હે અર્જુન ! મારા અને તારા ઘણા જન્મો થઇ ગયા છે; તે બધા હું જાણું છું, (પણ) હે પરંતપ ! તું નથી જાણતો. (૫)
ભાવાર્થ
માનવની અનેક સાહજિક ભૂલોમાં એક ભૂલ એ છે કે તે જે નથી જાણતો તે છે જ નહીં એવું તે માની બેસે છે. ખરેખર તો ઘણું બધું એવું છે કે જે આપણે જાણતા નથી અને છતાં તે છે.
ભગવાન જરાય ખચકાયા વગર અત્યંત સરળતા અને સાહજીકતાથી જવાબ આપે છે કે અર્જુન ! તું જે કાંઈ નથી જાણતો તેવું ઘણુંબધું હું જાણું છું. ભગવાનનું વક્તવ્ય બિલકુલ સીધું અને સાફ છે. કોઈ દલીલ નહીં.
અર્જુન દલીલ કરે છે કે તમે સર્ટિફિકેટ બતાવો કે તમે સૂર્યનારાયણ પહેલા પણ હતા તો ક્યાં હતા? કોઈ મ્યુનિસિપાલિટીની ઓફિસમાંથી તમારી જન્મતારીખનો દાખલો લાવો.
અર્જુનની દ્રષ્ટિ શરીરકેન્દ્રિત (body-oriented) છે. શરીર-કેન્દ્રિત દ્રષ્ટિ શરીરની બહારની વાત જ સમજી શકે. અર્જુનને તો દેવકીના પેટે જન્મેલા કૃષ્ણના શરીર તરફ દ્રષ્ટિ છે.
ભગવાન સ્પષ્ટ જવાબ આપે છે કે પરમાર્થ દ્રષ્ટિથી હું જન્મરહિત છું પરંતુ લોકદૃષ્ટિથી, મારી લીલામાત્રથી, દેહ ધારણ કરવાથી મારા અનેક અવતારો અને કર્માનુસાર તારા અનેક જન્મો પૂર્વે થઇ ગયા છે. મારી જ્ઞાનશક્તિ આવરણરહિત હોવાથી, સર્વજ્ઞ એવો હું મારા, તારા અને અન્ય સર્વ ભૂતોના જન્મોને યથાવત્ જાણું છું. જયારે ધર્મ, અધર્મ તથા રાગદ્વેષાદિ દોષોથી તારી જ્ઞાનશક્તિ આવૃત થયેલી હોવાથી પૂર્વે થઇ ગયેલા તારા જન્મોને તું જાણતો નથી. તો પછી મારા પૂર્વે થઇ ગયેલા આવતારો કે અન્ય જીવોના પૂર્વે થઇ ગયેલા જન્મોને તું ના જાણે એમાં કશું આશ્વર્ય નથી. તારી બુદ્ધિ ઉપર અજ્ઞાનનું આવરણ છે તેથી તને તારા જન્મોનું સ્મરણ નથી, જયારે મારી પાસે એવું અજ્ઞાન નહીં હોવાથી હું મારા તમામ અવતારોને યથાવત્ પ્રત્યક્ષવત્ જાણું છું. એટલે મને યાદ છે કે મેં આ યોગવિદ્યાનું જ્ઞાન કલ્પના પ્રારંભમાં વિવસ્વાનને આપ્યું હતું.
હવે જન્મરહિત ભગવાનનો અવતાર અને તેનું કારણ ભગવાન કહે છે.