શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૪

જ્ઞાનકર્મ સંન્યાસ યોગ

યસ્ય સર્વે સમારમ્ભાઃ કામસઙ્કલ્પવર્જિતાઃ ।
જ્ઞાનાગ્નિદગ્ધકર્માણં તમાહુઃ પણ્ડિતં બુધાઃ ॥ ૧૯॥

યસ્ય સર્વે સમારમ્ભાઃ કામસંકલ્પવર્જિતાઃ

જ્ઞાનાગ્નિદગ્ધકર્માણમ્ તમ્ આહુઃ પણ્ડિતમ્ બુધાઃ

હે અર્જુન !

તમ્ - તે પુરુષને

બુધાઃ - જ્ઞાનીઓ (પણ)

પણ્ડિતમ્ - પંડિત

આહુઃ - કહે છે.

યસ્ય - જેના

સર્વે - સઘળા

સમારમ્ભાઃ - કાર્યો

કામસંકલ્પવર્જિતાઃ - ફળની ઈચ્છા અને કર્તાપણાના સંકલ્પથી રહિત છે, (તથા)

જ્ઞાનાગ્નિદગ્ધકર્માણમ્ - જ્ઞાનરૂપ અગ્નિથી જેના કર્મબંધન નાશ પામ્યા છે,

જેના સર્વ આરંભો કામનાઓથી ને સંકલ્પથી રહિત હોય તથા જેના કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયા હોય, તેને જ્ઞાનીઓ પંડિત કહે છે. (૧૯)

ભાવાર્થ

તમ આહુ: પંડિતમ બુધા:

અબુધ (અજ્ઞાની) માણસો તો ગમે તેવાને પણ પંડિત કહે. જેને શાસ્ત્રોની શબ્દજાળ પાથરતા આવડે, જેને જુદા જુદા તર્કવિતર્ક કરતા આવડે તેને અજ્ઞાનીઓ પંડિત કહે છે. પંડિત સોઈ જો ગાલ બજાવા. (માનસ)

પરંતુ બુધા: (જ્ઞાનીઓ) એવા માણસને પંડિત કહે છે જેના સમસ્ત કાર્યો કામના અને સંકલ્પથી રહિત છે અને જેના કર્મો જ્ઞાનાગ્નિમાં ભસ્મ થઇ ગયા છે. તેથી તે અંકુરિત અને ફલિત થતા નથી. અને તેથી તે તેને ભોગવવા પડતા નથી. આવા પંડિતને જ્ઞાનનો સીધો સાક્ષાત્કાર - Immediate Realization થયેલ છે. આવા પંડિત ઉધાર નથી હોતા પરંતુ તેમને સત્ય સાથે સીધો (કાંઈ પણ મધ્યસ્થી વગરનો) સંપર્ક, સંસર્ગ છે.

કામના એટલે જે નથી તે પ્રાપ્ત કરવા માટે મનની વિક્ષિપ્ત અવસ્થા. જે છે તેનાથી સંપૂર્ણ સંતોષ અનુભવે તેની કામના ક્ષીણ થઇ ગઈ કહેવાય.

કામનાના ચાર સ્ટેજ છે:

૧. વાસના

૨. સ્પૃહા

૩. ઈચ્છા

૪, તૃષ્ણા

(જુઓ - ગીતા - ૨/૫૫)

સંકલ્પ પ્રભવાન્ કામાન્ ત્યક્ત્વા સર્વાન્ અશેષતઃ ।

(ગીતા - ૬/૨૪)

કામનાથી સંસારી પરેશાન છે. અને સંન્યાસી પણ પરેશાન છે. સંન્યાસીએ કામનાનું રૂપ બદલ્યું પણ કામના ના છોડી. કામનાનો Object બદલ્યો, વિષય બદલ્યો પણ કામના તો રહી જ. ધનની જગ્યાએ ધર્મની, સુખની જગ્યાએ સ્વર્ગની, પદાર્થની જગ્યાએ સ્વાર્થની, મકાનની જગ્યાએ મઠ - મંદિરની, સ્ત્રી - પુત્રાદિકની જગ્યાએ ચેલા - ચેલીઓની કામના મોજૂદ રહી. કામનાનું રૂપ, રંગ, ઢંગ બદલાયા અને કામના ફરીથી નવા રૂપ, નવા વિષયો, નવા Object ઉપર દોડવા લાગી. ખભો બદલવાથી ભાર ઓછો ના થાય.

સંકલ્પ - વિકલ્પરહિત અને તેનાથી ઉત્પન્ન થતી કામનાઓથી રહિત ભક્તના હૃદયમાં તો એવડા મોટા ભગવાન પણ નાના પડે.

આત્માની અનુભૂતિ થવી, આત્મસાક્ષાત્કાર થવો એ કોઈ ડિગ્રી નથી. તેની કોઈ ડિગ્રી સાથે તુલના થઇ શકે નહી, સરખાવી શકાય નહી. ડિગ્રીને 'ઉપાધિ' કહેવામાં આવે છે. ઉપાધિનો અર્થ ઉપદ્રવ બીમારી વગેરે પણ થાય છે. ખરેખર તો ઉપાધિગ્રસ્ત (ડિગ્રીધારી) આદમી બીમાર હોય છે, કારણ કે તમામ ઉપાધિઓ, તમામ ડિગ્રીઓ અહંકાર વધારનારી હોય છે અને તમામ ડિગ્રીઓ માણસના અહંકારને કામનાઓ, વાસનાઓ તરફ ઘસડી જાય છે. અહંકાર મોટામાં મોટી બીમારી (ઉપાધિ - ડિગ્રી) છે. જે ખરેખરો જ્ઞાની છે તે તો ઉપાધિમુક્ત - અહંકારમિક્ત હોય છે. તે તો ડિગ્રીલેસ - drgreeless, પ્રમાણપત્ર રહિત છે, તે તો સ્વયં પોતે જ પ્રમાણપત્ર છે. તેને બીજા કોઈએ આપેલા પ્રમાણપત્રની - ડિગ્રીની જરૂરિયાત નથી. તેની આંખો, તેનું હૃદય, તેનું ઉઠવું - બેસવું, તેનું રૂંવેરૂંવું તેનું પ્રમાણપત્ર છે. તેને બીજા કોઈની સાક્ષીની, ગવાહીની જરૂરિયાત નથી, તે પોતે જ સ્વયં સાક્ષી - ગવાહીસ્વરૂપ છે.

બુધા: - ડાહ્યા માણસો આવા જ્ઞાનીને પંડિત કહે છે. મૂર્ખા માણસો તો ગમે તેવા માણસને પંડિત કહે છે - આંધળાઓની જમાતમાં તો કાણિયો પણ પ્રધાન થઇ શકે.

જેને માત્ર પુસ્તકો જ વાંચીને પંડિતાઇ મેળવી છે તેની કક્ષા કોમ્યુટરથી વધારે નથી. કોમ્યુટર પાસે પોતાનું નિજી અનુભૂતિનું જ્ઞાન નથી. તેની પાસે માત્ર શીખેલું, ગોખેલું, ઉધારીયા જ્ઞાન છે. જેને પોતાનું અનુભૂતિનું નિજી જ્ઞાન નથી તે જ્ઞાનની લાંબી - ચોડી વાતો કરે તો તે જગતને નુકસાન કરે અને જેને નિજી જ્ઞાન છે, અનુભૂતિપૂર્વકનું જ્ઞાન છે તે કદાપિ મૌન રહે તો પણ તે જગતને લાભકર્તા છે, ઉપકારક છે.

એન્જીનીયરીંગની પરીક્ષામાં ગોલ્ડ મેડલિસ્ટ થનાર માણસને ઘરમાં ખીલી મારવાની પણ સૂઝ નથી હોતી. M.B.B.S. માં ગોલ્ડ મેડલિસ્ટ ડોક્ટર કરતા સામાન્ય ડોક્ટર સારું કામ કરે છે. L.L.B. માં ગોલ્ડ મેડલિસ્ટની પ્રેક્ટિસમાં ધબડકો હોય છે.