શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૪

જ્ઞાનકર્મ સંન્યાસ યોગ

યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત ।
અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્ ॥ ૭॥

યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ: ભવતિ ભારત

અભ્યુત્થાનમ્ અધર્મસ્ય તદા આત્માનમ્ સૃજામિ અહમ્

ભવતિ - થાય છે

તદા - ત્યારે (ત્યારે)

હિ - જ

અહમ્ - હું

આત્માનમ્ - મારા સ્વરૂપને

સૃજામિ - પ્રગટ કરું છું.

ભારત - હે ભારત !

યદા - જયારે

યદા - જયારે

ધર્મસ્ય - ધર્મની

ગ્લાનિ: - હાનિ (અને)

અધર્મસ્ય - અધર્મની

અભ્યુત્થાનમ્ - વૃદ્ધિ

હે ભારત ! જયારે જયારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું. (૭)

ભાવાર્થ

આવા જ અર્થમાં ગોસ્વામી તુલસીદાસજી 'રામ ચરિત માનસ' માં લખે છે:

જબ જબ હોઈ ધરમ કી હાનિ , બાઢહિ અસુર મહા અભિમાની.

કરહી અનીતિ જાઈ નહિ બરની, સીદહીં બિપ્ર ધેનુ સુર ધરની.

તબ તબ પ્રભુ ધરી મનુજ (વિવિધ) શરીરા, હરહિ કૃપાનિધિ સજ્જન પીરા.

બિપ્ર ધેનુ સુર સંત હિત, લીન્હ મનુજ અવતાર.

નિજ ઈચ્છા નિર્મિત તનુ, માયા ગુણ ગો પાર.

પરમાત્મા કહે છે કે : હું માત્ર રાવણ, કંસ, હિરણ્યકશ્યપ વગેરેને મારવા માટે જ અવતાર નથી લેતો. એ કામ તો હું અવતાર લીધા વગર પણ કરી શકું છું. મારી ઈચ્છા - સંકલ્પ માત્રથી હું અનંત કોટિ બ્રહ્માંડનો એક ક્ષણના પણ વિલંબ વગર લય કરી શકું છું, તો પછી રાવણ, કુમ્ભકર્ણ, કંસ જેવા મગતરાઓને મારવા માટે મારે ધક્કા ખાવાની જરૂર નથી. હું તો મારી શબરીને, જટાયુને, વિદુરને, મારી ગોપીઓને વગેરે મારા ભક્તોને મળવા માટે અવતાર લઉં છું. અને તે વખતે કોઈ દુષ્ટો હડફેટે ચઢે અને મરે તે વાત જુદી છે. મારા ભક્તો પ્રહલાદ, દ્રૌપદી વગેરે બૂમ પાડે તે વખતે હું દોડતો આવું છું અને થાંભલામાંથી પણ પ્રગટ થઇ શકું છું. મારે પ્રગટ થવાને માટે કોઈ યોનિની જરૂર નથી, કારણ કે હું સર્વત્ર વ્યાપ્ત છું. પ્રહલાદ પોકાર કરે તે વખતે જન્મ લેવા માટે હું દેવકીને કે કૌશલ્યાને ખોળવા ક્યાં જાઉં? તે વખતે ચૈત્ર મહિનો છે કે શ્રાવણ મહિનો છે તે મુહૂર્ત જોવા ના બેસું. હું તાત્કાલિક થાંભલામાંથી પ્રગટ થઇ શકું છું. આ વાત સ્પષ્ટ કરવા માટે નૃસિંહ - અવતારનું મુખ્ય કારણ બતાવતા વ્યાસ નારાયણ ભાગવતમાં લખે છે કે,

સત્યં વિધાતું નિજ ભૃત્ય ભાષિતં વ્યાપ્તિં ચ ભૂતેષ્વખિલેષુ ચાત્મનઃ ।

અદૃશ્યતાત્યદ્‍ભુતરૂપમુદ્વહન્ સ્તંભે સભાયાં ન મૃગં ન માનુષમ્ ॥

(શ્રીમદ્ ભાગવત - ૭/૮/૧૮)

પરમાત્માનો અવતાર આપણી માફક વાસનાથી ઘેરાઈને નહી, પરંતુ કરુણાથી પ્રેરાઈને થાય છે. તેથી તે પ્રાણીમાત્ર ઉપર કરુણા જ કરે. તેમના ક્રોધમાં પણ કરુણા હોય છે. તેમના મારમાં પણ પ્યાર હોય છે. તે રાવણને, કંસને, પૂતનાને મારે તો પણ તેમનું કલ્યાણ જ કરે.

ભગવાન કહે છે: જયારે જયારે વેદવિહિત પ્રવૃત્તિ લક્ષણ તથા નિવૃત્તિ લક્ષણ ધર્મની ગ્લાનિ થાય છે, ધર્મ દબાઈ જાય છે, જયારે લોકો વર્ણાશ્રમધર્મનું પાલન કરતા નથી તથા અધર્મ વૃદ્ધિ પામે છે ત્યારે હું પ્રગટ થાઉં છું.