શ્રી પરમાત્મને નમઃ
અધ્યાય ૪
જ્ઞાનકર્મ સંન્યાસ યોગ
શ્રોત્રાદીનીન્દ્રિયાણ્યન્યે સંયમાગ્નિષુ જુહ્વતિ ।
શબ્દાદીન્વિષયાનન્ય ઇન્દ્રિયાગ્નિષુ જુહ્વતિ ॥ ૨૬॥
શ્રોત્રાદીનિ ઈંદ્રિયાણિ અન્યે સંયમાગ્નિષુ જુહ્વતિ
શબ્દાદીન્ વિષયાન્ અન્યે ઇન્દ્રિયાગ્નિષુ જુહ્વતિ
અન્યે - બીજા યોગીઓ (બ્રહ્મચારીઓ)
શ્રોત્રાદીનિ - કાન વગેરે
ઈંદ્રિયાણિ - સઘળી ઇન્દ્રિયોને
સંયમાગ્નિષુ - સંયમરૂપી અગ્નિમાં હોમે છે (ઇન્દ્રિયોને વિષયોથી રોકી વશ કરે છે)
અન્યે - બીજા (ગૃહસ્થ યોગીઓ) યોગીજનો
શબ્દાદીન્ - શબ્દાદિ
વિષયાન્ - વિષયોને
ઇન્દ્રિયાગ્નિષુ - ઇન્દ્રિયોરૂપ અગ્નિમાં
જુહ્વતિ - હોમે છે. (આસક્તિરહિત ઇન્દ્રિયો દ્વારા વિષયોને સેવે છે.)
કેટલાક કાન વગેરે ઇન્દ્રિયોને સંયમરૂપી અગ્નિમાં હોમે છે અને બીજાઓ શબ્દાદિ વિષયોને ઈંદ્રિયોરૂપ અગ્નિઓમાં હોમે છે. (૨૬)
ભાવાર્થ
આ શ્લોકમાં બે નિષ્ઠાઓની વાત કરે છે:
૧. કેટલાક યોગીજન શ્રોત્રાદિક પાંચેય જ્ઞાનેન્દ્રિયોનો સંયમ અર્થાત્ સ્વાધીનતારૂપ અગ્નિમાં હવન કરે છે. એટલે કે ઇન્દ્રિયોને વિષયોમાં જતી રોકીને પોતાના વશમાં કરી લે છે.
૨. જયારે કેટલાક યોગીઓ શબ્દાદિક પાંચ વિષયોનો ઈંદ્રિયોરૂપ અગ્નિમાં હવન કરે છે એટલે કે રાગદ્વેષરહિત ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ કરતા છતાં તેને ભસ્મરૂપ કરે છે.
૧. પહેલા પ્રકારના યોગીઓ ઈંદ્રિયોને તેના વિષયોમાં જવા જ દેતા નથી, કારણ કે ઇન્દ્રિયો અત્યંત સૂક્ષ્મ છે. અને તેઓ તેમના વિષયો દ્વારા કોઈ પણ પ્રાણી - પદાર્થ અગર વસ્તુ - વ્યક્તિને સ્પર્શ કરે છે. એકલા હાથથી જ કે શરીરથી જ સ્પર્શ કરી શકાય એવું નથી. કોઈ પણ પ્રાણી - પદાર્થ અગર તો વસ્તુ - વ્યક્તિ ગમે તેટલી દૂર હોય તો પણ આંખ - રૂપ નામના વિષય દ્વારા, કાન - શબ્દ નામના વિષય દ્વારા, નાક - ગંધ નામના વિષય દ્વારા, જીભ - રસ નામના વિષય દ્વારા તેને સ્પર્શ કરે છે. અને તેમાં કામના - વાસના જાગ્રત કરે છે. તેથી યોગીજનો આ ઇન્દ્રિયોને તેમના વિષયોમાં સાવધાનીપૂર્વક પ્રવેશ કરતા જ રોકે છે અને તેને માટે તે સતત જાગ્ર્ત રહે છે.
૨. બીજા પ્રકારના યોગીઓની ઇન્દ્રિયો વિષયોમાં વિચરણ કરે છે પરંતુ કોઈ પ્રાણી - પદાર્થ અગર વસ્તુ - વ્યક્તિનો સ્પર્શ થવા દેતું નથી.
મૈં બાઝારમેં ફિરનાર હું ખરીદનાર નહી હૂ.
ન તેરી ગરઝ હૈ, ન સૂરત સે તેરી;
મુક્કમ્મિલ કી, લેકિન કલમ દેખતા હૂં.
આવો યોગી કોઈ સુંદર સ્ત્રીને જુએ તો તેના ઉપરથી તેનામાં એવો ભાવ પ્રગટ થાય કે આવી સુંદર સ્ત્રીને ઘડનાર (પરમાત્મા) કેટલો સુંદર હશે. તે આખા જગતના બજારમાં ફરે પરંતુ કશાયમાં આસક્ત થતો નથી.
સંયમનો અર્થ ઈન્દ્રિયોની ભાંગફોડ, દમન - Suppression થતો નથી. દમનથી તો ઉલ્ટું તેનું રિએક્શન આવે અને ઇન્દ્રિયો વધારે વકરે.
Action and reaction are equal and opposite. વિષયો તરફ ઇન્દ્રિયોને જવા દો ઉપયોગ માટે, ભોગ માટે નહીં.
ભોજન કરો સ્વાદ માટે નહીં, સ્વાસ્થ્ય માટે.
ભોક્તા નહીં, ભોજનના દ્રષ્ટા બનો.
બીજા પ્રકારના યોગીઓનો માર્ગ અઘરો છે. વેશ્યાના ઘરમાં નાચગાન જોતા-સાંભળતા દ્રષ્ટા-સાક્ષીભાવ કેળવવો અઘરો છે.
ભોગો ભોગવતા છતાં તટસ્થ ભાવ, દ્રષ્ટાભાવ, સાક્ષીભાવ કેળવવો અઘરો છે. ઇન્દ્રિયોનો વિષયો સાથેનો સંબંધ તોડવો સહેલો છે પરંતુ ઇન્દ્રિયોનો વિષયો સાથેનો સંબંધ જારી રાખીને અસંબંધીત - અસંગ રહેવું અઘરું છે.
પહેલા પ્રકારના યોગીની સાધનામાં આત્મવંચનાની સંભાવના નહીં હોવાથી સુગમ છે. જયારે બીજા પ્રકારના યોગીની સાધના દુર્ગમ છે.
મહાવીર, બુદ્ધ પહેલા પ્રકારની સાધનાવાળી વ્યક્તિઓ છે.
કૃષ્ણ બીજા પ્રકારની સાધનાવાળી વ્યક્તિ છે. એટલા માટે ગોપીઓ સાથે રાસલીલા કરનાર કૃષ્ણને જૈનોએ નરકમાં નાખ્યા.
કૃષ્ણ નાચ્યાં પરંતુ તેની આંખમાં નાચનો વિકાર નથી. કૃષ્ણે મહાભારત યુદ્ધમાં હિંસા કરાવી પરંતુ હૃદયમાં ક્રોધ - દ્વેષ નથી. કૃષ્ણ મોરમુગુટ, પીતાંબર, વનમાળા પહેરે છે છતાં તેની પાછળ મહાવીરની નગ્નતા, દિગંબરત્વ સાફ સાફ દેખાય છે. કૃષ્ણમાં બંને પ્રકારના યોગીઓનો સમન્વય છે. ગીતાનો સમન્વયયોગ ભગવાન સમજાવે છે.
શ્રોત્ર, ત્વચા, નેત્ર, જિહવા અને નાસિકાને વશમાં કરીને પ્રત્યાહાર કરવો તથા શબ્દ - સ્પર્શ - રૂપ - રસ અને ગંધ વગેરે બહાર - ભીતર વિષયોથી વિવેકપૂર્વક તેમને હટાવીને ઉપરત થવું તેને શ્રોત્ર વગેરે ઇન્દ્રિયોનો સંયમરૂપ અગ્નિમાં હવન કર્યો કહેવાય. આ વાતનો સુસ્પષ્ટભાવ 'ગીતા'ના બીજા અધ્યયના અઠ્ઠાવનમાં શ્લોકમાં કાચબાના દ્રષ્ટાંતથી બતાવેલો છે.
કાન દ્વારા નિંદા અગર સ્તુતિ તથા અન્ય કોઈ પ્રકારના અનુકૂળ અગર પ્રતિકૂળ શબ્દોને સાંભળવા છતાં,
નેત્ર દ્વારા સારા - ખોટા દ્રશ્યોને જોવા છતાં,
જીભથી અનુકૂળ અગર પ્રતિકૂળ રસને ગ્રહણ કરવા છતાં, આ પ્રમાણે સમસ્ત ઇન્દ્રિયો દ્વારા પણ પ્રારબ્ધ અનુસાર યોગ્યતા પ્રમાણે પ્રાપ્ત સમસ્ત વિષયોનું અનાસક્તભાવે સેવન કરતા છતાં અંતઃકરણમાં સમભાવ રાખવો, ભેદબુદ્ધિ જનિત રાગદ્વેષ અને હર્ષશોકાદિ વિકારો નહીં થવા દેવા અર્થાત્ તે વિષયોમાં મન અને ઇન્દ્રિયોને વિચલિત - વિક્ષિપ્ત કરવાની શકિત છે તેનો નાશ કરીને તેને ઇન્દ્રિયોમાં વિલીન કરતા રહેવું તેને શબ્દાદિ વિષયોનું ઇન્દ્રિયરૂપ અગ્નિમાં હવન કર્યું કહેવાય.