તે જ્ઞાનનો તને તત્ત્વદર્શી જ્ઞાનીઓ ઉપદેશ કરશે. તેમને પ્રણામ કરી, તેમની સેવા કરી, તેમને પ્રશ્નો પૂછી તે જ્ઞાન તું જાણી લે. (૩૪)
ભાવાર્થ
પ્રણિપાતેન
પગે લાગીને, પરીક્ષા લેવા માટે નહીં, વિવાદ માટે નહીં. પ્રયોજન વગર નહીં. પ્રયોજન વગરની વાતો વિવાદ કહેવાય. ઉટાંગપુટાંગ સવાલો પૂછવા તે બુદ્ધિની ખુજલી છે, બુદ્ધિનો વ્યભિચાર છે.
ઈશ્વર છે એમ સાબિત થાય તો શો ફાયદો?
ઈશ્વર નથી એમ સાબિત થાય તો શું નુકશાન?
ફોઈને કેમ મૂછો ના ઉગે? કાકાને કેમ મૂછો ઉગે? ઘોડાને કેટલા કાન છે? પાંચ રૂપિયે મણ તો ત્રણ ડઝનનું શું?
આવા બુદ્ધિહીન સવાલો પૂછનારને ખરી જિજ્ઞાસા હોતી નથી. આવા સવાલોના જવાબ આપવા જ નહીં.
જિજ્ઞાસા, જાણવાની તીવ્ર ઈચ્છા હોવી જોઈએ. કુતૂહલ, curiosity, inquiry નહીં.
ઘડાને ભરાવું હોય તો ચકલીની નીચે સન્મુખ થઈને બેસવું પડે. દંડવત્ પ્રણિપાતમાં અહંકારને ઝુકાવવાનો હોય છે, એકલા શરીરને નહીં.
Receptivity, ગ્રાહકતા હોવી જોઈએ.
હૃદયના દ્વાર ખુલ્લા હોવા જોઈએ, થવા દ્યો એવી ફરમાયશ નહીં.
શિષ્યનો અર્થ શિખવાની આતુરતાવાળો, શીખનો અર્થ શીખવાને માટે આતુર.
દંડવત્ થી અહંકારના દ્વાર ખુલી જાય.
જ્ઞાની હોવાની અક્કડતા નહીં, અજ્ઞાની હોવાની નમ્રતા હોવી જોઈએ.
ગુરુને જ્યાં સુધી ખ્યાલ છે કે હું ગુરુ છું ત્યાં સુધી તે સાચો ગુરુ નથી.
શિષ્યને જ્યાં સુધી ખ્યાલ નથી કે હું શિષ્ય છું ત્યાં સુધી તે સાચો શિષ્ય નથી.
ખરો ગુરુ એ કે જેને ગુરુ છે એવો ખ્યાલ જ નથી.
ખરો શિષ્ય એ કે જેને હું શિષ્ય છું એવો સતત ખ્યાલ છે.
માટલું સીધું હોય પરંતુ ફૂટલું હોય અગર તો માટલું ફૂટલું ના હોય પણ ઊંધું હોય તો પાણી ના ભરાય.
કોઈને ઝુકાવવો સહેલો છે પરંતુ કોઈના આગળ ઝૂકી જવું (પ્રણિપાત) કઠણ છે.
કોઈ ઝુકાવે અને ઝૂકી જાય તે નિર્બળ; કોઈના ઝુકાવ્યાં વગર ઝૂકી જાય તે સબળ.
પ્રણિપાત એટલે સમર્પણ. Surrender without compulsion. એવા સંજોગોમાં પૂછેલો પ્રશ્ન મુમુક્ષા બની જાય, માત્ર જિજ્ઞાસા નહીં.
પ્રણિપાત માત્ર Formality નથી, Total surrender, absolute resignation છે.
દંડવત્ પ્રાણમાં Symbolic છે, અહંકારરહિત થવા માટે.
દંડવત્ત્ એક Scientific process છે. વૈજ્ઞાનિક પ્રક્રિયા છે.
દરેક વ્યક્તિના શરીરમાં વિદ્યુત, ઉર્જા, Electricity છે, તે conical છે. શિષ્યનું માથું ગુરુના પગમાં અડે અને ગુરુના હાથ શિષ્યના માથે અડે તો બંનેના શરીરનું ઇલેક્ટ્રિક સર્કિટ - circuit પૂરું થાય અને વિદ્યુત ધારા બંનેમાં વહેવા લાગે.