જેઓ જે પ્રકારે મારે શરણે આવે છે, તેમને તે જ પ્રકારે હું ભજું છું; અર્થાત ફળ આપું છું. હે પાર્થ ! મનુષ્યો સર્વ પ્રકારે મારો માર્ગ અનુસરે છે. (૧૧)
ભાવાર્થ
ભગવાન કહે છે કે જે મારુ ચિંતન કરે છે તેની હું ચિંતા કરું છું. જે મારે માટે વ્યાકુળ થાય છે તેને માટે હું વ્યાકુળ થાઉં છું. જે મારો વિયોગ સહન નથી કરી શકતા તેમનો હું વિયોગ સહન કરી શકતો નથી. જે મને સર્વસ્વ અર્પણ કરે છે તેને હું મારુ સર્વસ્વ અર્પણ કરું છું. જે મને ગોવાળિયાઓની માફક સખા મને છે તેને હું સખા માનું છું. નંદ - જશોદા પુત્રભાવે ભજે તેની સાથે વાત્સલ્યભાવથી હું રહુ છું. રુક્મણિ સાથે પતિ ભાવ પ્રગટ કરું છું. હનુમાન સાથે સ્વામીભાવ, ગોપીઓ સાથે માધુર્યભાવ કરી હું મારી દિવ્ય લીલાઓનો રસાસ્વાદ આપું છું.
હરિ ન વિસારે તેને હરિ ન વિસારે રે.
જીવની જેટલી આતુરતા તેટલી પરમાત્માની તત્પરતા. પરમાત્મા કોઈ મૃત વસ્તુ નથી, જીવંત સત્ય છે. પરમાત્મા કોઈ બહેરું અસ્તિત્વ નથી, કોઈ dumb existence નથી. પરમાત્મા હૃદયપૂર્ણ છે. પરમાત્મા પણ પ્રાણોથી, સ્પંદનથી ભરેલું અસ્તિત્વ છે. જયારે જયારે પ્રાણોમાં કોઈ પ્રાર્થના ઉઠે છે અને તે પરમાત્મા તરફ વહેવાની શરૂઆત થાય છે ત્યારે તે પ્રાર્થના એકતરફી નથી હોતી. પરમાત્માની કરુણાનો પ્રવાહ પણ ભક્ત તરફ વહેવા લાગે છે.
અસ્તિત્વનો એ નિયમ છે કે તે તરફ ફેંકેલો પથ્થર અગર પુષ્પ, ગાળો અગર ભજનનો ધ્વનિ, પ્રેમ અગર ઘૃણા rebound થઈને, સામે અથડાઈને એવા જ રૂપે, in the same coins પાછો આવે છે. વકીલે તહોમતદારને શીખવાડ્યું કે કોર્ટમાં કોઈ પણ સવાલ પૂછે તેના જવાબમાં તારે ગાંડાની માફક માત્ર 'મિયાઉં' એટલું જ બોલવું. તેમ કરવાથી કોર્ટે તેને ગાંડો માનીને છોડી મૂક્યો; પણ પછીથી વકીલે જયારે તેની પાસે ફીનાં પૈસા માગ્યા તો તેણે વકીલને પણ માત્ર 'મિયાઉં' એટલો જ જવાબ આપ્યો. વકીલની ખોટી શિખામણ વકીલને જ ભારે પડે. તમે જેવું બીજ વાવો તેવું જ ફળ તમને મળે.
જગતને તમે પદાર્થના રૂપમાં ભજો તો જગત તમને પદાર્થરૂપે જ દેખાય; પરમાત્મારુપે ભજો તો પરમાત્મારુપે જ દેખાય. જો કોઈ રૂપે ના ભજો તો જગત, જીવન તેના પ્રત્યે મૌન બની જાય. જડ પથ્થરની સમાન જીવનમાં કોઈ સંવાદ રહે નહીં.
'જિંદગી મેં જિંદગી આતી હૈ હમારે જિંદા હોને મેં'
એટલા માટે જીવંત આદમી પાસે પથ્થર પણ જીવંત થઇ જાય અને મરેલા મુડદાલ આદમી પાસે જીવતો માણસ પણ મડદા જેવો થઇ જાય.
એક કવિ પોતે બૂટ પહેરે તો પણ એવી કાળજીથી કે જાણે બૂટ જીવિત હોય, સૂટકેસ બંધ કરે તો પણ જાણે કે સૂટકેસમાં પ્રાણ હોય, દરવાજો પણ એવી કાળજી અને શાંતિથી બંધ કરે જાણે તેને ક્યાંય ચોટ ના લાગી જાય. આ કવિ પથ્થરને અડે તો પણ જાણે પરમાત્માને અડતો હોય એટલી કાળજીથી. તે જડ વસ્તુઓ સાથે પણ એટલા જ પ્રેમથી વર્તાવ કરતો હોય જેટલો આપણે આપણા નોકર સાથે કે પત્ની, પુત્ર જેવા જીવંત પ્રાણીઓ સાથે વર્તાવ કરીએ છીએ. આ કવિએ જીવનમાં કદાપિ દુઃખ જોયું નથી. આપણે દુઃખી છીએ કારણ કે આપણે બીજાને દુઃખી કરીએ છીએ.
જેની આંખોમાં કામ - ક્રોધ છે તેને ઇશ્ચર દેખાય જ નહીં, પછી મળે તો ક્યાંથી? જેમાં આંખોમાં ધન દેખાતું હોય તેને ધન મળે, પરમાત્મા નહીં.