માટે હે ભારત ! અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા અને હૃદયમાં રહેલા આ સંશયને પોતાથી જ્ઞાનરૂપ તલવાર વડે છેદી બ્રહ્માપર્ણ કર્મયોગનું તું આચરણ કર અને યુદ્ધ માટે ઉઠ, ઉભો થા. (૪૨)
ભાવાર્થ
કર્મ બંધનમાંથી મુક્ત થવા માટે ત્રણ શરતો આ શ્લોકોમાં બતાવે છે.
૧. યોગ સન્યસ્ત કર્માણં
યોગ એટલે સમત્વબુદ્ધિરૂપી યોગ દ્વારા જેણે પોતાના સમસ્ત કર્મો ભગવદ્ અર્પણ કરી દીધા છે. એટલે કે પરમાત્માને સમર્પિત થઈને પોતના કર્મ કરે છે. સમર્પિત થવામાં અહંકાર બાધારૂપ છે. અહંકારનું સંપૂર્ણ વિસર્જન થઇ જાય ત્યારે સમર્પણ થઇ શકે.
આવા યોગ દ્વારા જેણે (સન્યસ્ત કર્માણં) પોતાના સમસ્ત કર્મો (નિષ્કામ કર્મો વડે) ભગવદ્દ પ્રીત્યર્થે રાગદ્વેષરહિત થઈને, સમષ્ટિના કલ્યાણ માટે, કર્તાપણાના અહંકાર સિવાય કરેલા છે તેને કોઈ કર્મ બંધનકર્તા થતું નથી.
૨. જ્ઞાનસંછિન્નસંશયમ્
એટલે કે જ્ઞાન વડે પોતાના અજ્ઞાનજનિત સંશયો દૂર કરીને પરમાત્માની અધ્યક્ષતામાં પરમાત્માની પ્રસન્નતા માટે જે પોતાના કર્તવ્ય કર્મો કરે છે તેને કર્મ બંધનકર્તા થતા નથી.
જ્ઞાની એટલે એવા ભાવવાળો જે -
યો માં પશ્યતિ સર્વત્ર સર્વં ચ મયિ પશ્યતિ ।
(ગીતા ૬/૩૦)
સર્વભૂતસ્થમાત્માનં સર્વભૂતાનિ ચાત્મનિ ।
(ગીતા - ૬/૨૯)
સર્વત્ર સમદર્શનઃ
(ગીતા - ૬/૨૯)
સર્વભૂતહિતે રતાઃ
(ગીતા - ૧૨/૪)
સર્વભૂતાત્મભૂતાત્મા
(ગીતા - ૫/૭)
૩. આત્મવન્તમ્
એટલે કે આત્માના બળથી યુક્ત થઈને, પ્રમાદ રહિત થઈને જે પોતાના કર્તવ્યકર્મો કરે છે તેને કર્મ બંધનકર્તા નથી.
કર્મ બંધનમાંથી નિવૃત્તિ માટેના અનેક શ્લોકો 'ગીતા'માં આપેલા છે જેમના થોડાક નમૂના રૂપે નીચે આપ્યા છે. જેનો ભાવાર્થ તે તે શ્લોકોમાં વાંચી જવા વિનંતી છે.