સત્પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટુ છું. (૮)
ભાવાર્થ
વારંવાર કૃષ્ણ નથી જન્મતા, પરંતુ જે જન્મે છે તે કૃષ્ણ છે. (કૃષ્ણની ચેતના છે) પરમાત્માનો જન્મ થાય છે એમ કહેવું તે ભાષની ભૂલ છે. એટલા માટે આ શ્લોકમાં 'સંભવામિ' અર્થાત હું પ્રગટ થાઉં છું. એવો શબ્દપ્રયોગ કરે છે યુગે યુગે એટલે કે From time to time, as necessity arises, વખતોવખત જયારે જયારે જરૂર પડે ત્યારે હું પ્રગટ થાઉં છું. 'પરિત્રાણાય સાધુનામ્' એટલે કે સાધુ પુરુષોના રક્ષણ માટે. સંસારમાં સીધો ચાલે તેનું નામ સાધુ. ન્યાય, નીતિ, ધર્મથી સીધા ચાલે તેવા સજ્જન સંત - સાધુપુરુષોને દુષ્ટો હેરાન ના કરે તે માટે તેમના રક્ષણાર્થે (પરિત્રાણાય) હું અવતરું છું..
માત્ર દુષ્ટોના વિનાશ માટે ભગવાન અવતરે તો તો સ્વયં તે પોતે દુષ્ટ બની જાય. પરમાત્મા તો કરુણાથી પ્રેરાઈને અવતરે છે. માટે તે દુષ્ટોની દુષ્ટતાનો અંત લાવીને, પાપીને વધુ પાપી થતા અટકાવીને, તેનો પોતાના હાથે વધ કરીને, તેને પાવન કરવા તેમને માટે કૃપાસાધ્ય બને છે. પરમાત્માના ક્રોધમાં પણ કરુણા હોય છે, તેમના મારમાં પણ પ્યાર હોય છે. There is no such word as “punishment” in the realm of God. It is not punishment; it is treatment. પરમાત્મા દુષ્ટોને સજા નથી કરતા પરંતુ સારવાર કરે છે જેથી તે મરે અને વધુ પાપ કરતા અટકે.
ધર્મસંસ્થાપનાર્થાય
ધર્મનું સંસ્થાપન કરવું એટલે શું?
ધર્મ કોઈ દિવસ નષ્ટ થતો નથી, નષ્ટ થવાનો પણ નથી. માત્ર લુપ્ત થાય છે. લુપ્ત થવાના અર્થમાં ધર્મની ગ્લાનિ થાય છે એવો શબ્દપ્રયોગ કર્યો છે એટલે તેનું પુન: સ્થાપન કરવાની વારંવાર જરૂર પડે છે.
અધર્મ કદાપિ અસ્તિત્વવાન (existential) નથી હોતો. ધર્મ કદાપિ અસ્તિત્વહીન નથી હોતો. છતાં અસ્તિત્વહીન એવા અધર્મને હટાવવાની જરૂર પડે છે. આ વાત ઉલટી માલૂમ પડે છે. આ Paradoxical - વિરોધાભાસી વાત લાગે છે.
જે ધર્મ કદાપિ નષ્ટ થતો નથી તેને પુન:સ્થાપન કરવાની શી જરૂર? અને જે અધર્મ કદાપિ હોતો જ નથી તેને હટાવવાની શી જરૂર?
આ વાત નીચેના દાખલાથી સમજાશે.
અંધારું હોય છે, પરંતુ ખરેખર અંધારું નામની કોઈ ચીજ, વસ્તુ હોતી નથી. અંધારું અસ્તિત્વવાન(existential) નથી. આ પણ જિંદગીનો એક Paradox - વિરોધાભાસ છે. અંધારું નામની કોઈ ચીજ કે વસ્તુ નથી. માત્ર પ્રકાશની અનુપસ્થિતિ (absence) ને અંધારું કહેવાય છે. છતાં અંધારું બીવડાવે છે, આપણને ખાડામાં નાખે છે, ગભરાવે છે, તે હકીકત છે.
અંધારું તલવારથી કાપી શકાતું નથી, ધક્કો મારીને ઘરની બહાર કઢાતું નથી, ગાંસડી બાંધીને બહાર ફેંકી દઈ શકાતું નથી, ડોલ ભરીને ઉલેચી શકાતું નથી. વાયરો નાખીને ઉડાડી શકાતું નથી, ફૂંક મારીને ઓલવી શકાતું નથી, કારણ કે અંધારું નામની કોઈ ચીજ કે વસ્તુ નથી. અંધારું વાસ્તવિક છે જ નહિ, અંધારાનું કોઈ Substantial existence - વાસ્તવિક અસ્તિત્વ જ નથી. અંધારામાં કોઈ substance નથી, કોઈ contents નથી. અંધારું અવસ્તુ - nothing છે.
છતાં અંધારું, જે નથી, તેનાથી માણસ ખાડામાં પડે છે. અને હાથ પાંગોઠુ ભાંગે છે. જે નથી તે અંધારાને લીધે માણસ ડરે છે, ચોર ચોરી કરે છે. હત્યારો હત્યા કરે છે. વૈજ્ઞાનિકો પણ કહે છે કે અંધારું (substantial) - અસ્તિત્વગત નથી, એનું કોઈ અસ્તિત્વ નથી.
જયારે પ્રકાશનું તો Substantial and positive existence વાસ્તવિક અસ્તિત્વ છે જ. અને તે જ જેટલી વાર અને જયારે જયારે લુપ્ત થઇ જાય છે. તેટલી વાર અને ત્યારે ત્યારે, ત્યાં ને ત્યાં તેને પાછું લાવવું પડે છે; પ્રસ્થાપિત કરવું પડે છે. દરરોજ સાંજે દીવો સળગાવવો પડે છે.
એ પ્રમાણે અધર્મ જે કદાપિ નથી તેને હટાવવા માટે અને ધર્મ જેનું સદાકાળ અસ્તિત્વ છે તે જયારે લુપ્ત થાય છે ત્યારે તેનું સંસ્થાપન કરવા કૃષ્ણની ચેતના સાકાર સ્વરૂપે પ્રગટ થાય છે.
પ્રકાશનો સ્ત્રોત (source) છે - સૂર્ય, અગ્નિ, કોડિયું, ફાનસ, ટ્યુબલાઈટ વગેરે. જયારે અંધારાનો કોઈ સ્ત્રોત (source) નથી, કારણકે અંધારું છે જ નહિ. સૂર્ય ઉગે છે ત્યારે અંધારું, ક્યાં કઈ જગ્યાએ સંતાઈ જાય છે? ક્યાંય જતું નથી કારણ કે તે કદાપિ હોતું જ નથી. છતાં દરરોજ આવે છે, જયારે પ્રકાશ તો સદાકાળ છે જ છતાં દરરોજ સાંજે લુપ્ત થઇ જાય છે અને તેના સંસ્થાપન માટે કોડિયું, ફાનસ, ગોળો, ટયુબલાઈટ (વિવેકાનંદ, રામતીર્થ, શંકરાચાર્ય વગેરે)ની જરૂર પડે છે અને સૂર્ય જેવાને (રામ, કૃષ્ણ વગેરેને) આવવું પડે છે.
ધર્મ કદી નષ્ટ થતો નથી, લુપ્ત થાય છે. અધર્મ કદાપિ પ્રસ્થાપિત નથી થતો, છવાઈ જાય છે.
સૂર્યને આપણે નરી આંખેથી સીધેસીધો જોઈ શકતા નથી, આંખો અંજાઈ જાય છે. જયારે કોડિયાને, ફાનસને વગેરેને આપણે સીધેસીધા જોઈ શકીએ છીએ. એ જ પ્રમાણે કૃષ્ણને (સૂર્યને) આપણે સામાન્ય બુદ્ધિથી સમજી શકતા નથી, જયારે વિવેકાનંદ, રામતીર્થ વગેરે સંતોને (કોડિયું, ફાનસ, ટ્યૂબલાઇટને) આપણે સામાન્ય બુદ્ધિથી સમજી શકીએ છીએ.