શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૪

જ્ઞાનકર્મ સંન્યાસ યોગ

જન્મ કર્મ ચ મે દિવ્યમેવં યો વેત્તિ તત્ત્વતઃ ।
ત્યક્ત્વા દેહં પુનર્જન્મ નૈતિ મામેતિ સોઽર્જુન ॥ ૯॥

જન્મ કર્મ ચ મે દિવ્યમ્ એવમ્ ય: વેત્તિ તત્ત્વતઃ

ત્યક્ત્વા દેહમ્ પુન: જન્મ ન એતિ મામ્ એતિ સ: અર્જુન

વેત્તિ - જાણે છે.

સ: - તે

દેહમ્ - શરીર

ત્યક્ત્વા - છોડીને

પુન: - ફરી

જન્મ - જન્મને

ન એતિ - પામતો નથી (પણ)

મામ્ - મને (જ)

એતિ - પામે છે.

અર્જુન - હે અર્જુન !

મે - મારા

જન્મ - જન્મ

ચ - અને

કર્મ - કર્મ

દિવ્યમ્ - અલૌકિક (છે)

એવમ્ - એ પ્રમાણે

ય: - જે પુરુષ

તત્ત્વતઃ - તત્ત્વથી

હે અર્જુન ! આમ મારા દિવ્ય જન્મ તથા દિવ્ય કર્મને જે તત્ત્વથી જાણે છે, તે દેહ ત્યજીને પુનર્જન્મ પામતો નથી, (પણ) મને પામે છે. (૯)

ભાવાર્થ

ભગવાન કહે છે કે મારા જન્મ અને કર્મ દિવ્ય છે. તેના કારણો નીચે પ્રમાણે છે.

(૧) એક તો, હું તમારી માફક માતાના ગર્ભમાં નવ મહિના સુધી ઊંધા મસ્તકે લટકીને પછી જન્મતો નથી. પરંતુ હું તો પ્રથમ ચતુર્ભુજ સ્વરૂપે માતાની સમક્ષ પ્રગટ થાઉં છું. કૌશલ્યાએ રામની સ્તુતિમાં આ વાત સ્પષ્ટ કરતા કહ્યું છે કે -

બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા, રોમ રોમ પ્રતિ બેદ કહે.

સો મમ ઉર બાસી યહ ઉપહાસી, સુનત ધીર મતિ ધીર ન રહે. (માનસ)

(૨) બીજું, તમારી માફક મારી પાછળ મારા પૂર્વજન્મોનાં કોઈ સંચિત કર્મો પડેલા નથી જે પાકીને પ્રારબ્ધ થઈને મારી સામે આવીને ઉભા રહે, જે પ્રારબ્ધ ભોગવવા માટે મારે બળાત્કારે દેહ ધારણ કરવો પડે. હું તો મારી મરજીમાં આવે ત્યારે જરૂરિયાત મુજબ મારી ઈચ્છા પ્રમાણેનો દેહ ધારણ કરું છું.

નિજ ઈચ્છા નિર્મિત તનુ, માયા ગુણ ગો પાર. (માનસ)

(૩) મારા જીવનકાળ દરમ્યાન કરેલા મારા કર્મ રાગદ્વેષરહિત અને કર્તાપણાના અહંકાર સિવાય માત્ર સમષ્ટિના કલ્યાણ માટે જ કરેલા હોવાથી તે કર્મો મને બંધનકર્તા નથી.

ન માં કર્માણિ લિમ્પન્તિ ન મે કર્મફલે સ્પૃહા ।

(ગીતા - ૪/૧૪)

ન મે પાર્થાસ્તિ કર્તવ્યં ત્રિષુ લોકેષુ કિઞ્ચન ।

નાનવાપ્તમવાપ્તવ્યં વર્ત એવ ચ કર્મણિ ॥

(ગીતા - ૩/૨૨)

અવતાર ધારણ કરવાથી પરમાત્મા ક્રિયાસાધ્યને બદલે કૃપાસાધ્ય બને છે. અવતાર ધારણ કરે તો જ તે શબરી, જટાયુ, ગોપીઓને સગુણ સાકાર સ્વરૂપે પ્રત્યક્ષ - રૂબરૂમાં મળી શકે અને કૃપાસાધ્ય થઇ શકે. અને તો જે તે પગે ચાલીને દંડકારણ્યને શાપમુક્ત કરીને પાવન કરી શકે. દંડકારણ્યના પશુપક્ષીઓનો ઉદ્ધાર કરી શકે, યમલાર્જુનનો ઉદ્ધાર વગેરે કરી શકે. તેને માટે સગુણ સાકાર સ્વરૂપે અવતરિત થાય તો જ કેવટ તેમનાં ચરણ ધોઈ શકે.

પરમાત્માનો દેહ પ્રાકૃત ઉપાદાનોથી બનેલો નથી. આપણી માફક તેમનો દેહ માતાપિતાના રજવીર્યથી પેદા થયેલો નથી. તેમનો દેહ સત્-ચિત્ત-આનંદનો બનેલો છે. 'રામ ચરિત માનસ'માં તુલસીદાસજી કહે છે કે -

ચિદાનંદમય દેહ તુમ્હારી, વિગત વિકાર જાન અધિકારી.

નરતનુ ધરેઉ સંત સુર કાજા, કરહુ કહહુ જસ પ્રાકૃત રાજા.

તુમ્હરીરી કૃપા તુમ્હહિ રઘુનંદન, જાનત ભગત ભગત ઉર ચન્દન.

ગોકુલ - વૃંદાવનમાં પરમાત્માએ માત્ર માધુર્યલીલા કરી છે ત્યારે દ્વારકામાં તેમને ઐશ્વર્યલીલા બતાવી છે.

શેષ મહેશ દિનેશ ગણેશ સુરેશહિ જાહી નિરંતર ધ્યાવે.

જાહી અનાદિ અખંડ અનંત અચ્છેદ અભેદ્યં સુબેદ બખાને

નારદ લઈ શુક વ્યાસ રટે પચિહારી પુની જેહિ પાર ન પાવે.

તાહિ આહીર કી છોહરિયા છછીયાભર છાછ પે નાચ નચાવે.

પરમાત્માની બાબતમાં 'જન્મ-મરણ' શબ્દો વાપરવા તે ભાષાની ભૂલ છે. પરમાત્મામાં તો જન્મ પણ નથી અને મરણ પણ નથી. પરમાત્મા એટલે 'જીવન' - સંપૂર્ણ અસ્તિત્વ - total/absolute existence.

જન્મ અને મૃત્યુનો જેને ભ્રમ છે તેને જીવનનો અનુભવ નથી.

જેને જીવનનો અનુભવ છે તેને જન્મ અને મૃત્યુનો ભ્રમ નથી.

જે અલૌકિક જીવનના અંનુભવને પ્રાપ્ત કરે છે તે પરમાત્માને પ્રાપ્ત કરે છે. પછીથી તેને મૃત્યુ અગર જન્મ હોતો નથી. પરંતુ માત્ર જીવન હોય છે. ઇંદ્રિયોની પકડમાં ના આવે તે અલૌકિક.

ભગવાનના સંબંધમાં 'જન્મ' શબ્દ વાપરવાથી ભગવાનને વિષે પંચભૂતના પરિણામરૂપ દેહવાળાપણું હોવાથી કર્માધીનપણું તેમ જ પરાધીનપણું વગેરે દોષોની કલ્પના થવાનો સંભવ રહે છે. તે બાબતમાં સ્પષ્ટતા કરવા માટે પરમાત્મા કહે છે કે -

ખરેખર તો હું કર્મવશ્ય જન્મરહિત જ છું અને હું વિકારશૂન્ય, અનશ્વર આત્મા મૂર્તિસ્વરૂપ છું તથા અક્ષર, પુરુષ, કાળ, માયા આદિ સર્વભૂત પ્રાણીમાત્રનો નિયામક અને સ્વતંત્ર છું. છતાં પણ હું મારુ અજત્વ, અવ્યયમૂર્તિત્વ, સર્વનિયંતૃત્વ, સ્વતંત્રત્વ, સર્વવ્યાપકત્વ વગેરે મારા અતિ ઉત્કૃષ્ટ, સર્વશ્રેષ્ઠ ઐશ્વર્યોને છોડ્યા વગર, તે ઐશ્વર્યોને અકબંધ રાખીને હું મારી પોતાની પ્રકૃતિને એટલે કે સ્વભાવસિદ્ધ અને નિરવધિક અતિશયતાવાળા જ્ઞાન, બળ, ઐશ્વર્ય, વીર્ય, શક્તિ, ધૈર્ય અને તેજ, તેમ જ અપાર કારુણ્ય, સૌશીલ્ય, વાત્સલ્ય અને ઔદાર્ય વગેરે મારી પોતાની અસાધારણ પ્રકૃતિને, સ્વભાવને અનુસરીને હું મારી ઈચ્છાથી જ જુદા જુદા સાકાર સ્વરૂપો ધારણ કરીને પ્રાદુર્ભૂત થાઉં છું. તેથી મારા જન્મ અને કર્મ દિવ્ય છે.