શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૪

જ્ઞાનકર્મ સંન્યાસ યોગ

વીતરાગભયક્રોધા મન્મયા મામુપાશ્રિતાઃ ।
બહવો જ્ઞાનતપસા પૂતા મદ્ભાવમાગતાઃ ॥ ૧૦॥

વીતરાગભયક્રોધા: મન્મયા: મામ્ ઉપાશ્રિતાઃ

બહવ: જ્ઞાનતપસા પૂતા: મદ્ભાવમ્ આગતાઃ

જ્ઞાનતપસા - જ્ઞાનરૂપ તપ વડે

પૂતા: - પવિત્ર થયેલા

બહવ: - ઘણા (મનુષ્યો)

મદ્ભાવમ્ - મારા સ્વરૂપને

આગતાઃ - પામ્યા છે.

મામ્ - મારુ

ઉપાશ્રિતાઃ - શરણ લઈ

વીતરાગભયક્રોધા: - રાગ, ભય, ક્રોધરહિત થયેલા

મન્મયા: - અનન્યભાવથી ભગવત્પરાયણ થઇ,

રાગ, ભય તથા ક્રોધ વિનાના, મારામય થયેલા, મારો આશ્રય લેનારા અને જ્ઞાનમય તપ વડે પવિત્ર થયેલા ઘણા (લોકો) મારુ સ્વરૂપ પામ્યા છે. (૧૦)

ભાવાર્થ

જ્ઞાનતપસા:

આમાં સાંખ્ય યોગનો પ્રસંગ નથી પરંતુ ભક્તિનું પ્રકરણ છે. અહીં જ્ઞાનનો અર્થ આત્મજ્ઞાન નહીં માનતા ભગવાનના જન્મકર્મોને દિવ્ય સમજવારૂપી જ્ઞાન એવો અર્થ છે. આવા જ્ઞાનરૂપી તપ દ્વારા માણસના તમામ કર્મો ભગવાનના કર્મોની માફક દિવ્ય થઇ જાય અને અને તેવો ભક્ત કદાપિ ભગવાનથી વિભક્ત થતો નથી - તેવો ભક્ત મારા ભગવદ્ભાવને પ્રાપ્ત થાય છે. (મદભાવમાગતાઃ) અને તેવો ભક્ત (મામ્ ઉપાશ્રિતા:) મને સમર્પિત થઇ જાય છે. He secures absolute acceptability.

વીતરાગ:

વીતરાગ શબ્દ બહુ જ ગહન અને અર્થપૂર્ણ છે. રાગનો વિપરીત શબ્દ (opposite word) વિરાગ છે. વીતરાગ એટલે વિરાગ નહીં. જેમાં રાગ પણ નહીં અને વિરાગ પણ નહીં તેને વીતરાગ કહેવાય. વીતરાગ એટલે રાગ અને વિરાગ બંનેથી પર.

રાગી માણસ સ્ત્રી દેખીને તેની પાછળ પાછળ દોડે છે.

વિરાગી માણસ સ્ત્રીને દેખીને તેનાથી ઉલટી દિશામાં ભાગે છે.

પરંતુ બંનેને દોડવાનું, ભાગવાનું કેન્દ્ર એક જ, સ્ત્રી જ છે.

બંનેની ઋગ્ણ અવસ્થા છે, બીમાર અવસ્થા છે.

વીતરાગીની સ્વસ્થ અવસ્થા છે, નિરામય અવસ્થા છે.

વીતરાગી સ્ત્રીને દેખીને તેમાં રાગ પણ કરતો નથી અને દ્વેષ પણ કરતો નથી. No attraction, No repulsion. વીતરાગીની અવસ્થા સ્થિતપ્રજ્ઞનો અવસ્થા છે. No likes, No dislikes. રાગીને સંગ્રહનો અહંકાર છે, વિરાગીને ત્યાગનો પણ અહંકાર હોય છે. વીતરાગી અહંકારથી મુક્ત હોય છે. વીતરાગ એટલે Beyond attachment and detachment..

રાગીને મિત્ર આવે ત્યારે સુખ થાય, જાય ત્યારે દુઃખ થાય અને શત્રુ આવે ત્યારે દુઃખ થાય, જાય ત્યારે સુખ થાય. એટલે રાગીને શત્રુ અને મિત્ર બંને દુઃખદાયી થાય.

બિછુરત એક પ્રાણ હરી લેહી, મીલત એક દુઃખ દારુણ દેહી. (માનસ)

જયારે વીતરાગીની અવસ્થા સ્વસ્થ છે. શત્રુ અગર મિત્ર, આવે અગર જાય, તો પણ તેને કોઈ સુખ નથી, કોઈ દુઃખ નથી. વીતરાગી તમામ દ્વંદ્વોથી મુક્ત હોય છે.

સમઃ શત્રૌ ચ મિત્રે ચ તથા માનાપમાનયોઃ ।

શીતોષ્ણસુખદુઃખેષુ સમઃ સઙ્ગવિવર્જિતઃ ॥

(ગીતા - ૧૨/૧૮)

મિત્રને (રાગને) ભૂલવો સહેલો પરંતુ દુશ્મન(વિરાગ)ને ભૂલવો મુશ્કેલ. ઘરબાર, સ્ત્રી - પુત્રાદિકને છોડીને માણસ વનમાં નાસી જાય છે. પરંતુ 'રાગ' જે ખરેખર છોડવાનો છે તે સાથે લેતો જાય છે. તેથી વનમાં પણ તેને શાંતિ મળતી નથી. રાગ છોડી દે તો તો ઘર જ તપોવન બની જાય.

વનેऽપિ દોષાઃ પ્રભવન્તિ રાગિણામ્ । ગૃહેપિ પંચેન્દ્રિયનિગ્રહસ્તપઃ ॥

અકુત્સિતે કર્મણિ યઃ પ્રવર્તતે । નિવૃત્તરાગસ્ય ગૃહં તપોવનમ્ ॥

રાગી માણસ જયારે રાગથી કંટાળે છે ત્યારે તેને અવારનવાર વિરાગતાના ઉભરા આવે છે તેને ઘરમાં કકળાટ થાય કે દુકાનમાં દેવાળું કાઢે ત્યારે સંન્યાસી થવાનું મન થઇ જાય છે.

વિરાગી માણસને જયારે વિરાગથી કંટાળો આવે ત્યારે તેને અવારનવાર રાગના ઉભરા આવે છે અને કદાચ કોક વખત તે વિરાગી પોતાની શિષ્યા સાથે પરણી પણ જાય છે.

રાગી અને વિરાગી બંનેની ઋગ્ણ (બીમાર) અવસ્થા છે. બંને દ્વંદ્વમાં જીવે છે.

વીતરાગીની નિર્દ્વંદ્વ સ્થિતિ છે, તે એકરસ હોય છે.

નિર્દ્વન્દ્વો નિત્યસત્ત્વસ્થો નિર્યોગક્ષેમ આત્મવાન્ ॥ (ગીતા - ૨ / ૪૫)

વીતરાગી માણસ મંદિરમાં અગર તો વેશ્યાના ઘરમાં એકરસ રહી શકે. એક બુદ્ધ ભિક્ષુ વેશ્યાને ત્યાં ચાતુર્માસ ગાળવા સ્થિતપ્રજ્ઞની હેસિયતથી રહેલો અને ચાતુર્માસને અંતે તે વેશ્યાને બુદ્ધધર્મની શિષ્યા બનાવી શક્યો. પોતે તેમાં લપટાયો નહીં. આનું નામ વીતરાગ.

જ્ઞાનતપસા પૂતા:

હું તપસ્વી છું તેવા સૂક્ષ્માતિસૂક્ષ્મ અહંકારને પોષણ મળે તેવું તપ જ્ઞાનતપ નહીં, પરંતુ અજ્ઞાનતપ કહેવાય. જ્ઞાનતપમાં અહંકાર વિસર્જિત થઇ જાય અને સમર્પણ સિદ્ધ થાય. કેટલા ઉપવાસ કાર્ય, કેટલી માળા ફેરવી તેનો હિસાબ રાખે અને તેને માટે વરઘોડો કાઢે તે જ્ઞાનતપ ના કહેવાય.