શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૪

જ્ઞાનકર્મ સંન્યાસ યોગ

ન હિ જ્ઞાનેન સદૃશં પવિત્રમિહ વિદ્યતે ।
તત્સ્વયં યોગસંસિદ્ધઃ કાલેનાત્મનિ વિન્દતિ ॥ ૩૮॥

ન હિ જ્ઞાનેન સદૃશમ્ પવિત્રમ્ ઈહ વિદ્યતે

તત્ સ્વયમ્ યોગસંસિદ્ધઃ કાલેન આત્મનિ વિન્દતિ

યોગસંસિદ્ધઃ - યોગ વડે ચિત્તશુદ્ધિ પામેલો પુરુષ (અભ્યાસ દ્વારા)

કાલેન - સમય જતા

આત્મનિ - અંતઃકરણમાં

સ્વયમ્ - પોતે

વિન્દતિ - મેળવે છે.

હિ - કેમ કે

ઈહ - આ લોકમાં

જ્ઞાનેન - જ્ઞાનના

સદૃશમ્ - જેવું (બીજું કોઈ)

પવિત્રમ્ - પવિત્ર કરનાર

નવિદ્યતે - નથી,

તત્ - તે જ્ઞાન

કારણ કે આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર (કંઈ) નથી. તે જ્ઞાનને યોગ વડે સિદ્ધ થયેલો પુરુષ કાળે કરી આપોઆપ જ પોતામાં પામે છે. (૩૮)

ભાવાર્થ

જ્ઞાન પવિત્રતમ છે. અજ્ઞાનજનિત વાસના - કામના (desiring) ગંદકી છે, impurities છે જે માણસને (feverish), ઉત્તપ્ત, અસ્વસ્થ, કંપનશીલ, અપવિત્ર બનાવે છે.

મનમાં વાસનાની દુર્ગંધ પેદા થતા દીનતા પ્રગટ થાય છે અને આત્માની સુગંધી નષ્ટ થઇ જાય છે. કામના - વાસના પેદા થતા અપ્રાપ્ય વસ્તુ માટે બીજાઓએ પ્રત્યે (jealousy) માત્સર્યની દુર્ગંધ પેદા થાય છે. જેલસીથી જલન, પ્રતિસ્પર્ધાથી ભરેલું મન કુરુપ (ugly) બની જાય છે. તેમાં હિંસા અને આધ્યાત્મિક અંધાપો (spiritual blindness) પેદા થાય છે, તેમાંથી પાગલપણું, સંઘર્ષ, વૈમનસ્ય, ક્રોધ, ઘૃણા વગેરે બધી ગંદકી જન્મે છે.

કામના, વાસના સફળ થાય તો લોભનું ભૂત વળગે છે. વાસના - કામના નિષ્ફળ જાય તો ક્રોધ - વિષાદનું (frustration) ભૂત વળગે છે. આવી રીતે કામના(વાસના)થી લોભ અને ક્રોધ જન્મે છે. લોભ અને ક્રોધ એ બંને કામનાના (વાસનાના) દીકરા છે. આ ત્રણેય મા - દીકરા નર્કના ત્રણ દરવાજા છે.

ત્રિવિધં નરકસ્યેદં દ્વારં નાશનમાત્મનઃ ।

કામઃ ક્રોધસ્તથા લોભસ્તસ્માદેતત્ત્રયં ત્યજેત્ ॥ (ગીતા - ૧૬/૨૧)

પાગલખાનામાં બે પ્રકારના પાગલો હોય છે. એકને પસંદગીની સ્ત્રી ના મળી તેથી પાગલ છે. બીજાને નાપસંદગીની સ્ત્રી મળી તેથી પાગલ છે. આ દુનિયા પાગલખાનું (Lunatic Asylum) છે. તેમાં જ્ઞાની શાંત છે.

વાસના - કામના ના કીડા ગંદકી ફેલાવે છે. જ્ઞાનની પાવન, પવિત્ર કરવાની શક્તિ એ છે કે જ્ઞાન ઉતરતાની સાથે વાસના - કામના તિરોહિત થઇ જાય છે, પછી તે જ્ઞાની કાંઈ માંગતો નથી પરંતુ તેને જે કાંઈ પ્રારબ્ધવશાત્ મળે તેને તે ભગવદ્પ્રસાદીરુપે સ્વીકારે છે, એટલી જ તેની પાત્રતા - યોગ્યતા છે તેમ તે સમજે છે.

જ્ઞાન 'નથી' ના દુઃખને ભુલાવે છે અને 'છે'ના સુખને જાગ્રત કરે છે. 'છે' નો સંતોષ 'નથી' ની વાસનાના રોગને મટાડે છે. વાસનાને પવિત્ર કરનારો અજબગજબનો કીમિયો કેમિસ્ટ્રી જ્ઞાનમાં છે.

જ્ઞાનથી સમૃદ્ધ - પ્રબુદ્ધ થયેલા બુદ્ધ ચાલતા હોય ત્યારે તેની ચારે બાજુ સ્વચ્છ - નિર્મલ - સુગંધિત હવા ફેલાય અને મહાવીરની નગ્નતામાં પણ પવિત્રતાના દર્શન થાય. શૂળી ઉપર ચઢેલા જીસસની મૃત્યુની અવસ્થામાં પણ તેના જીવનની ઉર્જા ઝબકી ઉઠે. આ છે જ્ઞાનની પવિત્રતા.

જેનામાં જ્ઞાન પ્રગટ થયું છે તેના પ્રેમને પથ્થરોથી પીડિત કરી શકતો નથી, તેના આત્માને છરા - તલવારથી ભોંકી શકતો નથી, તેની પ્રાર્થનાને દુનિયાની કોઈ ગાળ અપવિત્ર કરી શકતી નથી.

Knowledge is purity, and knowledge itself is virtue.

જ્ઞાન જીવનના અનુભવનું પરમ શિખર છે, જયારે અજ્ઞાન નિકૃષ્ટત્તમ ખાઈ છે. આત્મજ્ઞાન શ્રેષ્ઠતમ સ્વર્ગ છે જ્યારે અજ્ઞાન ગહનતમ નર્ક છે. અજ્ઞાનીથી નીચ કોઈ નથી, જ્ઞાનીથી ઉચ્ચ કોઈ નથી. જે પોતાને નથી જાણતો (અજ્ઞાની) તે કશું જ નથી જાણતો. જે સ્વયંને જાણે છે, તે સર્વજ્ઞ છે.

અજ્ઞાનીનાં હાથમાં આખા જગતનું (ભૌક્તિક જ્ઞાન) આપો તો પણ તે ખતરનાક છે. અજ્ઞાનીનાં હાથમાં આપેલું જ્ઞાનનું પરિણામ હિરોશિમા - નાગાસાકી. આંધળાના હાથમાં અંધારી રાતે ફાનસ આપો તો તે ફાનસ ક્યારે ઓલવાઈ જાય તેની તેને ખબર ના પડે અને કોક દેખતાની સાથે પોતાની અકડાઈમાં અથડાય.

માણસ બહુ ઊંઘે તે સારું નથી એવી શાસ્ત્રોની આજ્ઞા છે પરંતુ તે આજ્ઞા સજ્જનો અને જ્ઞાનીઓ માટે છે. બાકી કુમ્ભકર્ણ જેવા દુર્જનો અને અજ્ઞાનીઓ તો બહુ ઊંઘે અને છ મહિના સુધી ઊંઘમાં પડ્યા રહે તેમાં જ જગતનું કલ્યાણ છે.

અજ્ઞાની (આત્મજ્ઞાનરહિત) માણસના હાથમાં અજ્ઞાન (સાયન્સનું ભૌક્તિક જ્ઞાન) ખતરનાક છે. જયારે જ્ઞાનીનાં હાથમાં અજ્ઞાન (સાયન્સનું ભૌક્તિક જ્ઞાન) પણ નુકસાન નહી કરે. જ્ઞાન એટલે આત્મજ્ઞાન, બાકીનું બધું (કહેવાતું - so-called) જ્ઞાન અજ્ઞાન કહેવાય.

અજ્ઞાનં યદતોન્યથા | (ગીતા - ૧૩/૧૧)

આત્મા તો દરેકના હૃદયમાં છે પરંતુ તે છે તેવું જ્ઞાન (ખાતરી, અનુભૂતિ) ના થાય ત્યાં સુધી તે ‘નથી’ની બરાબર છે. ઘરમાં સોનામહોરો દાટેલી છે પરંતુ જ્યાં સુધી તેની જાણ - ખાતરી - જ્ઞાન ના થાય ત્યાં સુધી તે માણસ ભિખારી જ રહે.

માટે જે જ્ઞાને કરીને જાણી લે છે તેને જ આત્મા ઉપલબ્ધ થાય છે. સ્વયંને જાણવું એ મોંઘુ છે. તેને માટે ખૂબ તપશ્ચર્યા જોઈએ. આ લાંબી યાત્રા છે. બીજાના બોલેલા ઉધાર શબ્દો કંઠસ્થ કરવાથી અને રટ્યા કરવાથી આત્મજ્ઞાન નહી થાય. 'અહં બ્રહ્માસ્મિ' એમ માત્ર રટણ કર્યા કરવાથી, ખોટા ભ્રમમાં જાતને ઠગવા જેવો ઘાટ થશે. માત્ર 'ગીતા' 'ભાગવત' કંઠસ્થ કરવાથી આત્મજ્ઞાન નહીં થાય. પાનના ગલ્લા આગળ ઉભે ઉભે બ્રહ્મચર્ચા ના થાય. 'ગીતા'ની પરીક્ષા પાસ કરવાથી આત્મજ્ઞાન નહીં થાય.

ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ, સ્ટેટિસ્ટિક્સ, ન્યુટનનો Law of Gravitation (ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત), આઇન્સ્ટાઇનની Theory of Relativity (સાપેક્ષવાદ) વગેરે ભૌતિક્શાસ્ત્રો ગોખીને, મોઢે કરીને પરીક્ષામાં પાસ થાઓ એવી રીતે આત્મજ્ઞાનમાં હોતું નથી. તેમાં તો કાં ઝીરો (0) માર્ક મળે અગર તો સો ટકા માર્ક (૧૦૦) મળે. વચમાં નહીં. હિન્દુ વિશ્વવિદ્યાલય (University) અગર તો મુસ્લિમ, ક્રિશ્ચિયન વિશ્વવિદ્યાલય બાંધી શકાય. પરંતુ આત્મજ્ઞાનનું વિશ્વ વિદ્યાલય તો જીવન છે, ચેતનાનો અનુભવ છે.

'યોગસંસિદ્ધિ' એટલે સમ્યક રીતે જેનો યોગ (આત્મા સાથેનું મિલન) સિદ્ધ થયો છે તે. જ્યાં સુધી બિંદુ સિંધુમાં પૂર્ણરૂપે મળી જાય તે અવસ્થા. જ્યાં વ્યક્તિનું સમષ્ટિ સાથેનું મિલન થતા સમત્વબુદ્ધિયોગ થાય, બુદ્ધિમાં વિષમતા (oscillation) ના હોય તેવો રાગ - વિરાગસહિત વીતરાગ સ્થિતિવાળો પુરુષ યોગસંસિદ્ધ ગણાય.