શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૪

જ્ઞાનકર્મ સંન્યાસ યોગ

એવં બહુવિધા યજ્ઞા વિતતા બ્રહ્મણો મુખે ।
કર્મજાન્વિદ્ધિ તાન્સર્વાનેવં જ્ઞાત્વા વિમોક્ષ્યસે ॥ ૩૨॥

એવમ્ બહુવિધા: યજ્ઞા: વિતતા: બ્રહ્મણ: મુખે

કર્મજાન્ વિદ્ધિ તાન્ સર્વાન્ એવમ્ જ્ઞાત્વા વિમોક્ષ્યસે

સર્વાન્ - સઘળા

કર્મજાન્ - શરીર, મન અને ઇંદ્રિયોની ક્રિયાઓ દ્વારા થનારા

વિદ્ધિ - જાણ,

એવમ્ - એવું

જ્ઞાત્વા - જાણવાથી (તું)

વિમોક્ષ્યસે - સંસારબંધનમાંથી છૂટશે.

એવમ્ - એ પ્રમાણે

બહુવિધા: - ઘણી જાતના

યજ્ઞા: - યજ્ઞો

બ્રહ્મણ: - વેદની

મુખે - વાણીમાં

વિતતા: - વિસ્તારેલા છે.

તાન્ - તે

આ પ્રમાણે બ્રહ્માનાં મુખરૂપ વેદમાં અનેકે પ્રકારના યજ્ઞો વિસ્તારથી કહેવા આવ્યા છે તે બધા યજ્ઞોને તું (ફળની ઈચ્છાને લીધે થતા) કર્મોથી ઉત્પન્ન થનારા જાણ. એ પ્રમાણે જાણવાથી તું (કર્મના બંધનથી) મુક્ત થઈશ. (૩૨)

ભાવાર્થ

આ શ્લોક conclusion છે, તાત્પર્ય છે. જીવનના તમામ કર્મો કામનાઓના કારણે નહી પરંતુ નિષ્કામતાના આધાર ઉપર કરો તે આ શ્લોકનુ conclusion છે, સાર છે.

આપણે તો ફકત સકામ કર્મોને જ ઓળખીએ છીએ, અને તે કરીએ છીએ. નિષ્કામ કર્મોને તો જાણે કે આપણે ઓળખતા જ નથી એટલા માટે જ આપણે પરમ આનંદને કદાપિ માણી શકતા નથી. સકામ કર્મની એક ખૂબી છે કે જ્યાં સુધી તે પૂરું ના થાય ત્યાં સુધી તેમાં સુખની આશા જારી રહે છે પરંતુ તે જ્યાં પૂરું થયું કે માત્ર દુઃખ જ હાથમાં આવે છે.

નિષ્કામ કર્મની એક ખૂબી છે કે તે જ્યાં સુધી કરતા રહો ત્યાં સુધી કામના અને આશાથી શૂન્ય થવું પડે છે અને જયારે તે કર્મ પૂરું થાય ત્યારે તે આનંદથી ભરાઈ જાય છે, આપૂરિત થઇ જાય છે.

આપણા બધા જ કામ સકામ છે. પ્રેમ કરીએ તે પણ સકામ, મિત્રતા કરીએ તે પણ સકામ. પ્રાર્થના કરીએ, મંદિરમાં જઈએ, સત્સંગ કરીએ, દાન કરીએ, તપ કરીએ, ભજન કરીએ તે બધું જ સકામ. આપણો અનુભવ, કામનાનો અનુભવ છે અને તેથી આપણી નિષ્પત્તિ (conclusion) પણ દુઃખની નિષ્પત્તિ છે.

આપણે જ્યાં જ્યાં કામનાના ફૂલ તોડવા ગયા ત્યાં ત્યાં દુઃખના કાંટા જ વાગ્યા. આ અનુભવ બધાનો દરરોજનો છે છતાં આપણે તેમાંથી કાંઈ પણ બોધપાઠ મેળવતા નથી. તે આપણી વિચિત્રતા છે. અને weakness પણ છે. આપણે રામની માફક કાયમ સોનાના મૃગની પાછળ દોડીએ છીએ જે કદાપિ કોઈને મળ્યો નથી અને મળવાનો પણ નથી. આપણી અંદર બેઠેલી સીતા (વાસના, માયા) આપણને કાયમ ઉશ્કેરે છે અને આપણે (જીવાત્મા) સોનાના મૃગની પાછળ નાસભાગ કરીએ છીએ.

નિષ્કામ ભાવથી કાંટાને પકડો તો તે પણ ફૂલ બની જશે અને સકામ ભાવથી ફૂલ પકડવા જશો તો પણ કાંટા જ હાથમાં આવશે અને લોહી (દુઃખ) કાઢશે. પ્રયોગ કરી જુઓ. નિષ્કામ ભાવથી કોઈને નમસ્કાર કરશો તો પણ હૃદયમાં (વિનામૂલ્ય) આનંદ પ્રગટ થશે. આટલા નજીવા નિષ્કામ કર્મથી પણ આનંદની પુલક પ્રગટ થાય પછી તો જીવનના તમામ કામ નિષ્કામ ભાવે કરવાની ભાવના ધીરે ધીરે જાગ્રત થશે. પછી તો આખું જીવન યજ્ઞમય બની જશે અને મુક્તિનો અનુભવ થશે.