બીજા કેટલાક આહારને નિયત કરી પોતાના પ્રાણોને (વિશ્વના) પ્રાણોમાં હોમે છે. આ બધાય યજ્ઞને જાણનારાઓ યજ્ઞ વડે પાપનો નાશ કરે છે. (૩૦)
ભાવાર્થ
નિયત આહારા: એટલે સંયમિત આહાર કરનારા, આહાર એટલે માત્ર ભોજન નહીં, આંખનો આહાર રૂપ, કાનનો આહાર શબ્દ, નાકનો આહાર ગંધ, રસનાનો આહાર રસ, સ્પર્શેન્દ્રિયનો આહાર સ્પર્શ વગેરે તમામ જ્ઞાનેન્દ્રિયોનો આહાર તેમના વિષયો, એવો આહારનો વ્યાપક અર્થ સમજવાનો છે. ભોજન માત્ર એક પ્રકારનો આહાર છે જે બહારથી અંદર લઈએ છીએ. ઇન્દ્રિયો દ્વારા બહારથી અંદર લઈએ તે બધો આહાર કહેવાય.
તમામ ઇન્દ્રિયો દ્વારા બહારથી અંદર લીધેલો આહાર પ્રાણોને સમર્પિત કરીને પ્રાણોની તુષ્ટિ - પુષ્ટિ કરે છે. કેટલોક આહાર પ્રાણોને ઉત્તેજિત કરે છે, વિક્ષિપ્ત કરે છે, અશાંત કરે છે, સ્પંદિત કરે છે, આંદોલિત કરે છે, પાગલ કરે છે, દોડાવે છે.
કેટલોક આહાર પ્રાણોને શાંત કરે, મૌન કરે, નિસ્પંદ કરે, સમાહિત કરે, વિશ્રામ - વિરામ કરાવે ત્યારે તે પ્રાણ મહાપ્રાણમાં લીન - ધ્યાનસ્થ - સમાધિસ્થ થાય છે.
સિનેમા, ટીવી, બધી ટેકનીક, ટેક્નોલોજી, આધુનિક વ્યવસ્થા, કેમેરા, ફોટોગ્રાફી, રંગ, સજાવટ, મેકપ, રેસ્ટોરન્ટ વગેરે પ્રાણોને ઉશ્કેરતા રહેશે તો કોઈ પણ પુરુષ કોઈ પણ સ્ત્રીથી અગર કોઈ પણ સ્ત્રી કોઈ પણ પુરુષથી સંતુષ્ટ નહીં થાય અને તેમના પ્રાણ મહાપ્રાણમાં લય પામીને શાંત નહીં થાય.
સિનેમા, છાપાં(આંખ);
ગાયન, નિંદા (કાન);
રેસ્ટોરન્ટ, હોટેલો, ગાળો,બીભત્સ વાણી (જીભ);
યુફોમની સુંવાળી ગાદીઓ, પરસ્ત્રી સ્પર્શ (સ્પર્શ);
અત્તર, પફ, પાવડર (નાક)
આ બધાનો આહાર નિયત - Controlled નહીં થાય ત્યાં સુધી પ્રાણ જિંદગી પર્યન્ત અને મરતી વખતે પણ તરફડીયા મારશે.
ભોજનથી પેટમાં કચરો ભરાશે તો તેને માટે રેચની ગોળીઓ - purgatives મળશે, પરંતુ મનમાં - પ્રાણમાં કચરો ભરાશે તો તેને માટે પરગેટિવ્ઝ નહીં મળે અને તેથી (it will create spiritual indigestion, spiritual constipation or spiritual diarrhea) - આધ્યાત્મિક અપચો, આધ્યાત્મિક કબજિયાત અગર તો આધ્યાત્મિક ઝાડા થઇ જશે.
દરેક ઇન્દ્રિય ઉપર વિવેકરૂપી પહેરેદાર બેસાડો. પ્રાણોને સંગીતબદ્ધ, પ્રફુલ્લિત બનાવે તેવો જ આહાર તમામ ઇન્દ્રિયો દ્વારા અંદર જવા દો. રાજસિક અને તામસિક આહાર કરનારને પ્રાણાયામ કરવાથી સુખ પ્રાપ્ત નહીં થાય. મનુષ્યનું મનુષ્યપણું યજ્ઞભાવથી સ્થિર થાય છે. ઉપરોક્ત યજ્ઞો વડે જેના પાપ નષ્ટ થઇ ગયા છે. તે લોકો જ યજ્ઞોને સાચા અર્થમાં સમજી શકે છે, જાણી શકે છે.