ગુણો અને કર્મોના વિભાગ પ્રમાણે મેં ચાર વર્ણો સર્જ્યા છે; તેનો કર્તા છતાં મને તું અકર્તા અને અવિકારી જાણ. (૧૩)
ભાવાર્થ
માણસનો જન્મ આડેધડ ગમે તે યોનિમાં થતો નથી, પરંતુ તેનો અમુક યોનિમાં જન્મ થાય તેમાં તેના પૂર્વેના અનેક જન્મોનું વિજ્ઞાન પડેલું છે. માણસના પૂર્વજન્મોનાં ગુણ (સત્ત્વ, રજ, તમસની ન્યૂનાધિકતા) અને કર્મના આધારે તેનો નવો જન્મ પ્રાપ્ત થાય છે તેમાં પરમાત્માનો કોઈ વિષયભાવ હોતો નથી. Births in any country, caste, creed, or species of life are not accidental, and God is not whimsical. પરમાત્મા સર્વસત્તાધીશ છે પરંતુ સરમુખત્યાર નથી.
ગુણ:
દરેક વ્યક્તિના ગુણોમાં ભેદ હોય છે, ભિન્ન ભિન્ન હોય છે. ગુણના ભેદ મિટાવવાનો અને દરેક વ્યક્તિના ગુણોની સમાનતા લાવવાનો દુનિયામાં કોઈ ઉપાય જ નથી. આપણે ગમે તેટલી મોટી 'કોમ્યુનિસ્ટિક સોસાયટી' નિર્મિત કરીએ, ગમે તેટલો સામ્યવાદી સમાજ નિર્મિત કરીએ, તો પણ ગુણભેદ નહીં જ મિટાવી શકીએ, ધન-સંપત્તિ દરેકને સરખા પ્રમાણમાં વહેંચીએ, કપડાં બધાને એકસરખા પહેરાવીએ, બધાને એકસરખા મકાન રહેવા આપીએ તો પણ ગુણ ભેદ ન મટે. ગુણ (સત્ત્વ-રજ-તમ) એ વ્યક્તિના આત્માનો હિસ્સો છે. બાહ્ય સમાજ વ્યવસ્થાનો હિસ્સો નથી.
આ શ્લોકમાં વ્યક્તિના આંતરિક ગુણધર્મની, દરેકના નિજી વ્યક્તિત્વની - Indivuduality ની ચર્ચા છે તેનો સામાજિક વ્યવસ્થા સાથે દૂરનો સંબંધ છે. દરેક વ્યક્તિ પોતાનો ગુણ લઈને જ જન્મે છે. Built-in છે.
ગુણ-કર્મ :
ચાર વર્ણ ગુણ અને કર્મથી બને છે. અંદર ગુણ છે અને એ ગુણથી જોડાયેલું સંયુક્ત તે કર્મ છે. ગુણ જ બહાર પ્રગટ થઈને કર્મ બની જાય છે. અંદર જેનું નામ ગુણ છે, બહાર તેનું નામ કર્મ છે.
આ ચાર વર્ણ ગુણ અને કર્મના આધારે નિર્માણ કરાયેલા છે. આ ચાર વર્ણ એકબીજાથી ઊંચ-નીચ નથી, એકબીજાના પૂરક છે. Complimentary છે, Supplementary છે. તેમાં કોઈ હાયરાર્કી (hierarchy) નથી.
ગુલાબને ગુલાબ થવું અને આકડાના ફૂલને તેવા થવું તે તેમની બંનેની destiny છે. તે બંને દુનિયાની શોભા વધારે છે. તેમાં કોઈ ઊંચ - નીચ નથી. ઘોડું અને ગધેડું બંને જગતને ઉપકારક છે, પોત પોતાની રીતે.
ગુલાબ અને આકડાનું ફૂલ બંને પોતપોતાની રીતે પોતાના પૂરા સૌંદર્યથી ખીલે છે. પોતાની સંપૂર્ણ એક્સ્ટસીમાં, પોતાના પૂરા હર્ષોન્માદથી સંપૂર્ણ પાંખડીઓને ખીલાવીને નાચે છે. સૂર્યના કિરણોમાં અને ચંદ્રની શીતળતામાં અને પવનની લહેરોમાં તેમાંથી કોઈ કુદરતની દ્રષ્ટિમાં ઊંચ - નીચ નથી. પરમાત્માની દ્રષ્ટિમાં બ્રાહ્મણ અગર ભંગી કોઈ ઊંચ - નીચ નથી. જગતના અસ્તિત્વમાં ગુણભેદ છે પરંતુ ભેદભાવ નથી. વિભાજન છે. પરંતુ સંઘર્ષ (conflict) નથી. અસ્તિત્વમાં સહયોગ છે. અને સહઅસ્તિત્વ સંપૂર્ણ છે.
ખુદા બાદશાહ હૈ સબો પર નિગાહ હૈ।
ન છોટા બડા હૈ ઉસી રબકી ઘરમેં।
ગજંદર ગધા હૈ દુહૂ પર ફિદા હૈ।
ન કોઈ જુદા હૈ ખુદાકી નજરમેં।
ગવા ભેંશ, ઘોડી, રૂ, કીડી, મંકોડી,
સબે મુક્તિ જોડી બસાઈ બસરમેં।
મુરાદં કહે યાર, હસતા કહા હૈ,
હિસાબોના રસ્તા મિલેગા હસરમેં।
રહે શેર બનમેં મહામસ્ત મનમેં,
ઉસે તીન દીનોમે રોજી મિલાતા।
શકરખોર પંખી શુકર નિત ગુજારે,
ફિકર કર ઉસીકો, ખુદાલમ ખિલાતા।
મતંગણકુ મણ દે, રૂ કીડીકુ કણ દે,
પરંદિકુ ચણ દે, રૂ બંદે જીલાતા।
મુરાદમ કહે જો, સહી કરકે દેખા,
ખુદાકી ખૂબીકા નહીં પાર પાયા।
અસ્તિત્વમાં Inner co-operation, Organic Unity છે. ચાર વર્ણોની વચમાં એક શરીર (વિરાટ)નો સંબંધ છે. બ્રાહ્મણ મસ્તક, ક્ષત્રિય હાથ, વૈશ્ય પેટ, શુદ્ર પગ છે. પરમાત્માના ચરણસ્પર્શ કરીને પૂજા થાય છે. કોઈ ઊંચ - નીચ નથી. માથું ઉપર હોય અને પગ નીચે હોય તે physical છે. શારીરિક બંધારણ છે. ઉપર - નીચે હોવું એ મૂલ્યાંકન નથી, એમાં કોઈ valuation નથી.
ગુણ ભીતરની અંદરની ક્ષમતા છે.
કર્મ, બહારની અભિવ્યક્તિ - manifestation છે.
ગુણ, બીજની માફક છુપાયેલું અસ્તિત્વ છે.
કર્મ, વૃક્ષની માફક પ્રગટ અસ્તિત્વ છે.
ગુણ અને કર્મ પ્રમાણે સમાજનું વિભાજન છે. તેને તોડવું નહીં, સ્ત્રી - પુરુષની માફક ચાર વર્ણનું વિભાજન પ્રાકૃતિક છે. તે બહુમતી (majority)ના બળથી અગર કાયદાથી પણ નહીં તોડી શકાય. તેમનો ભેદ vertical નથી, horizontal છે. તેમાં કોઈ ઊંચ-નીચ નથી. બધા એક જ લાઈનમાં - horizontally સરખા જ છે, પોતપોતાના સ્થાને. આ ભેદ નિયતીગત, સ્વભાવગત, natural છે. Legal નથી. in-born, in-built ભેદ છે.
ગુણ - કર્મોનો મેળ હોય તો harmony જળવાય. એક મજૂર ખોદકામ કરવામાં તદાકાર વૃત્તિ કેળવે તો તેને બ્રાહ્મણની ધ્યાનસ્થ સ્થિતિ જેટલો જ આનંદ મળે.
નારાયણ સર્વ પ્રકૃતિના સ્વામી છે અને ગુણકર્મ વિભાગ તે પ્રકૃતિ-સ્વભાવ છે. મનુષ્યોના ગુણ-કર્મ વિભાગ (સ્વભાવ) પ્રમાણે ચાર વિભાગ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર છે. આ વિભાગોને વર્ણ કહે છે. પ્રાકૃતિક જન્મ અને ઉત્પત્તિ પ્રમાણે આ વિભાગ નથી. પરંતુ ગુણકર્મ (સ્વભાવ) પ્રમાણે તે વિભાગ છે.
બ્રહ્મા બ્રાહ્મણ છે. તેમના મરિચાદિ, નારદ, સનતકુમારો વગેરે પુત્રો ગુણકર્મ અનુસાર બ્રાહ્મણો છે, જયારે બ્રહ્માના મનુ જેવા પુત્રો ગુણકર્મ અનુસાર ક્ષત્રિય કહેવાયા. પરાશરના મત્સ્યગંધાથી જન્મેલા પુત્ર વ્યાસ ગુણકર્મથી બ્રાહ્મણ કહેવાયા અને તે જ વ્યાસનાં ચિત્રવીર્ય અને વિચિત્રવીર્યની પત્નીઓથી પેદા થયેલા પુત્રો પાંડુ અને ધૃતરાષ્ટ્ર ક્ષત્રિયો ગણાય. બ્રહ્માના જ અમુક પુત્રો બ્રહ્માની જ પાછળ મૈથુનની ભાવનાથી પાછળ પડ્યા તે રાક્ષસ જેવા શુદ્રના વિભાગમાં પડ્યા.
ગમે તે સ્ત્રીના પેટે અને ગમે તે ગોત્ર કે સ્ત્રોતથી જન્મેલા સર્વ બાળકો અજ્ઞાન, અવિકસિત, નિર્બળ અને પરાધીન હોય છે, તે તમામ બાળકોને જન્મથી તો શુદ્ર જ ગણવામાં આવે છે. 'જન્મના જાયતે શુદ્ર: |' અને તેઓ બધા જ બ્રહ્મચારી હોય છે. બ્રહ્મચારી એટલે બ્રહ્મા, કુદરત, પ્રકૃતિના વર્તાવ - Inititation મુજબ પોતાની વિચારશક્તિ અને અહંની દોરવણી વગર બ્રહ્મા જેવો નિર્દોષ આચાર - વર્તાવ કરે છે, તેથી તેઓ બ્રહ્મચારી છે. પછી ઉમર વધતા પોતાના અંતઃકરણના સ્વભાવ-વિચાર પ્રમાણે 'હું' પદથી પોતાના વ્યક્તિત્વ પ્રમાણે વર્તાવ, ગુણ અને કર્મ દેખાડે ત્યારે તેને વર્ણના યોગ્ય વિભાગમાં બેસાડી શકાય અને તેને માટે આર્યોમાં એક સંસ્કારવિધિ થાય છે . તેને દ્વિજ વિધિ, ઉપનયન સંસ્કાર, જનોઈ વિધિ કહે છે. 'સંસ્કારાત્ દ્વિજ ઉચ્યતે'.
આ સંસ્કારથી પોતાના અલગ વર્તાવ, ગુણ, કર્મ બતાવનાર કુમારને તે બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય છે તે જણાતા તેને તે વિભાગનો ગણવો જોઈએ. 'દ્વિ' એટલે બીજો અને 'જ' એટલે જન્મ. પહેલો જન્મ માતાના પેટે થયો તે પ્રાકૃત જન્મ અને પ્રાકૃત જન્મથી જન્મેલા બધા જ શુદ્ર કહેવાય. બીજો જન્મ તે સંસ્કાર, અંતઃકરણના વિકાસનો જન્મ તે સાંસ્કારિક વિભાગ બતાવતો જન્મ, વ્યક્તિનું વ્યક્તિત્વ દર્શાવતો જન્મ. ત્રણેય વર્ણોના માટે યજ્ઞોપવિત થાય છે પરંતુ જે વ્યક્તિ ઉંમરલાયક થવા છતાં મૂઢ, અજ્ઞાન અને અવિકસિત અંતઃકરણવાળો હોય તે સંસ્કારરહિત એવો શુદ્ર ગણાય તેને જનોઈ ના દેવાય.
સ્ત્રીઓ પણ ગુણકર્મ વિભાગ પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર ગણાઈ શકે. ગાર્ગી, સરસ્વતી, અનસૂયા, દેવહુતિ, મત્સ્યગંધા, ઝાંસીની રાણી, ક્સ્તૂરબા, ઇન્દિરા ગાંધી વગેરે સ્ત્રીઓ શું અંતઃકરણના વિકાસ વગરના હતા? છતાં જડ બ્રાહ્મણો અને આચાર્યોએ આખી સ્ત્રી જાતિને શુદ્ર ગણી છે. અને તેને જનોઈ વિધિથી બાકાત રાખી છે. પારસી કોમની સ્ત્રીઓ જનોઈ કસ્તિના રૂપમાં પહેરે છે.
આ પ્રમાણે બ્રાહ્મણ જન્મતા નથી પરંતુ થાય છે. માણસ ગુણકર્મ વિભાગથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રના વર્ણમાં જાય છે અગર ગણાય છે. એક જ વંશવેલાના લોકો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર વગેરે થાય છે.
શ્રીકૃષ્ણ, વસુદેવ કે ઉગ્રસનેના વંશમાં બ્રાહ્મણ કે ક્ષત્રિય? નંદના ઘેર ગોપાલન કરનાર વૈશ્ય કે યુદ્ધ કરનાર ક્ષત્રિય કે યુધિષ્ઠિરના યજ્ઞમાં પતરાળા ઉપાડનાર શુદ્ર? ના, તે કશું જ નહિ કારણ કે તે ગુણાતીત છે. શ્રીકૃષ્ણ કહે છે કે આ ચાતુર્વર્ણ મારી પ્રકૃતિના લીધે મારી કૃતિ છે પરંતુ તું તો મને અવ્યય, નિર્વિકાર, અકર્તા જ જાણ.
બ્રાહ્મણ :
સર્વત્ર બ્રહ્મ દેખે તે બ્રાહ્મણ. બ્રાહ્મણના કુળમાં જન્મવાથી બ્રાહ્મણપણું ટકતું હોય તો પવિત્ર પુલત્સ્યકુળમાં જન્મેલા રાવણને રાક્ષસ કેમ કહ્યો? અને બ્રાહ્મણને મારીને રામે બ્રહ્મહત્યા કેમ કરી? વિશ્વામિત્ર જેવા ક્ષત્રિયને બ્રાહ્મણ તરીકે સ્વીકારીને તેને ગાયત્રી મંત્રના ઋષિ તરીકે સ્થાપિત કર્યા અને બ્રાહ્મણ માત્રના આચાર્ય તરીકે તે મનાયા. બાપ કે પતિનું નામ નહી જાણનાર જાબાલ તથા તેના પુત્રને બ્રાહ્મણ તરીકે ઘોષિત કર્યા.
ઊંચ - નીચના ભેદભાવ જેની દ્રષ્ટિમાં છે તે રાક્ષસ. શંકરાચાર્યની દ્રષ્ટિ સમ હતી તે 'જગદ્દગુરુ' કહેવાય. જગતમાં તો મુસ્લિમ, ખ્રિસ્તી વગેરે બધા આવી ગયા. જો ફક્ત બ્રાહ્મણોને જ 'જગત' ગણો તો વિશ્વની વસ્તીનો એક ટકો પણ બ્રાહ્મણ પૃથ્વી ઉપર નથી. શંકરાચાર્ય જગદ્દગુરુ ગણાય છે કારણ કે તેમનામાં આખા વિશ્વમાં તમામ પ્રાણીઓ પ્રત્યે ભેદભાવવાળી દ્રષ્ટિ નથી.
અઢાર અઢાર પુરાણોના લેખક શ્રી વ્યાસ બ્રાહ્મણીના નહિ પરંતુ માછણના પુત્ર હતા. બ્રાહ્મણો પાસે આજે વશિષ્ઠ જેવા નેતા નથી. બ્રાહ્મણો તો શું આજે પૃથ્વી ક્ષત્રિય અને વૈશ્ય રહિત થતી જાય છે. કેવળ ક્ષુદ્રો (અજ્ઞાનીઓ) સિવાય અન્યનું અસ્તિત્વ નહી રહે.
પ્રાચીન ઉદાર બ્રાહ્નણોએ કુળ અને મૂળ જોયા સિવાય માત્ર ગુણ અને કર્મના હિસાબે ઘણાને બ્રહ્મત્વ બ્રાહ્મણત્વ સમર્પ્યુ છે. વૈશ્યસુત વશિષ્ઠ, ગાધિસુત વિશ્વામિત્ર, માછણસુત વ્યાસ, ઘટસુત અગત્સ્ય, વિધવાસુત સત્યકામ, દાસીસુત નારદ, શુદ્રસુત કાલિદાસ, શ્વપાકસુત વાલ્મિક, ગોસાઈસુત તુલસીદાસ, પતિતપુત્ર પતંજલિ, કુંડપુત્ર યાજ્ઞવલ્કય વગેરે અનેકને પ્રાચીન ઉદાર બ્રાહ્મણોએ તેમને બ્રાહ્મણ તરીકે સ્વીકાર્યા છે.
સીતાનું હરણ એક સંન્યાસીએ કર્યું કે એક બ્રાહ્મણે કર્યું એમ કોઈ કહેતું નથી. રાક્ષસ રાવણે હરણ કર્યું એમ દરેક 'રામાયણ'માં લખેલું છે.