અનાયાસે જે મળે તે વડે સંતુષ્ટ (સુખદુઃખાદિ) દ્વંદ્વોથી મુક્ત, દ્વેષરહિત તથા સિધ્ધી - અસિદ્ધિમાં સમભાવવાળો (મનુષ્ય) કર્મ કરીંને પણ બંધાતો નથી. (૨૨)
ભાવાર્થ
જે મળ્યું તેનાથી સંતોષ નથી. જે નથી મળ્યું તેનાથી અસંતુષ્ટ રહેવું એ જ ચિત્તનું, મનનું સ્વરૂપ છે. ચિત્ત, મન એટલે જ અસંતોષ. સંતોષ થઇ હે તો ચિત્ત મરી જાય, મન અમન થઇ જાય.
સંતોષ એ ચિત્ત, મનને માટે ક્ષિતિજરેખા - Horizon જેવો છે. Horizon ને પકડવા માટે જેમ જેમ તમે આગળને આગળ ચાલ્યા જાઓ તેમ તેમ Horizon (સંતોષ) આઘે ને આઘે જાય અને ચિત્ત, મન અસંતોષમાં જ જીવ્યા કરે. સંતોષ થઇ જાય તો મન અમન થઇ જાય.
માણસ 'નથી'ના દુઃખમાં 'છે' ના સુખને ભૂલી જાય છે. પાંચ લાખ મળ્યા તેનો આનંદ નથી પરંતુ આઠ લાખ મળવાના હતા તેને બદલે ફક્ત પાંચ જ લાખ મળ્યા અને ત્રણ લાખ ઓછા મળ્યા તેને લીધે ભારે દુઃખ - અસંતોષ થાય છે.
જેટલી અપેક્ષા મોટી તેટલો અસંતોષ મોટો. અપેક્ષાની મોટી લીટી સફળતાની બધી લીટીઓને નાની બનાવી દે છે. Enlarged expectation - મોટી અપેક્ષાઓ ના હોય તો જે કંઈ મળે તેમાં પરમાત્માનો ઉપકાર માને.
અકૃત્વા પરસંતાપમ અગત્વા ખલ નમ્રતામ |
અકલેશયિત્વા ચ આત્માનં યત સ્વલ્પમપિ તત્ બહુ ||
કોઈને પણ સંતાપ કરાવ્યા વગર, નાલાયક માણસોની ખુશામત કર્યા વગર અને પોતાના આત્માને ક્લેશ કરાવ્યા વગર જે કંઈ પ્રારબ્ધવશાત ઓછુંવત્તુ મળે તે બહુ બહુ મળી ગયું તેવો સંતોષ માનવો.
પગમાં પથરો વાગે તો પણ પરમાત્માનો ઉપકાર માને કે માથામાં ના વાગ્યો તે સારું થયું. આવો સંતોષી માણસ દ્વંદ્વાતીત: વિમત્સર: થઇ શકે અને તે દુઃખને પરમાત્માનું વરદાન માને.
સરલ સુભાવ ન મન કુટીલાઈ, જથા લાભ સંતોષ દ્રઢાઈ.
(માનસ)
સર્પા: પિબન્તિ પવનમ્ ન ચ દુર્બલાસ્તે
શુષ્કૈ: તૃણૈ: વનગજાઃ બલિનો ભવન્તિ |
કદૈ: ફ્લૈ: મુનિવરા: ક્ષપયન્તિ કાલં
સંતોષ એવ પુરૂષસ્ય પરં નિધાનમ્ ||
વિદ્યા અને અર્થપ્રાપ્તિમાં માણસને અસંતોષ (ધગશ) હોવો જરૂરી છે. પરંતુ ધર્મના આચરણમાં તેને ચુસ્તપણે ધર્મ પાળ્યાનો સંતોષ પ્રાપ્ત થવો જોઈએ.
અજરામરવત પ્રાજ્ઞ: વિદ્યામર્થ ચ સાધયેત |
ગૃહીતઇવ કેશેષુ મૃત્યુના ધર્મમાચરેત ||
આપણી લાયકાત કરતા ઘણું વધારે પરમાત્માએ આપ્યું છે તેવા વિશ્વાસ સાથે સંતોષી રહેવું અને પરમાત્માનો ઉપકાર માનવો.
God knows your needs earlier than you do.
ઘૃણા - પ્રેમ, સન્માન - અપમાન, પ્રશંસા - નિંદા, મિત્ર - શત્રુ, સિદ્ધિ - અસિદ્ધિ આ બધા દ્વંદ્વો માયાકૃત છે, પારમાર્થિક નથી. બંધન માત્ર દ્વંદ્વમાં છે જયારે નિર્દ્વંદ્વ સ્વતંત્ર છે. દ્વંદ્વાતીત એટલે Beyond duality.
યદ્દચ્છાલાભ સંતુષ્ટ: જે કાંઈ અનાયાસે પ્રારબ્ધવશાત્ મળી જાય તેમાં સંતોષ માને અને તેમાં પરમાત્માને કાંઈ પણ શિકાયત - ફરિયાદ ના કરે તે સાચું ભક્તહૃદય ગણાય. તમે પરમાત્માનું ચિંતન કરો અગર ના કરો તો પણ પરમાત્મા તમારી ચિંતા કરી રહ્યા છે.
જબ થે માતા કે પેટમેં તબ તો સહાઈ હોઈ,
અબ તો ભયે ઇતને બરસકે અબ કયો ન સહાઈ હોઈ.
ધીરજધરને અરે અધીરા ઈશ્વર દેશે અન્ન જોને,
ખલક તણો છે પ્રભુને ખટકો માને સાચું મન જોને.
જન્મ્યા પહેલા જગના નાથે ઉપાય શોધ્યા શુદ્ધ જોને,
હાડમાંસના હૈયા મધ્યે દૈવે સર્જ્યું દૂધ જોને.
કોશેટામાં કીટ વસે છે ઈશ્વર પૂરે આહાર જોને.
હાથીને મન કીડીને કણ ચારપગાને ચાર જોને.
મસ્જિદ કેરા કેલ મિનારા ઉપર ઉગ્યા ઝાડ જોને,
ધરા ઉપર પાણી પામે પરમેશ્વરનો પા'ડ જોને.
અજગર સૂતો અરણ્યમધ્યે ડગલું ના દે દોટ જોને,
વિશ્વંભરનું બિરુદ વિચારો ખાવાની શી ખોટ જોને.
અનળ જનાવર રહે આકાશે મદઝર ભરખે મોટા જોને,
જગના નાથે હરિએ જમાવ્યા ગગને જળના ગોટા જોને.
બાળક રૂંવે બૌવા માટે માતા સમજે મર્મ જોને
પ્રાણી કેરી મરજી પરખે ધરણીધરના ધર્મ જોને.
ચાંચ બનાવી તેને ચિંતા કાયર મન શીદ કરીએ જોને,
પેટ ઘડ્યું તે પોષણ કરશે ફિકર તજીને ફરીએ જોને.
માણેક - મોતી મોંઘા કીધા ધરથી સોંઘા ધાન જોને,
અમૃત જેવા પાણી અમથા દીનબંધુના દાન જોને
સુરજ આપે પ્રકાશ સહુને દમડી ના પડે દેવી જોને
વગર બદામે વ્હાય વાયરો કેશવ કરુણા કેવી જોને
સુરપંખીને સોમણ નિત્યે ખાવા જોઈએ ખીર જોને,
દૂધડલાના દરિયાકાંઠે સરજ્યા એના શરીર જોને
જન્મ્યા તેને જીવાડવાની માવીતરને મમતા જોને
વિશ્વપિતા છે વિશ્વંભરજી શાથી ના ધરે સમતા જોને
અજબ દયા છે અલબેલાની હૈયું રાખો હાથ જોને
પરમાત્મા પર પતીજ રાખો બેલી બદ્રીનાથ જોને
શું કરવા તું સુખના માટે કરતો દોડાદોડ જોને
તારા સુખ તો તુજને શોધે સૂઈ રહે તાણી સોડ્ય જોને
માગ્યા વિના મળે મેહુલા, માગ્યા મળે તો માગી જોને,
મ્હોત સરીખું માગ્યે ના મળે, જીવલડાં તું જાગી જોને.
અવસર વિના ફળ નવ આવે સો મણ પાણી સીંચી જોને,
પુત્ર વિના પારણિયું ખાલી સો મણ સાકાર વહેંચી જોને.
માગ્યા વિના સુખ મળે તો સંકટ શાથી આવે જોને
બારણિયામાં સર્વે બાંધત હેમ ભરેલા હાથી જોને.
જગમાં સર્વે પુત્ર ઝુલાવત વાંઝણી ના રહેત વનીતા જોને,
લાલચ રાખ્યે લાભ મળે તો કોઈના દેખત દીનતા જોને.
ભાગ્ય પ્રમાણે ભોગવવાનું એ તે ક્યમ થાય અળગું જોને
કોટી ઉપાયે કેડ્ય ન મેળે વજર થઈને વળગ્યું જોને.