વળી બીજાઓ ઇન્દ્રિયોના સર્વ કર્મોને અને પ્રાણના કર્મોને જ્ઞાન વડે પ્રદીપ્ત થયેલા આત્મસંયમરૂપ યોગાગ્નિમાં હોમે છે. (૨૭)
ભાવાર્થ
ત્રીજા પ્રકારના યોગીઓ સંપૂર્ણ ઇંદ્રિયોની ચેષ્ટાઓને તથા પ્રાણનાં કર્મોને, વ્યાપારને જ્ઞાનથી પ્રદીપ્ત થયેલા પરમાત્મામાં સ્થિતિરૂપ યોગાગ્નિમાં હવન કરે છે.
અજ્ઞાનીઓ જે વસ્તુઓ તેમને પ્રીતિકર હોય, જે વસ્તુઓમાં તેમની આસક્તિ હોય તે વસ્તુઓ પરમાત્માને ધરાવે છે, ભેટ ધરે છે. દા.ત. મીઠાઈ, અત્તર, સંગીત, દર્પણ, સુંવાળી સેજ વગેરે ધરાવે છે. પરંતુ અજ્ઞાનમાં જે પ્રીતિકર હોય તે જ્ઞાનમાં પ્રીતિકર નથી હોતું.
અજ્ઞાનીઓ પોતાની ઇન્દ્રિયોને જે વસ્તુઓ ગમતી હોય છે તે વસ્તુઓ પરમાત્માને ભેટ ધરે છે જયારે જ્ઞાનીઓ ઇન્દ્રિયોને જ સમર્પિત કરી દે છે.
અજ્ઞાની પોતાના નાકને સુગંધિત લાગે તેવા ફૂલનું સમર્પણ કરે છે, જ્ઞાની સુગંધની ઇન્દ્રિયને જ - ઘ્રાણેન્દ્રિયને જ - ગંધ નામના વિષયને જ ચઢાવી દે છે, ફૂલને નહીં. અજ્ઞાની સ્વાદિષ્ટ વસ્તુનું સમર્પણ કરે છે, જ્ઞાની સ્વાદનું સમર્પણ કરે છે..
ઇન્દ્રિયોના પ્લગ જે સંસારમાં જોડાયેલા છે જેથી સંસારના પદાર્થો પ્રીતિકર લાગે છે તે પદાર્થો પરમાત્માને (અજ્ઞાનીઓની માફક) ચઢાવવાને બદલે જ્ઞાનીઓ તેમની તમામ ઇન્દ્રિયોના અને પ્રાણોના પ્લગ સંસારમાંથી કાઢી નાખીને પરમાત્મામાં લગાડી દે છે. એટલે કે તેમની તમામ ઇંદ્રિયોની અને પ્રાણોની પ્રત્યેક ક્રિયા, ચેષ્ટા, વ્યાપાર માત્ર ઈશ્વરપ્રીત્યર્થે જ થાય છે, સંસારપ્રીત્યર્થે નહીં.
ઈન્દ્રિયોનું સમર્પણ જ ખરું સમર્પણ છે. ઇન્દ્રિયોને પ્રિય લાગે તે વસ્તુઓનું સમર્પણ તો ધોખાબાજી છે. પુષ્પ ભગવાનને ચઢાવવાનો કોઈ અર્થ નથી. પુષ્પ તો ભગવાનને ચઢેલું જ હતું. ત્યાંથી તમે તોડીને પથ્થર ઉપર ચઢાવ્યું તેથી પુષ્પનું જીવન તમે તોડી નાખ્યું અને પથ્થર ઉપર પડીને તે મરી ગયું. તમારું મન, પ્રાણ, ઇન્દ્રિયો એટલું જ તમારું છે તે પરમાત્માને ચઢાવી દો. બાકીનું બીજું બધું તો પરમાત્માનું જ છે તે તમારું નથી. પરમાત્માને ઠગશો નહીં.