છે.
અહંકાર વિલીન થઇ જાય ત્યારે બધી વસ્તુઓ અને વ્યક્તિઓમાં બ્રહ્મ દેખાય એમ નહી પરંતુ બધી વસ્તુઓ, વ્યક્તિઓ જ બ્રહ્મ બની જાય.
તળાવના તળિયે બેઠેલા ઘડાને ઘડાની અંદરનું પાણી પોતાનું લાગે અને ઘડાની બહારનું પાણી તળાવનું (પારકું) લાગે પરંતુ જયારે તે ઘડાની માટી (અહંકાર) ઓગળી જાય ત્યારે ઘડાની અંદરનું અને બહારનું બધું પાણી તળાવનું જ પાણી છે તેમ નિશ્ચિત થાય. ઘડાની માટીની એક પાતળી દીવાલ (પંચકોશમાં રહેલો અધ્યાસ, અહંકાર) ઘડાની અંદર અને બહારના પાણીને અલગ અલગ હોવાનો ભ્રમ પેદા કરે છે. વાસ્તવમાં ઘડાની અંદરનું અને બહારનું પાણી એક જ તળાવનું (બ્રહ્મનું) છે. ઘડાની દીવાલ (અહંકાર) ઓગળી જતાંની સાથે જ ઘડાની અંદરનું અને તળાવનું પાણી એક થઇ જાય છે અને ઘડાની માટી (અહંકાર) પણ તળાવમાં વિલીન થઇ જાય છે.
અહંકારની પાતળી દીવાલ 'હું' અને 'મને' બ્રહ્મથી અલગ પાડી દે છે, એટલે કે અલગ પડી ગયાની ભ્રમણાને પેદા કરે છે. અહંકારની દીવાલ તૂટતાં જ હું અને બ્રહ્મ એક જ છે એવો 'અહં બ્રહ્માસ્મિ' નો અનુભવ પેદા થાય છે.
પછી તો કણકણમાં બ્રહ્મ છે એમ નહી પરંતુ કણેકણ, પ્રત્યેક કણ બ્રહ્મ છે તેવી અનુભૂતિ થાય છે. પછી કણ અને બ્રહ્મ (જગત અને બ્રહ્મ) બંને એક જ અસ્તિત્વના બે નામ છે તેમ સમજાય છે.
હરિ એવ જગત્, જગત્ એવ હરિ: |
પછી ઈશ્વર છે એમ ના કહેવાય. પરંતુ જે કઈ છે તે ઈશ્વર જ, બ્રહ્મ જ છે એમ અનુભવાય. God exists એમ ના કહેવાય પરંતુ Whatever exists is God એવું અનુભવાય.
આવી પ્રતીતિ માટે અહંકારની દીવાલ તૂટવાની ખાસ જરૂર છે. અહંકારની દીવાલ અત્યંત પાતળી, સૂક્ષ્માતિસૂક્ષ્મ છે આ અહંકારની દીવાલ એટલી બધી Transparent - પારદર્શી છે કે જેમ કાચની દીવાલ પારદર્શી હોય તો તે દીવાલ છે એવું માલૂમ જ ના પડે, પણ જયારે માથું ભટકાય ત્યારે જ માલૂમ પડે તેવી જ રીતે અહંકારની દીવાલ પણ અત્યંત Transparent - પારદર્શી હોવાથી તે છે એવું પણ માલૂમ પડતું નથી.
જ્યાં સુધી અંદરનું દ્વંદ્વ મટે નહી ત્યાં સુધી બહારનું દ્વંદ્વ પણ મટે નહી. એટલા માટે માણસ જયારે અંતઃકરણથી દ્વંદ્વાતીત (beyond duality) થઇ જાય પછી જ તેને બહારનું બધું બ્રહ્મ દેખાય અને તો જ તેને આ શ્લોક સમજાય. અંદર પીડા હોય ત્યારે બહારના જગતમાં પણ પીડા દેખાય. અંદર સંતોષ હોય ત્યારે બહાર પણ સંતોષ દેખાય. અંદર જે હોય તે જ બહાર પ્રતિફલિત થઈને ફેલાઈ જાય. સંસાર એ તમારો જ, તમારા મનનો ફેલાવ છે. અંદર મનમાં દ્વંદ્વ પડ્યા છે ત્યાં સુધી નિર્દ્વંદ્વ બ્રહ્મ બહાર નહીં દેખાય.
બ્રહ્મકર્મ સમાધિસ્થ એટલે In tune with the infinite. અનંતની સાથે એકતાન, એકરસ. આવા બ્રહ્મકર્મ સમાધિસ્થનાં દરેક કર્મ બ્રહ્મમય બની જાય.
આ શ્લોકમાં જણાવેલ યજ્ઞમાં સ્રુવા, હવિ, હવન કરનાર અને હવનરૂપ ક્રિયાઓ વગેરે ભિન્ન ભિન્ન વસ્તુઓ નથી હોતી. આવો યજ્ઞ કરનાર યોગીની દ્રષ્ટિમાં બધું બ્રહ્મ જ હોય છે, કારણ કે તે જે મન, બુદ્ધિ વગેરે દ્વારા સમસ્ત જગતને બ્રહ્મ સમજવાનો અભ્યાસ કરતો હોય છે તે પોતાને, આ અભ્યાસરૂપ ક્રિયાને, તથા અન્ય કોઈ પણ વસ્તુને બ્રહ્મથી ભિન્ન નથી સમજતો, બંને બ્રહ્મરૂપ જ દેખે છે એટલા માટે તેની તેમાં કોઈ પણ પ્રકારની ભેદબુદ્ધિ નથી હોતી.