શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૪

જ્ઞાનકર્મ સંન્યાસ યોગ

યજ્ઞશિષ્ટામૃતભુજો યાન્તિ બ્રહ્મ સનાતનમ્ ।
નાયં લોકોઽસ્ત્યયજ્ઞસ્ય કુતોઽન્યઃ કુરુસત્તમ ॥ ૩૧॥

યજ્ઞશિષ્ટામૃતભુજ: યાન્તિ બ્રહ્મ સનાતનમ્

ન અયમ્ લોક: અસ્તિ અયજ્ઞસ્ય કુત: અન્યઃ કુરુસત્તમ

યજ્ઞશિષ્ટામૃતભુજ: - યજ્ઞ વડે ચિત્તશુદ્ધિ કર્યા બાદ જ્ઞાનરૂપ અમૃતનું સેવન કરનારા

સનાતનમ્ - સનાતન (નિત્ય)

બ્રહ્મ - પરબ્રહ્મ પરમાત્માને

અન્યઃ - પરલોક

યાન્તિ - પામે છે.

કુરુસત્તમ - હે કુરુશ્રેષ્ઠ અર્જુન !

અયજ્ઞસ્ય - યજ્ઞ (પુણ્યકર્મ) રહિત પુરુષને

અયમલોક: - આ (મનુષ્ય) લોક (પણ)

ન અસ્તિ - (સુખદાયક) નથી (તો)

કુત: - ક્યાંથી (સુખદાયક) હોય?

યજ્ઞ કરતા વધેલા અમૃતરૂપ અન્નનું ભોજન કરનારાઓ સનાતન બ્રહ્મને પામે છે. હે કુરુશ્રેષ્ઠ ! યજ્ઞ ન કરનારને આ લોક (મળતો) નથી, તો બીજો (પરલોક) ક્યાંથી હોય? (૩૧)

ભાવાર્થ

જીવન ક્યારે યજ્ઞ બને? જ્યાં સુધી વાસનાઓની આસપાસ ઘૂમે છે, પોતાના અહંકારની આસપાસ ઘૂમે છે. ત્યાં સુધી જીવન યજ્ઞ નહીં બને. જયારે માણસ વાસનાઓને ક્ષીણ કરતો જાય અને પોતાની વાસનાઓ, અહંકારની આસપાસ નહીં પરંતુ પરમાત્માની આસપાસ ઘૂમતી થાય ત્યારે તેનું જીવન યજ્ઞમય બને.

મંદિરમાં વેદીની પરિક્રમા કરો છો તે પ્રતીક છે. પરમાત્માને કેન્દ્રમાં રાખીને જીવનની પરિક્રમા કરો, અહંકાર કેન્દ્રમાં રાખીને નહીં. તો જ જીવન યજ્ઞ બની જાય.

આવું યજ્ઞજીવન જીવનાર માણસ જ્ઞાનરૂપી અમૃતને ભોગવે છે. જ્ઞાન એ જ અમૃત છે. જ્ઞાનામૃતમ ભોજનમ | અજ્ઞાન એ જ મૃત્યુ છે. જ્ઞાનીનું મૃત્યુ છે જ નહીં. જ્ઞાની પોતાના સ્વરૂપને એટલે કે સનાતન બ્રહ્મ - પરમાત્માના સ્વરૂપને જાણી ગયો પછી તેનું મૃત્યુ કેવી રીતે થાય. મૃત્યુ તો દેહનું થાય. દેહનું અનાત્મતત્ત્વોનું તો પ્રતિક્ષણે મૃત્યુ (રૂપાંતર) થયા જ કરતુ હોય છે. આત્મતત્ત્વનું મૃત્યુ થાય જ નહીં. અમૃતં, અમૃતત્વં - immortality જ શેષ રહી જાય.

અયજ્ઞસ્ય પુરૂષસ્ય.

જેનું જીવન યજ્ઞમય નથી બની ગયું તેવા મનુષ્યનું અજ્ઞાનરૂપી મૃત્યુ સદાકાળ થયા કરતુ હોય, તે સદાકાળ મરતો મરતો જ જીવતો હોય. તેને આ લોક (મનુષ્યલોક) અગર તો પરલોકમાં પણ સુખ હોય જ નહીં.

મૃત્યુ (મૃતત્વં) છે જ નહીં. અમૃતત્વં જ છે. મૃત્યુ (નાશ) કદાપિ કોઈનું થતું જ નથી. જડ તત્વોનો પણ નાશ થતો નથી, માત્ર રૂપાંતર થાય છે, મરવાની પ્રક્રિયા હજુ સુધી આજ સુધી કોઈએ જોઈ નથી. ચેતન (જીવન)ને વિદાય થવાની પ્રક્રિયાને આપણે મરણ કહીએ છીએ. સ્વીચ દબાવી અને વીજળીના ગોળામાંથી ઈલેક્ટ્રીસીટી (ચેતના - energy ) વિદાય થઇ ગઈ, પ્રકાશ દેખાતો બંધ થઇ જાય તો આપણે વીજળી અગર ગોળો મરી ગયો તેમ કહેતા નથી. Only manifestation of the energy in a particular object or thing is stopped.

ચેતના (જીવન) મરી ના જાય, માત્ર શરીરમાંથી વિદાય થઇ જાય, તેને આપણે મરણ - મૃત્યુ કહીએ છીએ. આપણને શરીરનો અનુભવ છે, શરીરમાં રહેલી ચેતનાનો આપણને કદાપિ અનુભવ થયો જ નથી. જીવન યજ્ઞમય બની જાય ત્યારે આ અનુભવ થાય અને ત્યારે અમૃતનો અનુભવ થાય, ત્યારે અમૃતમ્ અશ્નુતે |

શરીરથી ભિન્ન, વિલક્ષણ, શરીરમાં વ્યાપ્ત એવી ચેતનાનો અનુભવ થાય નહીં ત્યાં સુધી જીવ અજ્ઞાની ગણાય. તેની પાસે દુનિયાના તમામ વિશ્વવિદ્યાલયોના, તમામ faculties ના તમામ સર્ટીફિકેટ અને માસ્ટર ડિગ્રીઓ હોય તો પણ અજ્ઞાની ગણાય, તે 'અમૃતં ન અશ્રુતે' |

યજ્ઞ જીવનના પરિણામરૂપ (યજ્ઞશિષ્ટ) જ્ઞાનામૃતનો ભોક્તા (અમૃત ભુજ:) ભોગવનાર, અનુભવ કરનાર એવો પુરુષ જ સનાતન આત્મતત્ત્વ બ્રહ્મનો અનુભવ સાક્ષાત્કાર કરી શકે છે. યાન્તિ બ્રહ્મ સનાતનમ્ |

દીવો બુઝાઈ જાય ત્યારે આપણે તે નિર્વાણ પામ્યો (રાણો થયો) એમ કહીએ છીએ. દીવાનું તેજ મરી જતું નથી. દીવાનું તેજ સમષ્ટિ તેજમાં ભળી જાય છે. અને બીજા દીવાઓમાં પ્રગટ થાય છે. મૃત્યુ તો કોઈનું છે જ નહીં. આમ પ્રગટ થવું અને અપ્રગટ થવું એ ક્રમ અનાદિકાળથી ચાલે છે અને તે અનંતકાળ સુધી ચાલ્યા કરશે.

હું (આત્મા) કેટલોક સમય કોઈ પણ શરીરમાં પ્રગટ થાઉં છું. (જન્મ્યો કહેવાઉં છું) અને પાછો તે શરીરમાંથી નીકળીને (અપ્રગટ થઈને) બીજા શરીરમાં પ્રગટ થાઉં છું. માત્ર પ્રગટ થવાનું સાધન (શરીર) બદલતો રહુ છું. જયારે મને મારા આ ચેતન(આત્મ) સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે સમજાય કે પ્રગટમાં 'હું' એ જ છું અને અપ્રગટ અવસ્થામાં પણ 'હું એ જ છું ખરેખર તો 'હું' પ્રગટ પણ નથી થતો અને અપ્રગટ પણ નથી થતો, ફક્ત બીજાઓને હું પ્રગટ થયેલો (જન્મેલો) અને અપ્રગટ થયેલો (મરેલો) લાગુ છું; જેમ વાદળ હટી જવાથી સૂર્ય પ્રગટ થયેલો લાગે છે અને વાદળનું આવરણ આવવાથી અપ્રગટ લાગે છે. આટલું નાનું વાદળ આવડા મોટા સૂર્યને હાંકી શકે નહીં પરંતુ તે વાદળ બીજાઓની દ્રષ્ટિને આવરણ, ઓઝલ કરે છે તેમ ક્ષુદ્ર અહંકાર તે મહાન-અનંત આત્માને ઢાંકી શકે નહીં. પરંતુ બીજાઓની - અજ્ઞાનીઓની દ્રષ્ટિને આવરણ કરે છે. આવું આત્મજ્ઞાન થાય ત્યારે જ તે 'અમૃતમ અશ્રુતે’ અમૃતત્વને પામે છે. આવું જ્ઞાન યજ્ઞમય જીવન હોય તો જ થાય.

બીજાને મરતા દેખીને આપણે માનીએ છીએ કે આપણે પણ એક દિવસ આ પ્રમાણે મરી જઈશું. પરંતુ મરનારને પૂછો તો ખરા કે તું મરી ગયો? મરનાર મરતો નથી પરંતુ તે આ શરીર છોડીને બીજા શરીરમાં જાય છે.

દક્ષિણના એકે બ્રહ્મયોગી સાધુએ દસ મિનિટ માટે મરી જવાનો પ્રયોગ કર્યો હતો. મોટા મોટા પંદર ડોક્ટરોની રૂબરૂમાં તેના ડેથ સર્ટિફિકેટ ઉપર સહીઓ લીધી. કારણ કે આ સાધુના શ્વાસ, હૃદયના ધબકારા, નાડીઓમાં વહેતુ લોહી બંધ થઇ ગયું હતું અને મૃત્યુના બધા લક્ષણો ડોક્ટરોને સ્પષ્ટ દેખાતા હતા. સર્ટિફિકેટમાં સહીઓ કર્યા પછી દસ મિનિટમાં તે જીવતોજાગતો થયો.