શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૪

જ્ઞાનકર્મ સંન્યાસ યોગ

નિરાશીર્યતચિત્તાત્મા ત્યક્તસર્વપરિગ્રહઃ ।
શારીરં કેવલં કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ્ ॥ ૨૧॥

નિરાશી: યતચિત્તાત્મા ત્યક્તસર્વપરિગ્રહઃ

શારીરમ્ કેવલમ્ કર્મ કુર્વન્ ન આપ્નોતિ કિલ્બિષમ્

કેવલમ્ - માત્ર

શારીરમ્ - શરીર નિર્વાહ માટે

કર્મ - કર્મ

કુર્વન્ - કરતો છતાં

કિલ્બિષમ્ - પાપને

ન આપ્નોતિ - પામતો નથી

યતચિત્તાત્મા - શરીર તથા મનને જીતનાર

ત્યક્તસર્વપરિગ્રહઃ - સઘળા ભોગસાધનોને ત્યજનાર

નિરાશી: - આશારહિત પુરુષ

જે આશરહિત છે, મન અને શરીરને વશ રાખનારો છે, જેણે સર્વ પરિગ્રહો છોડી દીધા છે, તે શરીરમાત્રથી કર્મો કરે છે છતાં પાપથી લેપાતો નથી. (૨૧)

ભાવાર્થ

ખાતા, પીતા, ન્હાતા, ધોતા, ચાલતા, ફરતા દરેક કર્મમાં જ્ઞાનીની Total presence - સંપૂર્ણ હોશમાં મોજૂદગી હોય છે. મન બીજા કશામાં રખડતું નથી.

શરીર તો મિકેનિકલ છે, habitual છે. તેને અગિયાર વાગે જમવાની ટેવ પાડો તો તેને બરાબર અગિયાર વાગે જ ભૂખ લાગે.

યુક્તાહારવિહારસ્ય યુક્તચેષ્ટસ્ય કર્મસુ ।

યુક્તસ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખહા ॥

(ગીતા - ૬/૧૭)

ભૂખ લાગે તો જ ખાવું. ભૂખ મટે એટલું જ ખાવું.

શરીરના આવશ્યક કર્મોને હોશપૂર્વક, સાક્ષીભાવથી, સમ્યક રૂપથી નિપટાવે તે માણસ કર્મના બંધનમાં પડતો નથી. તે કર્મ કરતો હોવા છતાં મુક્ત છે.

અમીરો ધાર્મિક દિવસોએ ઉપવાસ કરે છે, કારણ કે બાકીના દિવસોમાં તેઓ ખૂબ ખાય છે - જયારે ગરીબો ધાર્મિક દિવસોમાં મિષ્ટાન્ન બનાવીને જમે છે કારણ કે આડે દહાડે તેઓ અર્ધભૂખ્યા રહે છે.

Extreme is bondage. અતિ બંધન છે, મધ્યમાં (equilibrium) મુક્તિ છે.