પરંતુ અજ્ઞાની તથા શ્રદ્ધા વિનાનો સંશયમય રહી નાશ પામે છે. સંશયમય રહેલાને આ લોક નથી, પરલોક નથી અને સુખ નથી. (૪૦)
ભાવાર્થ
સંયતેન્દ્રિય: જિતેન્દ્રિય એટલે ઇન્દ્રિયો સાથે લડનાર, કુસ્તી કરનાર નહીં. પરંતુ ઇન્દ્રિયોને બરાબર રીતે જાણનાર. ઇન્દ્રિયોનો સાક્ષાત્કાર કરનાર જ ઇન્દ્રિયોને જીતી શકે. ઇન્દ્રિયો સાથે નિરંતર લડનાર માણસ ઇન્દ્રિયોથી કાયમ હારતો હોય છે. ઇન્દ્રિયો સાથે લડવાથી તો માત્ર (suppression, repression) થાય પણ તેથી તો (reaction) આવે, વિકૃતિ આવે, સંસ્કૃતિ ના આવે. ઇન્દ્રિયોને દમનથી વિકૃત કરવા કરતા શમનથી સંસ્કૃત કરવાથી તે રૂપાંતરિત બને.
ક્રોધ એ શક્તિ છે જે રૂપાંતરિત બનવાથી ક્ષમા બની જાય. કામ સંસ્કૃત બનવાથી બ્રહ્મચર્ય બની જાય. સંસ્કૃત કરવાથી લોભ દાન બની જાય, ઘૃણા પ્રેમ બની જાય. ભોગ અને દમન આ બે ઇન્દ્રિયો સાથેનો ખતરો છે. ભોગ અને દમન છોડીને ઈન્દ્રિયોનું observation - ધ્યાન કરો, ઇંદ્રિયોની શક્તિને જાણી લો. ક્રોધને જે જાણી લે તે ક્રોધ કરી નહીં શકે. કામને જે જાણી લે તે કામાતુર નહીં થઇ શકે. કામ - ક્રોધ જાગૃત થાય ત્યારે તેની સાથે તણાવા કરતા કિનારે ઉભા રહીને તેનું observation કરો તો તુરત જ કામ - ક્રોધ - ઇન્દ્રિયો controlમાં આવી જશે અને શાંત થઇ જશે.
શંકરાચાર્ય લખે છે કે
જે શત્રવ: સન્તિ નિજેન્દ્રિયાણિ | તાન્યેવ મિત્રાણિ જિતાનિયાની ||
ઇન્દ્રિયો આમ તો જીવાત્માની શત્રુઓ છે પરંતુ જો તે કાબૂમાં રહે તો તે જ ઇન્દ્રિયો તમારી મિત્ર બની જાય.
શ્રદ્ધાવાન્
શ્રદ્ધા એટલે વિશ્વાસ (belief) નહીં.
જેના અંતઃકરણમાં અવિશ્વાસ હોય તે વિશ્વાસ કરે.
જેના અંતઃકરણમાં અવિશ્વાસ (સંદેહ) નથી તે શ્રદ્ધા કરે.
વિશ્વાસની પાછળ સંદેહ છુપાયેલો છે. વિશ્વાસ કરવા માટે સંદેહને દબાવવો પડે છે. શ્રદ્ધાવાન એટલે સંદેહહીન, સંશયહીન, Open-minded.
વિશ્વાસ અને અવિશ્વાસથી પર તે શ્રદ્ધાવાન. જેને જ્ઞાનનો દંભ નથી, જે નિર્દમ્ભ છે, જે childlike છે તેવો શ્રદ્ધાવાન સહેલાઈથી જિતેન્દ્રિય થઇ શકે.
જિતેન્દ્રિય સહેલાઈથી શ્રદ્ધાવાન થઇ શકે.
જિતેન્દ્રિય અને શ્રદ્ધાવાન સહેલાઈથી પરમશાંતિ - the supreme ultimate silence પ્રાપ્ત કરી શકે. શ્રદ્ધા એટલે વિશ્વાસ (belief - faith) પણ નહીં અને અવિશ્વાસ પણ નહીં. બંનેથી પર. અવિશ્વાસ હોય તેને વિશ્વાસની જરુર પડે.
અવિશ્વાસની અનુપસ્થતિ (absence)નું નામ શ્રદ્ધા.
જે વિશ્વાસ કરે છે તે જૂઠી શ્રદ્ધામાં, અંધશ્રદ્ધામાં પડે છે.
જેનામાં અવિશ્વાસ નથી તેનામાં સાચી શ્રદ્ધા પ્રગટ થાય છે.
વિશ્વાસ હંમેશા બીજા તરફથી મળે છે.
શ્રદ્ધા હંમેશા સ્વયંમાંથી પ્રગટ થાય છે.
વિશ્વાસ ઉધાર વસ્તુ છે, મરેલું છે, શ્રદ્ધા જીવંત છે.
વિશ્વસ અને અવિશ્વાસ બંને તર્કથી જીવે છે.
શ્રદ્ધા તર્કથી પર છે. શ્રદ્ધા અનુભૂતિ છે.
વિશ્વાસ તર્કથી ડગી જાય. શ્રદ્ધા તર્કથી પણ ડગે નહી.
જ્ઞાનપ્રાપ્તિના ચાર ઉપાય:
૧. શ્રદ્ધા
૨. તત્પરતા
૩. ઇન્દ્રિયસંયમ
૪. યોગસંસિદ્ધિ
જ્ઞાનપ્રાપ્તિ થતા તમામ પ્રકારની અશાંતિ દૂર થઇ જાય. અશાંતિ એટલે ચિત્તની ઉત્તેજના, વિક્ષિપ્તતા. સુખમાં પણ ઉત્તેજના હોય, દુઃખમાં પણ ઉત્તેજના હોય. શાંતિમાં એટલે કે સુખદુઃખથી પર નિર્દ્વંદ્વ અવસ્થામાં ઉત્તેજનારહિત થવાય. દુઃખની ઉત્તેજના આપણે કદાચ સહન કરીએ છીએ કારણકે આપણે તેનાથી દરરોજ ટેવાયલા છીએ. સુખની ઉત્તેજના ખતરનાક છે. સુખ જીરવવું મુશ્કેલ છે. ઓચિંતી પચાસ લાખની લોટરી લાગે તો હાર્ટ એટેક થઇ જાય. સુખ કરતા દુઃખ વધારે પરિચિત હોવાથી જીરવી શકાય છે.
An indecisive mind (અશ્રદ્દધાન: પુરુષ:) will miss all opportunities.
માનવજીવન એ એક મહાન અવસર (opportunity) છે જેમાં પરમાત્માની ઉપલબ્ધી શક્ય છે. આ અવસર ચૂકશો નહીં.