વળી બીજાઓ અપાનમાં પ્રાણને તથા પ્રાણમાં અપાનને હોમે છે; અને કેટલાક પ્રાણ તથા અપાનની ગતિ રોકી પ્રાણાયામમાં તત્પર રહેનારા હોય છે. (૨૯)
ભાવાર્થ
કેટલાક યોગીજનો
૧. અપાન વાયુમાં પ્રાણવાયુનો હવન કરે છે.
૨, પ્રાણવાયુમાં અપાનવાયુનો હવન કરે છે.
૩. પ્રાણ અને અપાનની ગતિ રોકીને પ્રાણાયામ - પરાયણ થાય છે.
માણસ અનેક દ્વારોથી અસ્તિત્વ (પરમાત્મા) સાથે જોડાયેલો છે, જેવી રીતે વૃક્ષ અને જડો - મૂળિયાં દ્વારા પૃથ્વી સાથે જોડાયેલ છે.
જીવનની ઉર્જા નાભિ ઉપર એકઠી થયેલી છે. આ એક દ્વાર છે જે મારફતે જીવન અસ્તિત્વ (પરમાત્મા) સાથે જોડાયેલ છે.
જીવનની ઉર્જા પ્રાણ ઉપર પણ સંચાલિત છે. શ્વાસ ચાલતા હોય તો આપણે કહીએ છીએ કે વ્યક્તિ જીવિત છે, શ્વાસ બંધ થઇ જાય તો વ્યક્તિ મરી ગઈ ગણાય. શ્વાસથી શરીર અને આત્મા (body and soul) જોડાયેલા છે. શ્વાસ સેતુ છે એટલા માટે શ્વાસ ઉપર પણ પ્રયોગ કરીને કેટલાક યોગીઓ પ્રાણાયામથી તે પરમ અનુભૂતિને ઉપલબ્ધ થાય છે. (આ પાતંજલ યોગદર્શનનો વિષય છે) શ્વાસ અગર પ્રાણ એનો પણ પોતાનો પ્રાણયોગ છે. તેના પણ ઘણા ઘણા રૂપ છે.
એક તો, શ્વાસની ગતિ મનોદશા સાથે સંબંધિત છે. જેવી મનની સ્થિતિ હોય છે તેવી શ્વાસની ગતિ હોય છે. મનની, અંતઃકરણની, આંતરિક સ્થિતિ બદલતાંની સાથે જ શ્વાસના આંદોલનો, તરંગો, Frequency બદલાઈ જાય છે.
શ્વાસના તરંગોના આઘાત ઉપરથી, ફ્રીક્વન્સી ઉપરથી મનની, અંત:કરણની શું સ્થિતિ છે તે જાણી શકાય છે. હાલનું મેડિકલ સાયન્સ લોહીની ગતિને માપે છે. લોહીનું દબાણ, ફ્રીક્વન્સી, બ્લડપ્રેશરની માપણીથી શરીરના સ્વાસ્થ્યની સ્થિતિ માપે છે. આશરે ૩૦૦ વર્ષ પહેલા લોહીનું પરિભ્રમણ, ગતિ, બ્લડપ્રેશર માપવાની શોધખોળ થઇ નહોતી. હાલમાં શ્વાસોચ્છ્વાસની ગતિ, ફ્રીક્વન્સી, આંદોલનો, તરંગો ઉપરથી મનની અંતઃકરણની, વિચારોની, વિકારોની સ્થિતિ માપવાની બાબતમાં મેડિકલ સાયન્સે પ્રગતિ કરેલી નથી.
જેવું બ્લડપ્રેશરનું છે તેવી બ્રેથ પ્રેશરનું (breath pressure) સાયન્સ પણ છે. (જુઓ પતંજલિ યોગદર્શન). શ્વાસોચ્છ્વાસનાં તરંગો, આઘાતો, ગતિ, પ્રેશર ઉપરથી વ્યક્તિની આંતરદશા, મનની અંત:કરણની દશા માપવાની કળા પતંજલિ જેવા મહર્ષિઓ જાણતા હતા જે હાલનું મેડિકલ સાયન્સ હજુ બરાબર જાણતું નથી. શ્વાસની ગતિનો જીવન - ઉર્જા સાથે સંબંધ છે.
ક્રોધથી, કામવાસનાથી ઘેરાયેલા માણસની શ્વાસની ગતિ બદલાઈ જાય છે. તેથી શ્વાસની ગતિ ઉપર કાબૂ મેળવવાની કળા (પ્રાણાયામ વગેરે) જેને આવડતી હોય તો તે કામ - ક્રોધ ઉપર પણ વિજય મેળવી શકે છે, તેને કાબૂમાં રાખી શકે છે.
એટલા માટે જાપાનમાં નાનપણથી જ નાના બાળકોને એવી શિખામણ નથી આપતા કે તમે ક્રોધ ના કરશો, પરંતુ એવી ટ્રેનિંગ આપવામાં આવે છે કે જયારે તમને ક્રોધ આવે ત્યારે તમારે તમારો શ્વાસ ધીમે ધીમે લેવો. આ પ્રાણયોગનું એક અદ્ભૂત સૂત્ર છે. તેથી તમે જોશો કે જાપાનના લોકોના મુખ ઉપર મુશ્કરાહટ દેખાય છે. ક્રોધ આવે ત્યારે શ્વાસને ધીમે ધીમે, આસ્તે આસ્તે, ગહેરો અને ધીમો - Deep and slowly લેવો. આપણે તો બાળકને કહીએ છીએ કે ક્રોધ નહીં કરવો અને છતાં બાળક ના માને અને ક્રોધ કરે તો બાપ સામે ક્રોધ કરે છે. (પોતાના ઉપદેશની વિરુદ્ધ જઈને). ક્રોધને રોકવા કરતા શ્વાસને રોકવો વધારે વોલન્ટરી (સ્વૈચ્છિક) છે આને પ્રાણયોગ એવું નામ આપણા શાસ્ત્રોએ આપ્યું છે.
આ પ્રાણયોગનું આપણું અસલી સૂત્ર બુદ્ધ દ્વારા જાપાનીસ લોકો શીખ્યા. બુદ્ધે શ્વાસની પ્રક્રિયા ઉપર ખૂબ જોર દીધું છે અને ઘણી ગહેરાઈથી વિચાર્યું છે. બુદ્ધે આ પ્રાણયોગને 'અનાપાનસતી યોગ' એવું નામ આપ્યું છે. આવતા - જતા શ્વાસને જોવો - watch કરવો તે 'અનાપાનસતી યોગ છે' આ યોગ જે સાધે તે અનાયાસે કામ, ક્રોધ જીતી શકે. કામ - ક્રોધ આવે ત્યારે શ્વાસની ગતિ રિધમિક (Rhythmic) - લયબદ્ધ રહેતી નથી. પ્રસન્ન ચિત્ત હોય ત્યારે શ્વાસોશ્વાસ એકદમ હલકો, જાણે કે ચાલતો જ ના હોય, તેવું લાગે છે. કામ - ક્રોધ વખતે શ્વાસોશ્વાસ બ્રૅથપ્રેશર અસ્તવ્યસ્ત - અનરિધમેટિક - (unrhythmic) થઇ જાય છે.
પ્રાણયોગનો અર્થ એ કે શ્વાસોશ્વાસ એક છેડે શરીરને સ્પર્શ કરે અને બીજે છેડે ઊંડાણમાં જીવનને (આત્માને, બ્રહ્મને) સ્પર્શ કરે. પ્રાણયોગ એટલે Transformation of breathing process, જે દ્વારા વ્યક્તિ પરમસત્તા (જીવન, પરમાત્મા)ને ઉપલબ્ધ થઇ શકે.
અપાને જુહયતિ પ્રાણમ્
પ્રાણ (બહારના શ્વાસ)ને અંદરના પ્રાણ શ્વાસ (અપાન) માં રોકી દે. એને પૂરક કહે છે. એ પ્રમાણે શ્વાસ રોકાઈ જાય. શ્વાસના આ પ્રમાણે રોકાવાની ક્ષણમાં એક પરમ અનુભવનું કિરણ ઉત્પન્ન થાય છે. શ્વાસ પૂરેપૂરો રોકાવાની ક્ષણમાં અસ્તિત્વ પૂરેપૂરું સંતુલિત - balanced થઇ જાય અને સંયમ ઉપલબ્ધ થાય છે. કોઈ Movement, કોઈ આંદોલન, કોઈ પરિવર્તન, કોઈ હેરફેર, કોઈ બદલાહટ, કોઈ ગતિ કાંઈ નહીં. તે વખતે માણસ પરમગતિમાં - શાશ્વતમાં, Eternalમાં, સનાતન સાથે સંપર્ક સાધી શકે છે.
શ્વાસના આંદોલનનો પરિવર્તનશીલ જગત સાથે સંબંધ છે. શ્વાસનું આંદોલનરહિત થવું તેનો અપરિવર્તનશીલ નિત્ય જગત સાથે સંબંધ છે. શ્વાસના સ્થગિત થઇ જવાની ક્ષણમાં એક અદ્ભૂત અનુભૂતિ થાય છે.શ્વાસ સ્થિર થતાની સાથે જ વિચારો સ્થગિત થઇ જાય છે અને મનની ગત અલોલ (Non-oscillating) થઇ જાય છે.
શ્વાસને આસ્તે આસ્તે પ્રશિક્ષિત (trained) કરીને સ્થિર, સ્થગિત કરવો, બળજબરીથી નહીં. પછી પ્રેક્ટીસ કરતે કરતે શ્વાસ અનાયાસે સ્થિર થતા શીખી જશે ત્યારે એક ક્ષણ એવી આવશે જયારે ધ્યાનની શાંત સ્થિતિનો અનુભવ થશે. પ્રાણ અને ધ્યાનનું Tuning થશે. આને માટે શ્વાસોશ્વાસની ક્રિયાને રિધમિક, લયબદ્ધ કરવાની પ્રેક્ટીસની જરૂર છે.
શ્વાસ સ્થગિત થવાથી વિચારોની, મનની ગતિ ઉપર બ્રેક વાગે છે. વિચારો ઓટોમેટિક સ્થગિત થઇ જાય છે. રામકૃષ્ણ પરમહંસના જીવનના કેટલાક પ્રસંગોમાં લાગલગાટ પાંચ - છ દિવસ સુધી શ્વાસ અને તેની સાથે વિચારો સ્થગિત થઇ જતા અને ઊંડા ધ્યાનમાં ઉતરી જતા ત્યારે બહારના લોકોને તો એમ લાગે કે જાણે મરી ગયા.
એવા સ્થગિત થઇ ગયેલા સમય (still moments) માં ચેતના સમયની બહાર ચાલી જાય, કાલાતીત થઇ જાય, વિચારની બહાર, નિર્વિચાર બ્રાહ્મી સ્થિતિમાં આવી જાય.
વિચારમાં આવ્યા, વિચારમાં પડ્યા એટલે સંસારની વચમાં પડ્યા સમજો.
બીજો રસ્તો - પ્રાણે અપાનમ જુહયતિ.
અંદરના શ્વાસને (અપાનને) બહારના પ્રાણમાં હોમી દે, તેને રેચક કહેવાય અને તે રીતે પ્રાણની ગતિ સ્થગિત કરી દે. અથવા તો
ત્રીજો રસ્તો,
બહારના પ્રાણને બહાર રાખે. અંદરના પ્રાણને (અપાનને) અંદર રાખે. વચમાં ગેપ, અંતરાલ, વેક્યૂમની સ્થિતિ પેદા કરે તેને કુમ્ભક કહે છે.
આ ત્રણેય પ્રક્રિયાનો એક જ અર્થ છે. બુંદ સાગરમાં પડે કે સાગર બુંદમાં પડે એમ રિલેટિવ ટર્મમાં, સાપેક્ષ ભાવમાં વાત કરવાની આ રીત છે. ટ્રેઈન મને મુંબઈ લઈ ગઈ એમ કહો અગર તો ટ્રેઈન મુંબઈને મારી પાસે લાવી એમ કહો - બધી સાપેક્ષ ભાષા છે. બધાનો અર્થ એક જ કે
૧. કાં તો વિચારોને રોકવાની પ્રેક્ટિસ કરો તો શ્વાસોશ્વાસ અનાયાસે સ્થિર થશે. (આ રાજયોગ)
૨. અગર તો શ્વાસોશ્વાસને સ્થિર કરવાની પ્રેક્ટિસ કરો તો વિચારો આપોઆપ સ્થિર થશે. (આ હઠયોગ)
બંને રીતે સમત્વં - equilibrium પ્રાપ્ત થતા યોગ (પરમાત્મા, અસ્તિત્વ સાથેનો) સિદ્ધ થશે.